રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી- નીતિન પટેલ

હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી રહેશે…

ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને, રાજ્ય સરકારે હોળી ધૂળેટી રંગથી રમવા સામે મનાઈ ફરમાવી છે. નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે આજે આ અંગે જણાવ્યુ કે, ધાર્મિક માન્યતા મુજબ હોળી પ્રગટાવવા દેવાશે. પરંતુ એક બીજા ઉપર રંગ નાખીને હોળી અને ધૂળેટીમાં રંગોત્સવ મનાવે છે તે નહી મનાવવા દેવાય. હોળી દહન માટે પણ મર્યાદીત લોકોને એકત્ર થવા દેવાશે. હોળી રમવા માટેની છુટછાટ નથી અપાઈ.

આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધૂળેટી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, લોકો હોળીનું પ્રાગટ્ય કરી શકશે અને દરેક મહોલ્લા, શેરીમાં સંપૂર્ણ વિધિ વિધાન કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા  હોળી પ્રગટાવી શકાશે પરંતુ ઘૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હોળીના પ્રાગટ્ય સમયે પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના કોવિડના નિયમોને અનુસરવું જરૂરી રહશે..

નિતીન પટેલે એમ પણ જણાવ્યુ કે, સામાન્ય રીતે જે પ્રકારે દેખરેખ રખાય છે તે રીતે જ દેખરેખ રખાશે. પણ એવી આશા છે કે, કોરોનાને વધતો અટકાવવા માટે ગુજરાતમાં યુવા યુવતીઓ જાગૃત છે. તેથી તેઓ સરકારે જે કોઈ ગાઈડલાઈન બહાર પાડી છે તેને નિયમ અનુસરશે

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ફરી કોરોનાની મહામારીએ માથું ઉંચક્યું છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1565  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 969  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08  ટકા પર પહોંચ્યો છે. હાલ 6737  એક્ટિવ કેસ છે, જેમાંથી 69   લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે. 

 21 ,  1