’20 વર્ષ જુનો પ્રેમ પત્ની ભૂલી નથી..’ અઘોરીની વાત સાંભળી પતિએ પૂર્વ પ્રેમીની કરી હત્યા

20 વર્ષ જુનો પ્રેમ હજૂ પણ પત્નીના મનમાં હયાત, હસ્ત રેખા જાણ્યા બાદ ધડ્યો હત્યાનો પ્લાન

પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી લાશ વિરમગામ નજીક કેનાલમાં ફેંકી દીધી, 6 આરોપીઓની ધરપકડ

વિરમગામ નજીક મળેલી હત્યાનો ભેદ આખરે અમદાવાદ ગ્રામ્ય LCBએ ઉકેલી દીધો છે. તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. જેમાં આદાવત રાખી આરોપીઓએ મૂળ ભાવનગરના શખ્સને મોતને ઘાટ ઉતારી વિરમગામ નજીક લાશ ફેકીં ફરાર થઇ ગયા હતા.

અમદાવાદ ગ્રામ્ય LCBએ સુરત અને આણંદના ભેટાસી ગામેથી ભુવા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ભૂવો અને તેના મિત્રો લૉકડાઉન બાદ ઉજ્જૈન ફરવા ગયાં હતાં ત્યાં એક તાંત્રિકને હસ્તરેખા બતાવી હતી અને તાંત્રિકે તેને તારી પત્નીનું લગ્ન પહેલાં કોઈની સાથે અફેર હોવાનું જણાવ્યું હતું. જે બાબતે તેની પત્નીને પૂછતાં તેને ભૂતકાળમાં મરનાર સાથે સંબંધો હોવાનું કબૂલતાં મનમાં હજી પણ બંને વચ્ચે સંબંધો હોવાની શંકા રાખી આખો હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

ભાવનગર જિલ્લાના કરદેજ ગામમાં રાજુ હાડા નામનો યુવક રહેતો હતો. 29 ઓક્ટોબરના રોજ આણંદના ભેટાસી ગામે પોતાની સાસરીમાં આવવા બાઈક લઈને નિકળ્યો હતો. પરંતુ બે દિવસ સુધી પરત ના ફરતાં તેના ગુમ થયા અંગેની ફરિયાદ આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દરમિયાનમાં 6 નવેમ્બરના રોજ વિરમગામ માલવણ રોડ પર કાબરા નાળા પાસે નર્મદા કેનાલના એક નાળામાંથી કહોવાયેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. જે રાજુ હાડાની હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને લઈ અજાણ્યા વ્યક્તિએ લાશને નાળામાં ફેંકી દીધી હોવાની શંકાને લઈ વિરમગામ ગ્રામ્ય પોલીસ અને ગ્રામ્ય LCBએ તપાસ શરૂ કરી હતી.

પોલીસે બનાવના સ્થળની આસપાસના મોબાઈલ લોકેશન અંગે તપાસ કરતાં મીનાના પતિ અને માતાજીનો ભૂવો એવો શેલા ભરવાડનો નંબર વટામણ ચોકડી સુધી જણાયો હતો. તે દિશામાં પોલીસે તપાસ કરી LCBએ શેલા ભરવાડની અટકાયત કરી પૂછપરછ કરતાં પોતાની પત્નીને રાજુ સાથે પ્રેમ સંબંધ હતો જેની શંકા રાખી તેની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.

LCBની તપાસમાં સામે આવ્યું કે આરોપી શેલા ભરવાડ પહેલાં રિક્ષા ચલાવતો હતો અને છેલ્લા 7 વર્ષથી ભુવાજી નું કામ કરે છે. આરોપીની પત્ની અને મરનાર વચ્ચે 20 વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણ હતું અને જે વાતની અદાવત રાખી આરોપીએ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.

ઘટના કંઈ એમ છે કે રાજુ અને શેલાની પત્ની વચ્ચે પહેલા પ્રેમ હતો અને ત્યાર બાદ શેલાની પત્નીએ જ પોતાની સહેલી સાથે રાજુ ના લગ્ન કરાવી દીધા હતા. મૃતકની સાસરી અને આરોપીનું ઘર અંકલાવના ભેટાસી ગામમાં હતું અને ગત 29-10-20 ના રોજ મરનાર પોતાના સસરાની ખબર કાઢવા માટે ગયો હતો, ત્યાર બાદ તે પરત ઘરે આવ્યો  નહોતો.

પોલીસ નું કહેવું છે કે 29 ઑક્ટોબરના રોજ જ્યારે મરનાર ખબર કાઢવા ગયો હતો ત્યારે ઑક્ટોબરના રોજ આરોપી શેલા ભરવાડે રાજુ ઉપર પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વર વડે ફાયરિંગ પણ કરેલ પરંતુ રાજુનો આબાદ બચાવ થયો હતો. ત્યાર બાદ શેલા એ પોતાના સાળા દોલાને નજર રાખવા કહ્યું હતું. 1 નવેમ્બરે રોજ રાજુ ભાઈ પોતાના વતનમાં જવા નીકળ્યા હતા ત્યારે આરોપીઓ તેનો પીછો કરી વટામણ-ધોલેરા રોડ પર સુમસામ જગ્યાએ રાજુ ભાઈને માર મારી બાઈક મૂકી લાશને વિરમગામમાં ફેંકી દીધી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શેલાની પત્નીનું પ્રેમ પ્રકરણ છે તે ઉજ્જૈનના એક અઘોરી એ કહ્યું હતું. ત્યારબાદ રાજુ હાડાને હંમેશા માટે ખતમ કરી દોવાનું વિચારી આ ખૂની ખેલ ખેલ્યો હતો. હાલ આ મામલે પોલીસે સાત આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

શેલા ભરવાડ( ભુવાજી), રહે. લસકાસણા કામરેજ સુરત
ભરત ભરવાડ,રહે. લસકાસણા, કામરેજ સુરત
દોલા ભરવાડ. રહે. ભેટાસી આંકલાવ આણંદ
મહેશ ભરવાડ રહે, નામણ બોરસદ
રમેશ તુસાવડા(મારવાડી) અડાજણ- પાલ ગામ
પ્રતિક શેટ્ટી, રહે. કામરેજ સુરત

 155 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર