મોટર વ્હીકલ એકટ 2019 રાજ્યસભામાં પાસ, જાણો નવા નિયમ અને દંડ

મોટર વ્હિકલ બિલને રાજ્યસભામાંથી મંજૂરી મળી ગઇ છે. ટૂંક સમયમાં જ કાયદાનું રૂપ ધારણ કરી લેશે. ત્યારબાદ રસ્તાના નિયમોનું પાલન નહીં કરનારાઓ માટે મુશ્કેલી ખૂબ વધી જશે. કાયદામાં માત્ર પહેલાં કરતાં કેટલાંય ગણા વધારાના દંડની જોગવાઇ જ નથી પરંતુ સજાના સમયગાળામાં પણ વધારો થઇ રહ્યો છે.

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત આ બિલને રજૂ કરવું પડ્યું હતું. જાણો ટ્રાફિકના નિયમો તોડવા પર કેટલો દંડ લાગશે? સગીરને વાહન આપવું : નવા નિયમ પ્રમાણે સગીરને વાહન આપવા માટે વાહન માલિકને દોષી માનવામાં આવશે. આવા કેસમાં વાહન માલિકને રૂ. 25 હજારનો દંડ અને ત્રણ વર્ષની સજા થશે. એટલું જ નહીં સગીરને 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે. વાહનનું રજીસ્ટ્રેશન રદ થશે. સગીર સામે કિશોર ન્યાય એક્ટ 2000 અંતર્ગત કેસ ચાલશે.

બિલ પ્રમાણે ચાર વર્ષથી મોટી ઉંમરના બાળકોએ હવે હેલમેટ પહેરવું પડશે. નવા નિયમમાં ડ્રાઇવિંગની બાકી ભૂલોમાં દંડની રકમ પહેલાની સરખામણીમાં 5થી 30 ગણી વધારી દેવામાં આવી છે. નશાની હાલતમાં ડ્રાઇવિંગ : નશાની હાલતમાં વાહન ચલાવવા પર રૂ. 10 હજારનો દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

હિટ એન્ડ રન કેસમાં જો પીડિતનું મોત થયા છે તો આરોપી વાહન ચાલકને 12,500 અને મોત થવાના કેસમાં રૂ. 25 હજારનો દંડ થાય છે. નવા નિયમ પ્રમાણે આ રકમ ક્રમશ: 25 હજાર અને 2 લાખ રાખવામાં આવી છે. વર્ષ 2018માં હિટ એન્ડ રનના આશરે 55 હજાર કેસ સામે આવ્યા હતા, જેમાં 22 હજારથી વધારે લોકોનાં મોત થયા હતા.

સીટ બેલ્ટ : હાલ રૂ. 100નો દંડ, નવા એક્ટમાં દંડની રકમ રૂ. 1,000 કરવામાં આવી છે.હેલમેટ : હાલ રૂ. 100 દંડ, નવા નિયમ પ્રમાણે રૂ. 1000 દંડ ચુકવવો પડશે.

રેસિંગ : હાલ રૂ. 500 દંડ છે, જ્યારે હવેથી રૂ. પાંચ હજાર દંડ ચુકવવો પડશે.

વીમો : હાલ વીમા વગર વાહન ચલાવવા પર એક હજારનો દંડ થાય છે, નવા નિયમ પ્રમાણે રૂ. બે હજાર દંડ લાગશે.

ઓવર સ્પીડ : હાલ રૂ. 400 દંડ છે, જ્યારે નવા કાયદા પ્રમાણે બેથી ચાર હજાર દંડની જોગવાઈ છે.

ખતરનાક ડ્રાઇવિંગ : હાલ એક હજાર અને નવા એક્ટમાં રૂ. પાંચ હજારના દંડની જોગવાઈ છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ વગર : હાલ રૂ. 500નો દંડ થાય છે, જ્યારે નવા નિયમ પ્રમાણે રૂ. 5 હજારનો દંડ લાગશે.

વાહનની અયોગ્ય બનાવટ : હાલ વાહનની અયોગ્ય બનાવટને કારણે દુર્ઘટના થાય તો કંપની પર દંડની કોઈ જોગવાઈ નથી. પરંતુ નવા એક્ટમાં આની જોગવાઈ કરવામાં આવી છે. જો સુરક્ષા માપદંડ પૂરા નથી થતાં તો ડીલર સામે એક લાખ અને નિર્માતા પર રૂ. 100 કરોડનો દંડ લાગી શકે છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી