September 28, 2020
September 28, 2020

જામનગર : ચાલુ ST બસમાં ખૂન, ચાકુના ઘા મારી યુવકને ઉતાર્યો મોતને ઘાટ

ચાલુ ST બસમાં છરી વડે એક યુવાનની ઘાતકી હત્યા, અમદાવાદના આરોપીની ધરપકડ

જામનગરમાં ચાલુ બસમાં ખૂની ખેલ ખેલાયો હતો. નજીવી બાબતને લઇ બે મુસાફરો વચ્ચે બબલ થતાં ઉશ્કેરાયેલા મુસાફરે બીજા મુસાફરને તિક્ષ્ણ હથિયારોના ઘા મળી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ચાલુ બસમાં મુસાફરની ઘાતકી હત્યા થતાં બસમાં સવાર અન્ય મુસાફરોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તો બીજી તરફ મુસાફરોએ આરોપીને ઝડપી મેથીપાક ચખાડ્યો છે તાબામાં પોલીસને હવાલે સોંપ્યો હતો.

જામનગરથી જુનાગઢ જઈ રહેલી બસમાં વિજરખી નજીક બસમાં સવાર મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં એક મુસાફરે અન્ય એક મુસાફરને છરીના ઘા ઝીકી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જામનગર બસ સ્ટેશનમાંથી ઉપડેલી જામનગર-જુનાગઢ રૂટની બસ જુનાગઢ રવાના થઇ હતી. જેમાં બેસેલા બે યુવાનો વચ્ચે ચાલુ બસે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. બસ જામનગર નજીક વિજરખી પહોંચી ત્યારે એકાએક બંને સામસામે આવી ગયા હતા. એક યુવાને પોતાની પાસે રહેલા ધારદાર હથિયારથી હિતેશ પંડ્યા (ઉ.વ. 40) નામના યુવાનને ઉપરા ઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને પગલે એસટી ચાલકે બસ થંભાવી દીધી હતી અને અન્ય મુસાફરો તથા એકત્ર થયેલ લોકોએ આરોપીને આંતરી લઇ મેથી પાક આપી બાજુની હોટેલના સિમેન્ટ પોલ સાથે બાંધી દઈ પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ પંચકોશી એ ડિવિઝનના પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર આરોપી મૂળ અમદાવાદ બાપુનગર વિસ્તારનો છે.

પ્રાથમિક તપાસ મુજબ મૃતક કાલાવડના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. બનાવ પાછળનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સામે આવ્યું નથી. હાલના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 217 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર