September 19, 2021
September 19, 2021

ત્રીજી લહેરની ભીતિ : મહારાષ્ટ્રમાં નો વેક્સિન ‘નો એન્ટ્રી’

શું તમે મહારાષ્ટ્રમાં જવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ કામ પતાવી લો નહીંતર…

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે ત્યાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત રહેલા મહારાષ્ટ્રમાં એન્ટ્રી માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગાઇડલાઇન પ્રમાણે મહારાષ્ટ્રમાં એન્ટ્રી માટે લોકોને બે શરતોમાંથી એકનું પાલન કરવું પડશે.

પ્રથમ શરત છે કે જે લોકો રાજ્યમાં આવવા ઈચ્છે છે તેમના માટે કોરોના રસીના બંને ડોઝ મેળવવા જરૂરી રહેશે. તેઓએ પુરાવા તરીકે રસીનું પ્રમાણપત્ર પણ રાખવું પડશે. બીજી બાજુ, જો કોઈએ રસી ન લીધી હોય, તો તેના માટે નેગેટિવ આરટી પીસીઆર રિપોર્ટ બતાવવો જરૂરી હશે. જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો બહારથી આવતા મુસાફરોને મહારાષ્ટ્રમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થવું પડશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરો માટે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતા પહેલા રસીનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી રહેશે. બંને રસી લીધેલી હોવી જરૂરી છે, આ સિવાય બીજી રસી લીધાને 14 દિવસ થયા હોવા ફરજિયાત રહેશે. હવે જો કોઈ પેસેન્જર આ માપદંડો પર ખરા નથી ઉતરતાં, તો તેમને કોરોનાનો નેગેટિવ RT PCR રિપોર્ટ બતાવવો પડશે. તે રિપોર્ટ પણ 72 કલાક જૂનો હોવો જોઈએ.

મહત્વનું છે કે આ પહેલા 11 ઓગસ્ટે રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમાં 15 ઓગસ્ટથી મોલ, રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સાથે શરત રાખવામાં આવી હતી કે બધા કર્મચારીઓનું સંપૂર્ણ રસીકરણ થવું જોઈએ. ગ્રાહકોએ પણ વેક્સિનેશનનું સર્ટિફિકેટ દેખાડવું પડશે.

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું હતું કે ખુલ્લા સ્થળોમાં થનાર લગ્નમાં 200 લોકોને સામેલ થવાની મંજૂરી હશે. જ્યારે બંધ હોલમાં થનાર કાર્યક્રમોમાં 100 કે કાર્યક્રમ સ્થળની ક્ષમતાના 50 ટકા લોકોને હાજર રહેવાની મંજૂરી હશે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6686 નવા કેસ સામે આવ્યા અને 158 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 63,82,076 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 1,34,730 લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરૂવારે 6388 કેસ સામે આવ્યા હતા અને 208 લોકોના મૃત્યુ થયા હતા.

 69 ,  1