સૌથી વધુ કમાણી કરનાર વિશ્વના પાંચ એક્ટર્સમાં અક્ષય કુમારનું નામ,‘ધ રોક’ ટોચ પર

‘ધ રોક’ના નામથી લોકપ્રિય રેસલરમાંથી એક્ટર બનેલાં ડ્વેન જ્હોનસન વિશ્વનો હાઇએસ્ટ પેડ એક્ટર બન્યો છે. ફોર્બ્સ 2019 પ્રમાણે, ગયા વર્ષે નંબર બે પર રહેલો ડ્વેન આ વર્ષે નંબર વન પર આવ્યો છે. ગયા વર્ષે હાઇએસ્ટ પેડ એક્ટર તરીકે જ્યોર્જ ક્લૂની નંબર વન પર હતો. તો બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ લિસ્ટમાં ચોથા નંબરે છે.

હાલમાં જ ફોર્બ્સ મેગેઝીનના વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર ટોપ 10 એક્ટર્સનું લિસ્ટ બહાર પાડ્યું હતું. આ લિસ્ટમાં ડ્વેન હાઇએસ્ટ પેડ એક્ટરના લિસ્ટમાં ટોચ પર છે. ‘જુમાનજી’ તથા ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ જેવી એક્શન ફિલ્મ્સમાં કામ કર્યાં બાદ ડ્વેન ચાહકોમાં ઘણો જ લોકપ્રિય બન્યો છે. આ યાદી જૂન 2018થી જૂન 2019 સુધીની સેલેબ્સની કમાણીને આધારે તૈયાર કરવામાં આવી છે. ડ્વેને ગયા વર્ષે અંદાજે 640 કરોડની કમાણી કરી છે. આ કમાણીમાં ડ્વેનની ફિલ્મ્સની ફી, નફાનો હિસ્સો પણ સામેલ છે. આ ઉપરાંત HBO પર આવતી સીરિઝ ‘બોલર્સ’ના પ્રતિ એપિસોડ સાત લાખ ડોલર (અંદાજે પાંચ કરોડ રૂ.) તથા અન્ડર આર્મર સાથે તેના કપડાં, જૂતા તથા હેડફોનની રોયલ્ટીનો પણ સમાવેશ થાય છે.

અક્ષય કુમાર આ યાદીમાં ચોથા સ્થાને છે. તેની કુલ કમાણી 65 મિલિયન ડોલર (અંદાજે 465 કરોડ) છે. અક્ષયે જેકી ચેન, બ્રેડલી કૂપર જેવા હિરોને કમાણીના મામલે પાછળ રાખી દીધા છે. આ લિસ્ટમાં બોલિવૂડમાંથી એક માત્ર અક્ષય કુમાર જ છે. અક્ષય કુમાર બેક ટૂ બેક હિટ ફિલ્મ્સ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ યાદીમાં સલમાન ખાન તથા અક્ષય કુમાર એમ બે નામ હતાં. જોકે, આ વર્ષે માત્ર અક્ષય કુમાર જ લિસ્ટમાં સામેલ છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી