પાકિસ્તાની જેલમાં બંધ 540થી વધુ માછીમારોને મુક્ત કરાવવા સાંસદે વડાપ્રધાનને લખ્યો પત્ર

દેશની 1200 કરોડની સંપત્તિ પાકિસ્તાનના કબજામાં : રામભાઈ મોકરીયા

રાજયસભાનાં સાંસદ રામભાઈ મોકરીયાએ પકિસ્તાનની જુદી-જુદી જેલોમાં હાલ કેદ રહેલા ભારતીય માચ્છીમારોને વ્હેલી તકે મુક્ત કરાવવા કાર્યવાહી હાથ ધરવા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી રજુઆત કરી છે. સાંસદે દેશની અંદાજિત 1200 કરોડની સંપત્તિ એવી ફીસિંગ બોટ પાકિસ્તાન કબજામાંથી મુક્ત કરાવવાની માંગ કરી છે. એટલું જ નહીં માછીમારી કરતા 540 જેટલા માછીમારો પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે તેને મુક્ત કરાવવાની માંગ કરી છે. 

મોકરીયાએ રજુઆતમાં જણાવેલ હતું કે, પાકિસ્તાની નેવી દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરી ભારતીય જળ સીમામાંથી માચ્છીમારો અને તેની બોટોનું અપહરણ કરવામાં આવે છે. મચ્છીમાર પ્રતિનિધિ મંડળનાં જણાવ્યા મુજબ પાકિસ્તાનનાં કબ્જામાં હાલ 1130 ફીશીંગ બેટ છે જેમાંથી 900 ફીશીંગ બોટ તો માત્ર પોરબંદર જિલ્લાની છે. એક અનુમાન મુજબ હાલ પાકિસ્તાની જેલમાં 540થી વધુ ભારતીય માચ્છીમારો કેદ છે અને અમાનવીય તથા દર્દનાક અત્યાચાર સહન કરી રહ્યા છે. છેલ્લા એક માસ દરમ્યાન જ પાકિસ્તાને 30 ફીશીંગ બોટ અને 150 માચ્છીમારોનાં અપહરણ કર્યા છે.

વધુમાં તેમણ જણાવેલ હતું કે, એક બોટની કિંમત લગભગ રૂા.50થી60 લાખ હોય છે ત્યારે પાકિસ્તાન દ્વારા મોટી સંખ્યામાં બોટ અને મચ્છીમારોને પકડતા માચ્છીમારો સમુદ્રમાં જતા ડરી રહ્યા છે. ત્યારે, પરિસ્થિતિ નિવારવા માટે ભારત સરકાર વ્હેલી તકે પાકીસ્તાની કબ્જામાં રહેલા માચ્છીમારો અને તેની બોટોને મુક્ત કરાવે તે જરૂરી છે.

 77 ,  1