હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને મળશે રસી, મોદી સરકારનો નિર્ણય

દેશમાં વેક્સિનની કોઈ અછત નથી – પ્રકાશ જાવડેકર

દેશમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે. ભારત સરકારે આજે કોરોના રસીકરણ પર મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવશે. પછી ભલે કોઈ બીમારી હોય કે ન હોય. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સરકારનો દાવો છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં કોરોના રસી ઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી. 

એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે લોકોએ ફક્ત પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરળતાથી સરકારી કે પ્રાઈવેટ સેન્ટર્સ પર રસી મળી શકશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સની સાથે સાથે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45થી વધુ ઉંમરના ગંભીર  બીમારીથી પીડાતા લોકોને રસી અપાઈ રહી હતી. વ્યક્તિએ પોતાની બીમારીનું પ્રમાણપત્ર રજુ કર્યા બાદ રસીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ શકતી હતી. 

જાવડેકરે કહ્યું કે અમને ખબર છે કે ભારતમાં રસીકરણ સારું અને ઝડપથી થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ચાર કરોડ 83 લાખ લોકોને રસી અપાઈ છે. જેમાંથી 80 લાખ લોકોને તો બીજો ડોઝ પણ મળી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ સાડા 32 લાખ લોકોને ડોઝ અપાયા છે. મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા થઈ. ટાસ્ક ફોર્સની સલાહના આધારે બે નિર્ણય લેવાયા છે. પહેલો નિર્ણય એ કે 1 એપ્રિલ બાદ 45 વર્ષની ઉપરના તમામ માટે રસી ઉપલબ્ધ રહેશે. 

જાવડેકરે કહ્યું કે રસી લગાવવા માટે 45 વર્ષથી ઉપરના વ્યક્તિએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરૂર નથી. 45થી ઉપરની ઉંમર છે તો રસી મળશે. તેમણે કોવિશિલ્ડ રસીના પહેલા અને  બીજા ડોઝ વચ્ચે ટાઈમિંગ વધારવા અંગેના નવા વિર્દેશ પર કહ્યું કે આ વૈજ્ઞાનિકોનો મત છે. તેમણે જણાવ્યું કે બીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જે રસી દરમિયાન 4 થી 6 સપ્તાહનો ગેપ હતો તેને હવે વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે કોવિશિલ્ડનો ડોઝ ચારથી આઠ સપ્તાહ સુધી લેવું ફાયદાકારક છે. આથી બધાને અપીલ છે કે જે પણ 45 વર્ષથી ઉપર છે તેઓ પોતાનું નામ રજિસ્ટર કરાવે અને એપોઈન્ટમેન્ટ લઈને રસી મૂકાવે

અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. ત્યારે ફક્ત સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોવિડ રસી અપાઈ હતી. 1 માર્ચથી રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થયો તો 60 વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા અપાઈ અને આ સાથે 45 વર્ષથી 60 વર્ષના એવા લોકોને પણ રસી આપવામાં આવતી જેઓ કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. સરકારે આવા લોકો માટે બીમારીનું સર્ટિફિકેટ આપવું જરૂરી કર્યું હતું. 

હવે જ્યારે 1 એપ્રિલથી રસીકરણ અભિયાનનો નવો તબક્કો શરૂ થશે તો તેમા બીમારીનું સર્ટિફિકેટ આપવું જરૂરી નહી રહે. કારણ કે 45 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને રસી આપવાની જાહેરાત કરાઈ છે. વાત જાણે એમ છે કે 9 ફેબ્રુઆરી બાદ દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. હાલ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક  રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 40,715 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,16,86,796 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,11,81,253 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. જ્યારે 3,45,377 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 199 લોકોના જીવ લીધા. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,60,166 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 4,84,94,594 લોકોને રસી અપાઈ છે. 

 66 ,  1