September 19, 2020
September 19, 2020

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે નર્મદા ડેમ છલોછલ ભરી ગુજરાતની અનોખી ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની જળસપાટી સૌથી વધુ 138.68 મીટર પર છલોછલ ભરીને ગુજરાતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ નર્મદા ડેમમાં પાણીના ઇ વધામણા કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યુ હતુ કે સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ છલોછલ થયો છે. ત્યારે ગુજરાત માટે આ યાદગાર ક્ષણ છે. અને જેના કારણે ગુજરાતના વિકાસને ગતિ મળશે. ખાસ કરીને આ પાણી આવનારા બે વર્ષ સુધી કચ્છથી માંડીને ગુજરાતના છેવાડાના ગામો સુધી મળશે. જળ વિના જીવન જ નહી પણ જળ વિના વિકાસ જ ન હોય ત્યારે ગુજરાત વિકાસના ગાડી પુરઝડપે દોડશે. આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તો નર્મદા ખાતે મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના ચેરમેન ડો. રાજીવ ગુપ્તા આ પ્રસંગે હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, તા. ૧૭મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસના આ સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમમાં વધુમાં વધુ પાણી આવતું હોય છે. સરદાર વલ્લભભાઇ પટેલનું જે સ્વપ્ન હતું કે, નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ, પીવાના પાણી, પશુ-પંખી માટે પાણી ઉપલબ્ધ થાય. નર્મદા નદી ઉપર ઝડપથી ડેમ બનવો જોઇએ પરંતુ કમનસીબે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને તેમને આ બિડું ઝડપ્યુ, જરૂર પડી તો ઉપવાસ આંદોલન, સંઘર્ષ કરીને સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ કરાવ્યું.

તેમણે કહ્યું હતું કે, સાત વર્ષ સુધી UPAની સરકારે ડેમના દરવાજા પણ લગાવવાની મંજૂરી આપી ન હતી પણ નરેન્દ્રભાઇ મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં ડેમના દરવાજા લગાવવાની અને બંધ કરવાની મંજૂરી તેમજ ગયા વર્ષે ડેમને સંપૂર્ણ ભરવાની મંજૂરી પણ આપી. નર્મદા ડેમનું સંપૂર્ણ કામ આપણે પુરૂ કર્યુ. તેના ફળ સ્વરૂપે કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં છેવાડાના ગામ સુધી, ૭૦૦ કિ.મી. સુધી આ નર્મદાના પાણીને પહોંચાડીને ગુજરાતની જનતાને આપણે સિંચાઇ, ખેતી અને પીવાના પાણી આપી શક્યા છીએ. મા નર્મદે સર્વદે ખરા અર્થમાં સાબિત થઈને ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી કહ્યું હતું કે, આજે પુન: સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ ભરાયો છે અને આજે મા નર્મદા પવિત્ર નીરના ઇ-વધામણાં કર્યા છે. આવનાર બે વર્ષ સુધી મા નર્મદાનું પાણી ગુજરાતના વિકાસને હરણફાળ ગતીથી આગળ વધારીને વિકાસની નવી દિશા કંડારશે. જળ વિના જીવન નહી અને પાણી વિના વિકાસ નહી. ગુજરાતના વિકાસ માટે આ જીવાદોરી સાબિત થશે. આવનારા દિવસોમાં સરદાર સરોવર આપણા વિકાસની નવી તાકાત બનશે અને મા નર્મદાના આર્શીવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને મુખ્યમંત્રીશ્રીએ ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્ય મંત્રી યોગેશભાઇ પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહીને શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને સંપૂર્ણ મંત્રોચ્ચાર વિધિ સાથે મા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.

રાજીવ ગુપ્તાએ આ પ્રસંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ખેડૂતોને સિંચાઇ અને જનતાને પીવાનું પાણી મળી રહે તે માટે વિશેષ ચિંતા કરી છે. મુખ્યમંત્રીશ્રીના સતત માર્ગદર્શનથી આ વર્ષે સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો અડધો હોવા છતાં આપણે આ ડેમ સંપૂર્ણ ભરી શક્યા છીએ.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર