નવસારી : સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી નર્સે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

સિવિલ હોસ્પિટલના અધિકારીઓના ત્રાસના કારણે ડીપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ

નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી 28 વર્ષની નર્સે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. નર્સે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં સિવિલના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તો બીજી તરફ પોલીસે આ મામલે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, નવસારીમાં વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય નર્સ મેઘાબેન આચાર્યએ વહેલી સવારે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. નર્સે ત્રાસના કારણે તાણમાં આવીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આપઘાત પહેલા મેઘાએ પાંચ પાનાંની સુસાઇડ નોટ પણ લખી છે. આ સુસાઇડ નોટમાં નવસારી સિવિલના એક તબીબ અને એક મેટર્નનું નામ લખવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવમાં આવ્યો છે.

તો બીજી તરફ પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના આરોપો લગાવ્યા છે. સાથે જ દીકરીને આપઘાત કરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે રાખવામાં આવ્યો છે. સમગ્ર આપઘાતપ્રકરણમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારના લોકોનું કહેવું છે કે તેની દીકરીએ લખેલી સુસાઇડ નોટમાં સિવિલ હૉસ્પિટલના સર્જન દુબે અને મેટર્ન તારાનું નામ લખવામાં આવ્યું છે. જોકે, આ મામલે પોલીસ તરફથી અધિકારિક રીતે કંઈ જ કહેવામાં આવ્યું નથી. પરિવારે આ બે નામ સુસાઇડ નોટમાં હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જ હકીકત સામે આવશે.

 198 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર