કોઈપણ ડોક્ટરનું રાજીનામુ મંજૂર નહિ કરવામાં આવે – નાયબ મુખ્યમંત્રી

રાજ્યમાં સંક્રમણ વધ્યું સાવચેત રહો, જાહેર જનતાને માસ્ક પહેરવા અપીલ – નીતિન પટેલ

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના સંક્રમણને લઈ નાઈટ કર્ફ્યુની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે.  ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે.  રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં. જોકે નેતાઓએ ચૂંટણી પ્રચારના નામે જે નિયમોનો દાટ વાળ્યો ને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વકર્યું અને દરરોજના કેસ 2 હજારને પાર પહોંચી ગયા છે. 

ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તે જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને સાવચેત રહેવા સૂચના આપી દીધી છે. ત્યારે ગુજરાતમા રાત્રિ કરફ્યૂની મુદત 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ આ વિશે કહ્યું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. રાત્રિના 9થી સવારના 6 સુધી ગુજરાતના 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. તેમજ કોવિડની ગાઈડલાઈનનો અમલ 30 એપ્રિલ સુધી કરવાનો રહેશે.

રોજગારી ધંધા ચાલુ રહે તે જરૂરી છે 

નીતિન પટેલે કહ્યું કે, સમગ્ર દેશમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને કરફ્યૂની મુદત વધારવામાં આવી છે. રોજગારી ધંધા ચાલુ રહે તે પણ ધ્યાન રાખી રહ્યા છે. જાહેર જમાવડા ન થાય તે માટે ગુજરાતના અલગ અલગ શહેરોના કમિશ્નરો પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આવામાં જાહેર જનતાને માસ્ક પહેરવા અપીલ કરું છું. વિધાનસભા સચિવાલયમાં હજારો નાગરિકો કામ કરવામાં માટે આવતા હોય છે. ગઈ કાલે જે ટેસ્ટ કર્યા છે તેમાં ઘણા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અહીં કામ વગર કોઈ નાગરિક ન આવે તેવી અપીલ કરું છું. 

નિવૃત્તિ માંગનાર તબીબોની અરજી નકારી 

સાથે કોરોનાના સમયગાળા દરમિયાન કોઈપણ ડોક્ટરનું રાજીનામુ મંજૂર નહિ કરવામાં આવે તેવી રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત છેલ્લા બે-ત્રણ મહિનામાં નિવૃત્તિને આરે આવીને ઉભેલા ડૉક્ટરોએ નિવૃત્તિ બાદ ખાનગી પ્રેક્ટિસ કરી શકે એ માટે રાજીનામા આપ્યા છે, પણ આવા એક પણ ડૉક્ટરનું રાજીનામું હાલના તબક્કે મંજૂર નહીં કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું. સાથે જ કહ્યું કે, જે ડોક્ટરો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં છે તેઓના રાજીનામા ખાસ કિસ્સામાં જ મંજૂર કરાશે. છેલ્લા કેટલાક સમયથી નિવૃત્તિ નજીકના ડોકટરોએ નિવૃત્તિ માટે અરજી કરી છે. પરંતુ પસ્થિતિને ધ્યામાં રાખી કોઈ ડોક્ટરના રાજીનામા મંજુર કરવામાં આવ્યા નથી. જે તબીબો ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે, તે જ તબીબોના રાજીનામાં મંજુર કરવામાં આવશે.

 91 ,  1