‘સુશાસનબાબુ’ ગુડબુકમાંથી હૌલે.. હૌલે.. સરકી રહ્યા છે ?

નીતિશ કુમારની માંગણીઓ સંતોષવા ધરાર ઇન્કાર

શું બિહારના સુશાસન બાબુ નીતિશ કુમાર ભાજપના ગુડબુકમાંથી ધીમે ધીમે સરકી રહ્યા છે ? શું બિહારમાં રાજકીય ભંગાણની શક્યતા જોવામાં આવી રહી છે ? આ સવાલો એટલા માટે ચર્ચાઇ રહ્યા છે કેમ કે નીતિશ કુમારની માંગણીઓને ફગાવી દેવામાં આવી છે. અને તેનાથી સુશાસન બાબુ નારાજ જણાય છે.

દેશમાં જાતિ આધારિત વસતી ગણતરીનો સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ ઈનકાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ઈચ્છા માની નથી. જોકે, મોદીએ નીતિશ કુમારની માગણી ફગાવી દીધી હોય તેવું પહેલી વખત નથી બન્યું. અગાઉ પટના યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે નીતિશ કુમારે જાહેર મંચ પર મોદીને હાથ જોડીને વિનંતી કરી હતી. પરંતુ મોદીએ તેમની આ માગણી પણ ફગાવી દીધી હતી. જાતિ આધારિત વસતી ગણતરી માટે તો નીતિશ ૧૦ સભ્યોની ટીમ લઈને દિલ્હી પહોંચ્યા હતા. જોકે, કેન્દ્રના ઈનકાર પછી બિહારમાં ફરી એક વખત નીતિશ અને લાલુ નજીક આવે તેવી શક્યતા છે.

દેશમાં આગામી વર્ષે વસતી ગણતરી થવાની છે ત્યારે જાતિ આધારિત વસતી ગણતરીનું અભિયાન ચલાવનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોદી સરકારે વધુ એક ફટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કરી દીધું છે કે હાલ જાતિ આધારિત વસતી ગણતરી શક્ય નથી. આ એક નીતિગત નિર્ણય છે. આ અંગે કોઈ નિર્દેશ આપવામાં ન આવે. જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે મુખ્યમંત્રી નીતિશ કુમાર ૧૦ પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા હતા અને તેના લાભ ગણાવ્યા હતા. તેમ છતાં કેન્દ્ર સરકારે નીતિશ કુમારની આ માગણી ફગાવી દીધી છે.

અગાઉ ૧૪મી ઑક્ટોબર ૨૦૧૭ના રોજ પટના યુનિવર્સિટીના શતાબ્દિ દિવસ સમારંભમાં ભાગ લેવા માટે પીએમ મોદી પટના પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમને આવકારતા કહ્યું કે પીએમ મોદી દેશના પહેલા વડાપ્રધાન છે, જે પટના યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે મંચ પરથી જ હાથ જોડીને વડાપ્રધાન મોદીને પટના યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવાની જાહેરાત કરવા માગણી કરી હતી. 

નીતિશની આ માગણી અંગે સ્પષ્ટ કશું કહ્યા વિના પીએમ મોદીએ અન્ય કેટલીક જાહેરાતો કરી દીધી હતી. ચાર વર્ષ પછી પણ પટના યુનિવર્સિટી ન તો સેન્ટ્રલ યુનિવર્સિટી બની શકી કે ટોચની ૨૦ યુનિવર્સિટીઓમાં પણ તેનો સમાવેશ નથી થઈ શક્યો. પીએમ મોદીએ પટના યુનિવર્સિટીના ઈતિહાસ ભરપૂર પ્રશંસા કરી હતી, પરંતુ નીતિશ કુમારે હાથ જોડીને જે માગણી કરી હતી તે પૂરી કરી નહોતી.

હકીકતમાં નીતિશ કુમાર અને મોદીની અદાવત ઘણી જૂની છે. ૨૦૧૩માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને ભાજપના વડાપ્રધાનપદના દાવેદાર જાહેર કરવામાં આવતાં નીતિશ કુમાર નારાજ થયા હતા. ૧૭ વર્ષથી ભાજપની સાથે રહેલા નીતિશ કુમારે ૧૭ જૂન ૨૦૧૩ના રોજ નરેન્દ્ર મોદીના નામ પર જ ગઠબંધન તોડી નાંખ્યું હતું. ત્યારે તેઓ બિહારના મુખ્યમંત્રી હતા. ઉપરાંત સીએમ આવાસ પર આયોજિત ભોજન સમારંભ પણ નીતિશ કુમારે મોદીના નામે જ રદ કરી દીધો હતો. નીતિશે ભાજપ સાથે છેડો ફાડયા પછી ખુરશી બચાવવા લાલુ યાદવ સાથે હાથ મીલાવ્યો હતો. બંને પક્ષોને સફળતા મળી અને ૧૫ વર્ષ પછી લાલુ યાદવનો પક્ષ સત્તા પર પાછો ફર્યો હતો. જોકે, ૨૦૧૭માં લાલુના પરિવાર સાથે ખટરાગ થતાં નીતિશે જેડીયુ સાથે છેડો ફાડયો હતો અને ફરી ભાજપ સાથે જોડાણ કર્યું હતું. જોકે, હવે જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કેન્દ્રના ધરાર ઈનકારથી નીતિશ અને લાલુ પ્રસાદ યાદવ ફરી નજીક આવે તેવી સંભાવના છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી