રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી શકે છે રાત્રિ કર્ફયુ…!

સુરત-વડોદરા-રાજકોટમાં કેસો વધતા સત્તાવાળાઓનો ઇશારો...

દિવાળીના તહેવારો ગુજરાતને ભારે પડી રહ્યાં છે. તહેવારોમાં ખરીદી માટે ઉમટેલી ભીડ બાદ હવે ફરીથી કોરોનાએ માથુ ઉંચકતા સમગ્ર તંત્ર સજાગ બન્યુ અને સૌથી પહેલા અમદાવાદ શહેરમાં 60 કલાકનો સળંગ કર્ફયુ જાહેર કરીને સામાન્ય લોકોને ફરીએકવાર લોકડાઉનની યાદ અપાવીને ચિંતિત કર્યા છે. અમદાવાદને 60 કલાકનો ભારે કર્ફયુરૂપી ડોઝ આપ્યા બાદ હવે બીજા શહેરોમાં પણ રાત્રિ કર્ફયુ ટકોરા મારી રહ્યું છે.

સૂત્રોની માનીએ તો આજે ટીવીના માધ્યમથી રાજકોટ, સુરત, વડોદરાના સત્તાવાળાઓએ કેસો વધ્યા હોવાનું કહીને જરૂર પડે તો રાત્રિ કર્ફયુ લગાવવાનો ઇશારો કર્યો છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આખા ગુજરાતમાં લોકડાઉન લાદવાની વાતને અફવા ગણાવી છે અને કહ્યું છે કે સંપૂર્ણ લોકડાઉન નહીં આવે. જે પગલા લેવાયા છે તે કેસો વધતાં તકેદારીના પગલારૂપે જ લેવાયા છે.

અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત વગેરે.માં પણ આજ રાતથી કર્ફયુ આવે તો નવાઇ નહીં. કેમ કે તહેવારોમાં આ શહેરોમાં પણ લોકોની ભીડ ખરીદારી માટે ઉમટી હતી અને તેના પગલે કેસો વધ્યા છે. સત્તાવાળાઓ લાંબા લોકડાઉનથી દાઝ્યા હોવાથી હવે છાશ ફૂંકી ફૂંકીને પી રહ્યાં હોય તેમ લોકડાઉન શબ્દને બદલે કર્ફયુ શબ્દનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ જાણકારોના મતે લોકડાઉનમાં જેમ દવા-દૂધ સિવાય બધુ બંધ રાખવામાં આવ્યું તેમ 60 કલાકના કર્ફયુમાં પણ દૂધ અને દવાની દુકાને ચાલુ રાખવાની મંજૂરી આપવામાંઆવી છે અને લોકડાઉનની જેમ બધુ બંધ રાખીને કોરોનાને કાબુમાં રાખવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

માસ્ક વગરનાનું કોરોના ટેસ્ટ કરીને નેગેટીવ આવે તો દંડ ફટકારવું અને પોઝીટીવ નિકળે તો હોસ્પિટલમાં દાખલ કરવાનું પગલું નવુ છે અને પહેલીવાર એવું થઇ રહ્યું છે. એક રીતે આ કડક પગલા દ્વારા લોકોને માસ્ક પહેરતા કરવાનો પ્રયાસ છે અને તે જરૂરી પણ હોવાનું સૂત્રોએ કહ્યું હતું. સરકાર એક સાથે લોકડાઉનનો ડોઝ આપવાને બદલે ધીમે ધીમે પગલા ભરી રહી છે જે એક રીતે લોકડાઉનની સમકક્ષ જ કહી શકાય. પરંતુ લોકોમાં ઉહાપોહ ના થાય તેથી ધીમી ગતિએ પગલા ભરી રહી હોવાની લાગણી પણ જણાઇ રહી છે.

 72 ,  1