નાથની નેત્રોત્સવ વિધિ: જાણો, કેમ ભગવાનની આંખે બાંધવામાં આવે છે પાટા?

ભાજપના દિગ્ગજ નેતાઓ મંદિરમાં નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 144મી રથયાત્રા સોમવારે પરંપરાગત રીતે કર્ફ્યૂ વચ્ચે નીકળશે. ત્યારે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર આવી ગયા છે. આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી હતી. જેમાં ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમાનોએ ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરી હતી. આ પ્રસંગે ગૃહારાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ ધજારોહણની વિધિ કરવામાં આવી હતી.

નેત્રોત્સવની પૂજાવિધિ સવારથી શરૂ થઈ છે. આ વિધિમાં યજમાનો ઉપરાંત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે આ પૂજામાં ભાગ લીધો છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા છે.

રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે.

ડ્રોન દ્વારા ચાંપતી નજર

નેત્રોત્સવ વિધિને પગલે જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે પોલીસનો કાફલો ઉતારવામાં આવ્યો છે. સાથે જ ડ્રોન કેમેરા દ્વારા પણ મંદિરમાં આવી રહેલા તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે મંદિર પરિસરમાં ડ્રોન દ્રારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે

 57 ,  1