હત્યાના 4 આરોપીને નડિયાદ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

 દોઢ વર્ષ અગાઉ મહેમદાવાદના યુવકની પ્રેમ પ્રકરણમાં થઇ હતી હત્યા

ખેડા જિલ્લાની નડિયાદ કોર્ટે હત્યાના 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.આ આરોપીઓએ પ્રેમ પ્રકરણમાં 22 વર્ષીય યુવકની હત્યા કરી હતી. દોઢ વર્ષ પહેલા મહેમદાવાદના યુવકને ગડદાપાટુનો મુઢ માર મારી દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હતી. નડિયાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એલ.એસ.પીરઝાદાએ હત્યાના ચારેય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.

મહેમદાવાદ તાલુકાના સિંહુજ ખાતેના ખોડીયારપુરા વિસ્તારમાં રહેતા અમર ઉર્ફે અમરાભાઈ ધુળાભાઈ ખાંટની પુત્રી ઇલાબેન સાથે જશુભાઈ રતાભાઈ રાઠોડને પ્રેમ સંબંધ હતો, જેથી તેવો અવાર નવાર મોબાઈલ પર વાતો કરતા હતા. આની જાણ ઇલાબેનના ઘરના સભ્યોને થઈ હતી, જેથી તેમણે તેમની દીકરીને આમ ન કરવા જણાવવા છતાં પણ અવાર નવાર મોબાઈલ ફોન ઉપર બેઉ વાતો કરતા હોવાથી યુવતી પક્ષના લોકો ગુસ્સામાં હતા.

આ પ્રેમ સબંધની અદાવત રાખી સિહુંજ ખાતેના ખોડીયારપુરા વિસ્તારમાં ધનજીભાઈ કલાભાઈ રાઠોડ તથા જશુભાઈ રતાભાઈ રાઠોડ લાકડા કાપવાની મજુરીએ જતા હતા. તે વખતે અમર ઉર્ફે અમરા ધુળાભાઈ ખાંટ, મહેશ નાગજીભાઈ ખાંટ, અર્જુન ઉર્ફે ગલો રણછોડભાઈ ખાંટ અને નાગજી સોમાભાઈ ખાંટે જશુભાઈને ગમે તેમ ગાળો બોલી માર મારવા તેમની પાછળ પડતા જશુભાઈ જીવ બચાવવા માટે નજીકમાં આવેલા લાલાભાઈ ભલાભાઈ રાઠોડના ઘરમાં ઘૂસી ગયા હતા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તેમ છતાં આરોપીઓએ પ્લાયવુડના દરવાજાને બળપૂર્વક ખોલી નાખી ઘરમાં ઘૂસી જઈ જશુભાઈની ગડદાપાટુનો મુઢ માર મારી દુપટ્ટાથી ગળું દબાવી મોત નીપજાવી હત્યા કરી હતી.

આ અંગે પોલીસે ધનજીભાઈ કલાભાઈ રાઠોડની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેના પછી આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ વિરુધ્ધ પુરતાં પુરાવા મળતાં સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ નડિયાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એલ.એસ.પીરઝાદાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પી.આર.તિવારીએ આશરે 16 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા 11 સાહેદોની જુબાની લીધી હતી. આ તમામ બાબતો ન્યાયાધીશે નજરમાં રાખી આરોપી અમર ઉર્ફે અમરા ધુળાભાઈ ખાંટ, મહેશ નાગજીભાઈ ખાંટ, અર્જુન ઉર્ફે ગલો રણછોડભાઈ ખાંટ અને નાગજી સોમાભાઈ ખાંટને આજીવન કેદ અને દંડ પણ ફટકાર્યો છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી