હવે કરદાતાઓ અહીંથી પણ ભરી શકશે IT રિટર્ન

ઘરઆંગણે સુવિધા, પોસ્ટ ઓફિસે જઇને આ સવલતનો લાભ લઇ શકે

ભારતીય ડાક વિભાગ એટલે કે ઇન્ડિયા પોસ્ટ દ્વારા કરદાતાઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તે હેતુસર પોસ્ટ ઓફિસમાંથી પણ આવકવેરાનું રિટર્ન ભરી શકાય તે માટે નવી સવલત આપવાની શરૂઆત કરાઈ છે. આ સાથે હવે પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ 73 જેટલી અલગ અલગ સર્વિસ પૂરી પાડવામાં આવશે.

ઇન્ડિયા પોસ્ટ દ્વારા ટ્વિટર પર આ માહિતી આપતા જણાવાયું હતું કે, પોસ્ટ વિભાગ દ્વારા કોમન સર્વિસ સેન્ટરના (સીએસસી) કાઊન્ટર પર જઇને આવકવેરાનું રિટર્ન ફાઇલ કરી શકશે. કરદાતાઓ પોતાની નજીકની પોસ્ટ ઓફિસે જઇને આ સવલતનો લાભ લઇ શકે છે.

દેશમાં હાલ 154965 જેટલી પોસ્ટ ઓફિસ કાર્યરત છે. જે પૈકી 139067 ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. દેશની તમામ પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર પર લોકો માટે ટપાલ સેવા, બેંકિંગ તેમજ વીમા ક્ષેત્ર માટેની વિવિધ સર્વિસ પુરી પાડવામાં આવે છે.

આ સેન્ટર પર કુલ 73 જેટલી સર્વિસ પુરી પડાય છે જેમાં કેટલીક ઇ-સર્વિસનો પણ સમાવેશ થાય છે. મોટા શહેરોને બાદ કરતા નાના-શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવકવેરા રિટર્ન ભરવામાં ખુબ તકલીફ પડતી હોય છે. હવે પોસ્ટ ઓફિસમાં આઈટી રિટર્ન ભરવાની સવલત ઊભી થતાં મોટાપાયે રાહત થશે.

 57 ,  1