ભારે રસાકસી બાદ મુંબઇનો 6 રનથી બેંગ્લુરુ સામે વિજય

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની રસાકસી ભરી મેચમાં છ રને વિજય મેળવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. બેંગ્લોરને પ્રથમ મેચમાં ચેન્નઈએ પણ હરાવ્યું હતું.

ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઊતરેલી મુંબઈની ટીમે કેપ્ટન રોહિત શર્માના ૪૮ રન, સૂર્યકુમાર યાદવના ૩૮ રન તેમજ અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયાના ૧૪ બોલમાં અણનમ ૩૨ રનની મદદથી આઠ વિકેટ ગુમાવી ૧૮૭ રન બનાવ્યા હતા. ૧૮૮ રનના ટાર્ગેટ સામે કોહલી અને એબી ડી વિલિયર્સે ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જસપ્રીત બુમરાહની વેધક બોલિંગ બાદ અંતિમ ઓવરમાં મલિંગાની ચતુરાઈભરી બોલિંગ સામે આરસીબીને હારનો સામનો કરવો પડયો હતો.

અંતિમ ઓવરમાં આરસીબીને જીત માટે ૧૭ રનની જરૂર હતી. પ્રથમ બોલે શિવમ દુબેએ છગ્ગો ફટકારી આશા જગાવી હતી પરંતુ મલિંગાએ તે પછી છેલ્લા પાંચ બોલમાં માત્ર ચાર રન આપી મુંબઈને છ રને વિજય અપાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં વિરાટ કોહલીએ ૪૬ રન બનાવવાની સાથે આઈપીએલમાં પાંચ હજાર રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી સુરેશ રૈના બાદ આ સિદ્ધિ મેળવનાર બીજો ખેલાડી બન્યો હતો.

 84 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી