નિકિતા હત્યાકાંડ મામલો – કોર્ટે હત્યારાઓને ફટકારી આજીવન કેદ

કોલેજની બહાર નિકિતાને ધર્મ પરિવર્તન કરવાનું કહી ગોળી મારી હતી

નિકિતા તોમર હત્યા કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે મુખ્ય આરોપી તૌસીફ અને તેના મિત્ર રેહાનને દોષિ ગણાવતા બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ત્રીજા આરોપી અઝરૂદ્દીનને છોડી દેવામાં આવ્યો છે.

5 મહિના પહેલા આ સમયે થઈ હતી હત્યા

તમને જણાવી દઇએ કે, આજથી 5 મહિના પહેલા 26 ઓક્ટોબર 2020 ની બપોરે 3.45 કલાકે ફરિદાબાદના વલ્લભગઢમાં કોલેજથી પરત ફરી રહેલી નિકિતા તોમરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હવે 5 મહિના બાદ તે સમયે તેના હત્યારાઓને સજા ફટકારવામાં આવી છે.

પીડિત પરિવારે કહ્યું, દોષિતોને ફાંસી થવી જોઈએ

નિકિતાના પિતા મૂલચંદ તોમરે અને મામા એદલ સિંહ રાવત કોર્ટના ચુકાદા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દોષીતોને ફાંસીની સજા થવી જોઈએ. જોકે કોર્ટનો જે પણ ફેંસલો આવ્યો છે તે બરાબર છે. તેમણે કહ્યું કે ફાંસીના મુદ્દે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું. 

શું છે સમગ્ર કેસ

ફરિદાબાદના વલ્લભગઢમાં ગત વર્ષ 26 ઓક્ટોબરના નિકિતા તોમરની હત્યા થઈ હતી. નિકિતા તોમરની હત્યાની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. 27 ઓક્ટોબરના પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી તૌસીફ અને તેના મિત્ર રેહાનની ધરપકડ કરી હતી. ત્યારબાદ તૌસીફના વધુ એક મિત્ર અઝરૂદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. અઝરૂદ્દીન પર દેશી કટ્ટો લાવી આપવાનો ગુનો હતો.

ઝડપી તપાસ કરી પોલીસે 11 દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરી હતી. પોલીસે ચાર્જશીટમાં 64 લોકોના નિવેદન લીધા હતા. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવાના કારણે લગભઘ દરરોજ આ મામલે સુનાવણી થતી હતી. ફેબ્રુઆરી મહિનામાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી. સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં પોલીસે 10 અન્ય લોકોના નિવેદન લીધા હતા.

ટ્રાયલ દરમિયાન પીડિત પક્ષ તરફથી 55 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા. બચાવ પક્ષે પણ 2 સાક્ષી કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તૌસીફ અને તેના મિત્ર રેહાનને હત્યાના દોષિ ગણાવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે તેના મિત્ર અઝરૂદ્દીનને મુક્ત કરવામાં આવ્યો છે.

 21 ,  1