રમતના મેદાનમાં “નો પોલીટીક્સ પ્લીઝ”…રમવા દો..

અમેરિકાએ વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો..

તો પછી ચીન 2028માં અમેરિકાનો બહિષ્કાર કરશે..

બાઇડન, ઓલિમ્પિક બહિષ્કારથી ચીન નહીં સુધરે..

અમદાવાદમાં ઓલિમ્પિક-2036 લગભગ પાક્કુ છે..

તો ચીનમાં ભારતને મળશે વધુ એક નિરજ ચોપરા..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

શિયાળો આવી ગયો. ગુલાબીની સાથે હવે ધીમે ધીમે કાતિલ ઠંડીનો ચમકારો ગુજરાતને થશે. કલાઇમેટ ચેન્જને કારણે ઠંડીમાં વધારો ગરમામાં ઘટાડો અને ચોમાસુ તો કચ્છડો બારે માસની જેમ હોય તેમ ચોમાસુ ગયા પછી પણ માવઠાની મોસમ હમણાં હમણાં અટકી…અટકી એટલા માટે કે ગમે ત્યારે આકાશમાંથી પાણીની ચકલી શરૂ થઇ જાય તેવુ થઇ રહ્યું છે. દુનિયામાં સૌથી વધારે ઠંડી રશિયાના યાકૂત્સક નામના શહેરમાં પડે છે. વસ્તી છે માત્ર બે લાખની આસપાસ. અને ઠંડીમાં પારો જાય છે માઇનસ 50ની નીચે…!! આ શહેર ઠંડીમાં કઇ રીતે રહેતુ હશે એ તો યાકૂત્સકવાસીઓ જાણતા હશે પણ શિયાળો શરૂ થતાં ચીનમાં વિન્ટર ઓલ્મ્પિકની તૈયારીઓ શરૂ થઇ છે.

સમર ઓલ્મ્પિક તાજેતરમાં જ ટોક્યોમાં યોજાઇ ગયુ જેમાં નિરજ ચોપરા સહિત ભારતના ઘણાં રમતવીરોએ કાઠુ કાઢ્યુ અને ચંદ્રકો જીતીને ભારતની આન બાન અને શાનમાં વધારો કર્યો. શક્ય છે કે ચીનમાં યોજાનાર વિન્ટર ઓલ્મ્પિકમાં પણ ભારતના રમતવીરો ભાગ લેવા જશે. 2022માં 4 ફેબ્રુઆરીથી શરૂ થઇને 20 ફેબ્રુઆરી સુધી ચીનના બૈજિંગમાં કડકડતી કાતિલ ઠંડીમાં દોડીને..કૂદીને…રમીને…રમતવીરો ચંદ્રકો જીતીને ગરમાવો લાવશે. પણ તે પહેલાં ચીન અને અમેરિકા વચ્ચેના શાબ્દિક યુધ્ધે ગરમાવો લાવી દીધો છે…!

દુનિયાને કોરોના વાઇરસની ભેટ આપનાર ચીનની સાથે અમેરિકા પણ ખફા છે. ચીન કડકડતા ડોલરને પછાડીને જગત જમાદાર બનવા માંગે છે. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન ચીનના શી જિનપિંગને પરાસ્ત કરવાના પેંતરા ઘડે છે. અને તેના ભાગરૂપે અમેરિકાએ નવા વર્ષમાં બૈજિંગમાં રમાનારી વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરવાની જાહેરાત કરી…! બહિશ્કાર ખરો પણ રાજકિય… અને આ બહિષ્કાર રાજકીય હોવાથી અમેરિકાના રમતવીરો તેમાં ભાગ લઇ શકશે પણ અમેરિકાના અધિકારીઓ તેમાં ભાગ નહીં લે…! હવે આ બહિષ્કાર કહેવાય કે સૂકી ધમકી…?!

વિન્ટર ઓલ્મ્પિકમાં ભાગ લેવા ન લેવો અને ભાગ લેવો તો કઇ રીતે ભાગ લઇ શકાય એ બાઇડન સરકારનો વિષય છે પણ રમતગમતના મેદાનમાં રાજકારણ લાવવુ એ ખેલદીલી તો નથી જ..બહિષ્કાર તો ત્યારે કહેવાય કે અમેરિકાનો એકપણ રમતવીર બૈજિંગ ન જાય અને કોઇપણ રમતમાં ભાગ ન લે તો તેમની સાથે કોઇ અધિકારી પણ નહીં જાય અને સંપૂર્ણ બહિષ્કાર કહી શકાય…રમતવીરો જશે પણ તેમની સાથે અધિકારીઓ નહીં જાય એવો અમેરિકાનો નિર્ણય 50 ટકા બહિષ્કાર સમાન છે. મારા રંતવીરો રમશે પણ મારી અધિકારીઓ નહીં આવે….એવો નિર્ણય જાહેર કર્યો એટલે વિસ્તારવાદી નીતિમાં એક પછી એક દેશોના વિસ્તારો પર ગેરકાયદે કબ્જાઓ રાખનાર ચીન અમેરિકાને વળતી ધમકી આપી-તમે અમારે ત્યાં નહીં પધારો તો અમે 2028માં તમારે ત્યાં પગ નહીં મેલીએ…નહીં મેલુ રે તારા ડોલરિયામાં પગ નહીં મેલુ….!

દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક રમતોત્સવમાં 2024માં એન ઇવનિંગ ઇન પેરિસમાં યોજાશે અને તે પછી અમેરિકામાં 2028માં ઓલિમ્પિક યોજાશે. 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં યોજાશે અને જો અમદાવાદના નશીબ ચમકશે તો 2036માં સાબરના તીરે નરેન્દ્ર મોદી(મોટેરા) સ્ટેડિયમ ખાતે દુનિયાના રમતવીરોનો મેળાવડો જામ્યો હશે…! ભારત સરકારે ઓલિમ્પિક સમિતિને અરજી આપીને 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજવાની તૈયારી દર્શાવી છે.

ચીનના કંગાળ માનવાધિકાર રેકોર્ડના કારણે બાઈડન સરકારે બહિષ્કારનુ એલાન કર્યુ તો તે પહેલા ચીને બાઈડન સરકારની ટીકા કરતા કહ્યુ- અમેરિકા રમતગમજ જગતમાં રાજકારણ ઘૂસાડવાની કોશિશ કરી રહ્યુ છે…! આ અંગે કોઇ વળી એવો જવાબ પણ ચીનને આપી શકે કે પ્રિય ડ્રેગનભાઇ…તમે દુનિયા આખીમાં કોરોના ઘૂસાડ્યો તેનું શું…?! મહાસત્તા બનો તની ના નહીં પણ દુનિયાને ખતમ કરીને મહાસત્તા બનશો તો રાજ કોવા ઉપર કરીશ…?! દુશ્મનની પીઠમાં ખંજર ભોંકવાનો સરસ મજાનો શોખ ધરાવનાર ચીને મહાસત્તા બનવા પાછો એવો રસપ્રદ વાઇરસ બનાવ્યો કે અમુક સમય ત્યારે કાંચિડો જેમ રંગ બદલે તેમ તે નવુ નવુ રૂપ સ્વરૂપ ધારણ કરે છે… હાલમાં દુનિયામાં તેનું ઓમિક્રોનના રૂપનું સ્વરૂપ હાહાકાર મચાવી રહ્યું છે. અને ચીન વિન્ટર રમતોત્સવની તૈયારીઓમાં વ્યસત છે..

બાય ધ વે, અમદાવાદમાં 2036માં ઓલિમ્પિક યોજાય અને ચોક્કસ યોજાશે તો તેનો ખર્ચ કેટલો હશે તેનો અંદાજ પણ મૂકવામાં આવ્યો છે. એકલા સ્પોર્ટ્સ સંકૂલ પાછળ 4600 કરોડ(640 મિલિયન ડોલર)નો ખર્ચ થશે. નફો થાય કે ના થાય પણ દુનિયા આખીમાં ભારતના નામનો ડંકો વાગશે કે આઝાદી બાદ 2036માં ભારતમાં પહેલીવાર ઓલિમ્પિક રમતોત્સવ ગુજરાતમાં અને અમદાવાદમાં યોજાયુ હતું…!

જો ઓમિક્રોન મહેર કરે તો ચીનના બિજિંગમાં વિન્ટર ઓલિમ્પિક યોજાશે તે સાથે જ બૈજિંગ વિન્ટર ઓલિમ્પિક અને સમર ઓલિમ્પિક એમ બંને પ્રકારની ઓલિમ્પિકની યજમાની કરનાર પ્રથમ શહેર બની જશે…..અમેરિકાને સાથ આપી યુરોપના દેશો પણ ચાઇનીઝ વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરી શકે.. અમેરિકાએ ચીનમાં ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર સામે રાજકીય બહિષ્કારનુ એલાન આપ્યુ છે. અમેરિકાનુ કહેવુ છે કે, તિબેટ અને હોંગકોંગમાં પણ માનવાધિકારની સ્થિતિ ચિંતાજનક છે…ચીન તેનો ઇન્કાર કરે તે સ્વાભાવિક છે.

ચીનને કોરોના મામલે સીધોદોર કરવા અમેરિકાએ વિન્ટર ઓલિમ્પિકમાં અડચણો પેદા કપરવાને બદલે રમતોત્સવ યોજાવા દેવુ જોઇએ જેથી દુનિયાને નવા નવા રમતવીરોનો પરિચય અને તેમાં રહેલી શારીરિક કુશળતાના દર્શન થઇ શકે. બની શકે કે ભારતના પણ રમતવીરો વિન્ટર ઓલિમ્પિકમાં કાઠુ કાઢે તો કોઇ નવો નિરજ ચોપરા ભારતને મળી શકે…!

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી