ધોલેરાના ૧૧ ગામને આપત્તિસમયે રાહત આપતું બહુહેતુક ચક્રવાત કેન્દ્ર..

રાહતળાવ ખાતે ૨૦૧૭ માં નવનિર્માણ થયું.

કુદરતી આફત સમયે ૫૫૦ લોકોને એક સાથે રાખી શકાય તેવી ઉત્તમ સગવડતા

રાજ્ય સરકાર આપે છે ,આપત્તિમાં આશરો

તાઉતે વાવાઝોડા સમયે આશીર્વાદરૂપ સાબિત થયું.

ગુજરાત અને ગુજરાતીઓની આગવી એક વિશેષતા છે. જ્યારે જ્યારે ગુજરાત પર કુદરતી આફતો આવી છે, ત્યારે ગુજરાતની ખમીરવંતી પ્રજા ફિનિક્સ પક્ષીની માફક પીડામાંથી ત્વરિત જ બેઠા થઈને વટભેર ઉભા રહ્યા છે.

કુદરતી હોનારત સમયે જાન-માલ સાથે લોકોને જરાં પણ નુકશાન ન થાય તેનું સતત ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે, અને તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાનાં ધોલેરા તાલુકાના રાહતળાવ ગામના પાદરે બહુહેતુક ચક્રવાત કેન્દ્ર એટલે કે મલ્ટીપર્પઝ સાઈક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ બહુહેતુક ચક્રવાત કેંદ્રમાં ૫૫૦ લોકો એક સાથે રહી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા છે. અહીં આશરો મેળવનાર દરેક લોકોને જમવાની અને પાણીની સગવડતાઓ આપવામાં આવે છે. અહી ૧૧ રૂમમાં પીવાના પાણી માટે આર.ઓ કુલર, શૌચાલય, ફાયર સેફ્ટીના સાધનો, લાઈટ, પંખા અને સામાન મુકવા માટે કબાટની સારી સગવડતાઓ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ,ધોલેરા તાલુકો મૂળ દરિયા કિનારાની ખાડી પ્રદેશમાં આવેલો તાલુકો છે. ધોલેરા ખંભાતના અખાતનું પ્રાચીન બંદર-નગર હતું, જે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરથી ૩૦ કિમી દૂર આવેલું છે. ૧૮ મી સદીમાં દરિયાકાંઠાથી થોડા જ કિલોમીટર અંદર આવેલું ધોલેરા શહેર એક સમયે ધમધમતું બંદર હતું. ધોલેરા બંદરેથી કચ્છ અને ગુજરાતની સામગ્રી નિકાસ થતી હતી. ૧૯મી સદીના અંત સુધીમાં દરિયાંકાંઠે કાંપનો ભરાવો થતો ગયો તેમ તેમ દરિયો દૂર થતો ગયો અને સમય વિતતા ધોલેરા બંદર બંધ થયું. દરિયાઈ ખારું પાણી અને ખારી જમીન સદાયને માટે અહીં છોડતું ગયું. અહીંની જમીન ખારી હોવાથી વૃક્ષોનો વિકાસ કે અન્ય કોઇપણ પ્રકારના છોડ- ઝાડ ઉગી શકતા નથી.

મહત્વનું છે કે ,ચોતરફ ખુલ્લી જગ્યા હોવાથી વાવાઝોડાના સમયે, કે ચોમાસાની ઋતુ દરમિયાન આવતા સુસવાટાભર્યા પવન સામે, પૂર, ભૂકંપ, હાઇટાઇડ, અથવા ગામમાં પાણીનો વધુ ભરાવો થયો હોય તે સમયે ધોલેરા અને આસપાસના દરિયાકાંઠાના ૧૧ ગામના લોકોને તેની ગંભીર અસરથી બચાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ -૨૦૧૭ ના વર્ષમાં રાહતળાવ ખાતે બહુહેતુક ચક્રવાત કેન્દ્રનું નવનિર્માણ થયું. ત્યારે તેનું લોકાર્પણ તત્કાલિન મહેસુલ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.

વધુમાં ,આ ચક્રવાત કેન્દ્રની મુખ્ય વિશેષતા એ છે કે, ધોલેરા તાલુકાના દરિયાકાંઠાના ૧૧ ગામડાઓ છે ત્યાં ચોમાસા દરમિયાન વધુ વરસાદ, વાવાઝોડું અથવા કોઇ માનવસર્જિત આફત આવે ત્યારે પ્રભાવિત થનાર ગામોમાં કાચા, ઝુંપડા, કે ભયગ્રસ્ત મકાનોમાં વસવાટ કરતા પરિવારોને અહીં સલામતી વ્યવસ્થાના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવે છે.

જાણકારી મુજબ ,તાજેતરમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા તાઉતે વાવાઝોડા (૧૭-૧૮ મે-૨૦૨૧) દરમિયાન અહીં રાહતળાવ અને આસપાસના અનેક ગામના લોકો અને શ્રમિકો સાથે ૫૦૦ જેટલા લોકોને અહીં સ્થળાંતરીત કરીને સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. દીવથી શરૂ થયેલ વાવઝોડાની તીવ્ર અસર ધોલેરા અને તેના આસપાસના અનેક ગામમાં વરતાઈ હતી ત્યારે ત્રાટકેલા વરસાદ અને ચક્રવાતી પવનની તીવ્ર ગતિના કારણે અનેક ગામોમાં કાચા અને પતરાવાળા મકાનોમાં માનવ વસવાટ કરી શકાય એવી પરિસ્થિતિ નહોતી તેથી અગમચેતીના ભાગરૂપે તમામ પરિવારોને ચક્રવાતના આગલા દિવસથી જ અહીં સ્થળાંતર કરીને જાનમાલની નુકસાનીમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.અને અહી જમવા સાથેની સારી સગવડતાઓ બે દિવસ સુધી આપવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે ,ગુજરાત ઉપર જ્યારે જ્યારે એવો સમય આવ્યો છે કે ,અનેક લોકોને આશ્રય આપવાનો થાય છે, ત્યારે ગુજરાત સરકારના તમામ વિભાગોએ સાથે મળીને ઉત્તમ કામગીરીનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

 56 ,  1