રાજભવનમાં જશ્નના માહોલ વચ્ચે નીતિન પટેલ ખામોશ!

 શપથ પહેલાં કમલમમાં ઉજવણીની તૈયારીઓ, નીતિન પટેલ એકદમ ચૂપ 

ગુજરાતના નવા મંત્રીમંડળનો આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. શપથવિધિ પહેલાં જ આજે કમલમ્ ખાતેથી મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. હાલમાં કમલમ્ ખાતે રાજભવનમાં શપથ સમારોહમાં જવા માટેના પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવા મંત્રીઓનું મોઢું મીઠું કરાવવા કમલમ્ ખાતે મીઠાઈઓ પહોંચી ગઈ છે.

ગુજરાતમાં ભાજપમાં નવી સરકારની રચનાના મુદ્દે ભડકા જેવી સ્થિતિ ઊભી થઈ છે, એ સંજોગોમાં પૂર્વ મંત્રીઓની નારાજગીની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કાલે આખો દિવસ નારાજ નીતિન પટેલ ઘરમાં જ બેસી રહ્યા હતા, અને કોઈ વિવાદ કે નારાજગીની રજૂઆત કરવા જાહેરમાં ના આવતાં ભાજપના નેતાઓમાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના રાજીનામા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવે એવી અટકળો ચાલી રહી હતી, એ જ સમયે નીતિન પટેલના બદલે અન્ય પાટીદાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવતાં નીતિન પટેલ નારાજગી સાથે ધૂંવાંપૂંવાં થઈ ગયા હતા, પરંતુ નારાજગી જાહેરમાં વ્યક્ત કરવાને બદલે પક્ષના મોવડીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. હાઇકમાન્ડનો નિર્ણય હોવાનું જાણ્યા પછી નીતિન પટેલ એકદમ ચૂપ થઈ ગયા હતા.

‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે: શંકરસિંહ વાઘેલા

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારના કૌરવો સાથે લડવું જ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ માત્ર સ્વાભિમાનની રક્ષા માટે નથી, પરંતુ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી