એ હાલો આવી નવલી નવરાત્રી… હું તો ગઇ’ તી મેળે..ઢોલીડા ઢોલ ધીમો વગાડ માં..

આ વખતે તિથિ અનુસાર એક ગરબો ઓછો..બોલ માડી અંબે

માની ભક્તિ અને આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રિ. 7 ઓક્ટોબર, ગુરુવારથી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે અને તેને આડે માત્ર એક જ દિવસની વાર હોવાથી ખેલૈયાઓ પણ ઉમંગમાં છે. ગુજરાતભરમાં આવેલા માતાજીના મંદિરોમાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ વખતે ચોથનો ક્ષય હોવાથી નવરાત્રિમા એક દિવસ ઓછો હશે, એટલે કે નવ નહીં આઠ દિવસ ગરબા રમાશે.

નવરાત્રિના શુભ મુહૂર્તની વાત કરીએ તો, પ્રથમ દિવસે જ ઘટસ્થાપન, અખંડ જ્યોત અને જ્વારારોપણ સવારે 6.30થી 8.10 વાગ્યા સુધી છે. અભિજીત મુહૂર્ત સવારે 11.45થી 12.03 વાગ્યા સુધી છે. નવરાત્રિના આઠમનું ખૂબ મહત્વ હોય છે, જે 13મી ઓક્ટોબરે છે અને ત્યારે ઉપવાસ તેમજ હવાનાષ્ટમી, હવન પૂજા કરી શકાશે. આસો માસના પ્રારંભ સાથે નવ દિવસની નવરાત્રિ હોય છે, પરંતુ આ વર્ષે ચોથનો ક્ષય હોવાથી 12 ઓક્ટોબરે મંગળવારે આખો દિવસ સાતમ છે અને રાતે 9.49 વાગ્યે તે પૂરી થવાની સાથે આઠમની શરૂઆત થશે. બુધવારે 13 ઓક્ટોબરે રાતે 8.08 વાગ્યા સુધી આઠમ છે અને 15 ઓક્ટોબરે દશેરા ઉજવાશે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. તેથી, વર્ષો બાદ શેરી ગરબાની ચમક જોવા મળશે. આ વખતે નવરાત્રિમાં 7 દિવસ વિશેષ યોગ સર્જાવાનો છે. જેમાં રાજયોગ, પુષ્કરયોગ, રવિયોગ, સિદ્ધિયોગ, અમૃતયોગનો સમાવેશ થાય છે. 7 ઓક્ટોબરે ચિત્રા નક્ષત્ર, વૈદ્યુતિ યોગ, બાલવ કરણ અને ચંદ્રની કન્યા રાશિમાં નવરાત્રિ પર્વની શરૂઆત થશે.

શાસ્ત્રો મુજબ નવરાત્રિની શરૂઆત જે વારથી થાય તે વાર મુજબ દેવી જગદંબા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક આવે છે. જો નવરાત્રિની શરૂઆત સોમવાર કે રવિવારથી થાય તો માતા દુર્ગા હાથી ઉપર સવાર થઈને પૃથ્વી લોક આવે છે. જો મંગળવાર કે શનિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી હોય તો માતા ઘોડા ઉપર સવાર થઈને આવે છે. જો નવરાત્રિની શરૂઆત બુધવારથી થઈ રહી હોય તો દેવી મા હોડીમાં આવે છે. જો ગુરુવાર અને શુક્રવારથી શરૂ થઈ રહી હોય તો માતા ડોલીમાં બેસીને આવે છે. આ વખતે નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી છે એટલે દેવી દુર્ગા ડોલીમાં સવાર થઈને આવશે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી