MGNREGA યોજનાની તિજોરીમાં નથી બચ્યા પૈસા…

21 રાજ્યો લાલ સૂચીમાં, શ્રમિકો માટે દિવાળી રહેશે નિરસ

દેશના ગરીબો અને ગામડાઓમાં રોજગાર માટે લાઈફ લાઈન માનવામાં આવતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના (MGNREGA)માં કાર્યરત શ્રમિકોની દિવાળી આ વખતે ફીકી રહી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે દેશમાં મનરેગા યોજનાની તિજોરીમાં હવે પૈસા બચ્યા નથી જેના પગલે 21 રાજ્યોમાં કામ કરતા શ્રમિકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, કેન્દ્રની આ યોજના નાણાકીય વર્ષના અડધા રસ્તે ખતમ થઈ ગઈ છે. જેથી હવે કામદારોને ઓછામાં ઓછા એક મહિના સુધી સંકટનો સામનો કરવો પડશે. કારણ કે આગામી સંસદીય સત્રમાં પૂરક બજેટની ફાળવણી કરવામાં આવશે.

મનરેગા યોજનાનું 2021-22નું બજેટ

તમને જણાવી દઈએ કે, 2021-22 માટે મનરેગા યોજના માટે માત્ર 73 હજાર કરોડ રૂપિયા જ નક્કી કરવામાં આવ્યા હતા. કેન્દ્રએ દલીલ કરી હતી કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સમાપ્ત થઈ ગયું છે અને જો નાણાં સમાપ્ત થઈ જશે તો પૂરક બજેટ ફાળવણી ઉપલબ્ધ થશે.

29 ઑક્ટોબર સુધીમાં બાકી ચૂકવણી સહિતનો કુલ ખર્ચ પહેલેથી જ 79,810 કરોડ સુધી પહોંચી ગયો હતો. જેના કારણે યોજના પર હાલ સંકટના વાદળ છવાયા છે. અગાઉથી જ 21 રાજ્યોએ નકારાત્મક બેલેન્સ દર્શાવ્યું છે. જેમાં આંધ્રપ્રદેશ, તમિલનાડું અને પશ્ચિમ બંગાળ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

લોકડાઉનમાં મનરેગા યોજના કારગર નિવડી

મનરેગા યોજના એ માગ આધારિત યોજના છે. જે કોઈપણ ગ્રામિણ પરિવારને 100 દિવસના કામની ખાતરી આપે છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન યોજના માટે 1.11 લાખ કરોડનું સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું હતું અને રેકોર્ડ 11 કરોડ શ્રમિકો માટે તે એક મહત્વપૂર્ણ જીવનરેખા પ્રદાન કરવામાં આવી હતી.

મનરેગામાં ગેરરિતીના પણ અનેક કિસ્સા

ગ્રામીણ વિકાસ મંત્રાલયના મેનેજમેન્ટ ઈન્ફોર્મેશનના આંકડા સામે આવતા મનરેગામાં થયેલી ગેરરીતિઓ બહાર આવી છે. છેલ્લા 4 વર્ષમાં મનરેગાની વિવિધ યોજનામાં મોટા પાયે કૌભાંડ આચારાઈ રહ્યા છે. મનરેગામાં 935 કરોડનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો હતો.

દેશના વિવિધ રાજ્યોમાં કૌભાંડ થયા હોવાનું ઓડિટમાં સામે આવ્યું છે. જેમાં ગુજરાતનું નામ પણ બાકાત નથી. તમિલનાડુમાં સૌથી વધુ 245 કરોડનું કૌભાંડ થયું છે. જ્યારે ગુજરાત, દીવ-દમણ, કર્ણાટકમાં પણ મનરેગા કૌભાંડ થયું હોવાનું ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સહિતના રાજ્યોમાં પણ મનરેગામાં મળતીયાઓ ફાવ્યા છે.

મોટા પાયે ગેરરીતિ આચરી સરકારી તિજોરી ખાલી કરવાના ખેલ થયા છે અને જરૂરિયાત વાળા ગરીબોને પોતાના હક્કથી વંચિત રાખવામાં આવ્યા છે. ઓડિટ રિપોર્ટમાં થયેલા કૌભાંડના ધડાકાબાદ અનેક રાજ્યોમાં તપાસના રેલા પહોચ્યાં છે જેમાં મોટા નેતા સહિત અનેક અધિકારીઓ સુધી કૌભાંડનો રેલો પહોંચવાની શક્યતા છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી