રાજકોટ : આંગડિયા પેઢીને નિશાન બનાવીને લૂંટ ચલાવતી નાયડુ ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ચારની ધરપકડ

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતા

 રાજ્યમાં 11 ચોરીને અંજામ આપ્યો, 3 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ જિલ્લા પોલીસે આંતરરાજ્ય નાયડુ ગેંગને પકડી પાડી છે. આ ગેંગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લામાં બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરી કરી નાસી જતી હતી. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા લાખો રૂપિયા રકમની ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા 11 ચોરીમાં 45 લાખની તફડંચી કર્યાનું ખૂલ્યું છે. પોલીસે ગેંગના સગીર વયના આરોપી સહિત ચારની ધરપકડ કરી છે.

ઝડપાયેલા ચાર આરોપીમાં લાલુ ઉર્ફે સુનિલ ઐયર, હરીશ ઉર્ફે અરીશ નાયડુ, ગોપી લક્ષ્મણા નાયડુ અને એક સગીર વયના આરોપીનો સમાવેશ થાય છે. આ શખ્સોએ તેમના એક સગીર સાગરીત સાથે મળી વર્ષ 2020ના અંતમાં શાપર વેરાવળ વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો અને ફરી એક વખત રાજકોટ વિસ્તારમાં ચોરી કરવા આવતા હોવાની હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી આ નાયડુ ગેંગના સગીર સહિત 4 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી પલ્સર મોટર સાઇકલ, અને રોકડ રકમ સહિત કુલ 3 લાખ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસના કહેવા પ્રમાણે, આ શખ્સો નાયડુ ગેંગના નામે ઓળખાય છે અને તેઓ બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ કોઇ પણ જિલ્લામાં પ્રવેશ કરી બાદમાં મકાન ભાડે રાખતા હતા. જેના બાદ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ રજૂ કરી OLX એપ્લિકેશન પરથી મોટરસાયકલની ખરીદી કરતા હતા. આટલુ કર્યા બાદ તેઓ જ્યાં ચોરી કરવાની છે તે વિસ્તારની રેકી કરતા હતા. બાદમાં ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આ ટોળકીએ ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં અલગ અલગ 11 ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

 24 ,  1