ઉમરગામમાં યુવતીનું ખૂન, પતિએ રસ્તા વચ્ચે રહેંસી નાંખી

પતિએ જ પત્નીને છરીના ઉપરાછાપરી ઘા મારીને કરી નાંખી હત્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં છેલ્લા 6 વર્ષથી પિયરમાં રહેતી યુવતીની પતિએ સરેઆમ રહેંસી નાખતા ચકચાર મચી ગઇ હતી. પતિના ત્રાસથી કંટાળી યુવતી પિયર ચાલી ગયા બાદ પરત નહીં આવતા બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેને કરુણ અંત આવ્યો હતો. ઘરેથી સંબંધીના ઘરે નીકળેલી પત્નીને રસ્તામાં જ પતિએ છરીના ઘા મારીને રહેંસી નાંખી હતી. પતિએ હુમલો કર્યા પછી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

ફણસા ગામે મીતનાવાડ ફળિયામાં રહેતા દલપતભાઈ વાસુભાઇ મીતનાએ શુક્રવારે મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ બે દીકરી અને એક દીકરાના પિતા છે અને છેલ્લાં 25 વર્ષથી દુબઈ ખાતે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની મોટી દીકરી મમતા ઉં.વ. 30ના લગ્ન ગામમાં જ રહેતા પુનિત ગાંડાભાઇ મીતના (રિક્ષાચાલક) સાથે 14 વર્ષ પહેલાં થયા હતા. એ દરમિયાન પુનિત અવારનવાર મમતા ઉપર વહેમ રાખી ઝઘડો કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી મમતા બે સંતાનો સાથે પિયરે આવી ગઇ હતી. ત્યાર બાદ મમતા ફરી સાસરે નહીં જતાં પતિ પુનિત સાથે અનેક વખત બોલાચાલી થઈ હતી. ગામમાં જ પિયર અને સાસરું હોવાથી બન્ને અવારનવાર સામસામે આવી જતાં હતાં. ત્યારે પતિ પત્નીને પરત સાસરે આવી જવા માટે કહેતાં તે ચોખ્ખી ના પાડી દેતી હતી, જેને લઈ અવારનવાર બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

ગત રોજ ગુરુવારે રાતે મમતા ફણસા બજાર ખાતે રહેતા કાકા ધનસુખ વાસુભાઈ મીતનાના ઘરે જાઉં છું એમ કહી ઘરથી નીકળી હતી. એ દરમિયાન ફણસા માછીવાડ સુથાર ફળિયા રોડ ઉપર રિક્ષામાં આવેલા મમતાના પતિ પુનિત ગાંડાભાઇ મીતનાએ મમતાને અટકાવી સાસરીયે પાછી બોલાવવા રકઝક કરવા લાગ્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાઇને પુનિતે મમતાને ગરદન, માથા અને હાથના ભાગે છરા વડે ઉપરા છાપરી ઘા કરી ફરાર થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં મમતાનાં પરિવારજનો ત્યાં દોડી આવ્યાં હતાં અને તેને વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન મમતાનું મોત થયું હતું. પિતાની ફરિયાદના આધારે નારગોલ મરીન પોલીસે મમતાના હત્યારા પતિ પુનિત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

 91 ,  1