September 20, 2021
September 20, 2021

3 ઓક્ટોબર- જય ભવાની…મમતા જવાની કે રહેવાની..?!

પેટા ચૂંટણીમાં મમતાદીદી સામે ભાજપમાંથી કોણ આવશે..?

ટીએમસીના કાર્યકરો ભલે હરખાય, પણ દીદી નહીં…

દીદી આ વખતે જુના મતવિસ્તાર ભવાનીપુરમાંથી ઉભા રહેશે..

દીદી હારે તો નવા સીએમ કોણ હશે, કોણ બનશે..

નંદીગ્રામની જેમ ભવાનીપુરમાં પણ કાંટે કી ટક્કર…

13મીથી ટીવી કેમેરા ભવાનીપુરમાં-ક્યા લગતા હૈ…!?

30 સપ્ટેમ્બરના રોજ મતદાન અને 3 ઓક્ટોબરના રોજ પરિણામ. જો બંગાળની ભવાનીપુર બેઠક પરથી સીએમ મમતા બેનર્જી-મમતાદીદી-જીત્યા તો સીએમપદ સલામત અને જો ધાર્યુ પરિણામ ન આવ્યું તો તેમના ભત્રીજા અભિષેકને નવા સીએમ માટે તૈયાર રહેવા કહી દેવામાં આવ્યું હશે. અને બીજી તરફ અભિષેકને કોલસા કૈભાંડમાં હમણાં જ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ પોતાની સમક્ષ હાજર રહેવા કહ્યું છે. 5 નવેમ્બર સુધીમાં મમતાદીદીએ વિધાનસભામાં જીતવુ પડે. નંદીગ્રામ બેઠક પર તેઓ પોતાના વિશ્વાસુ કે જેઓ ભાજપમાં જોડાયા, તે સુવેન્દુ અધિકારીએ પોતાની સામે લડવા પડકાર ફેંક્યો અને મમતા બેનર્જી તેમની જાળમાં ફસાયા અને સાવ ઓછા મતે હારી ગયા. હારીને પણ તેઓ કાયદાની જોગવાઇ મુજબ સીએમ તો બન્યા પણ 6 મહિનામાં વિધાનસભાની ચૂંટણીમાં જીતવુ પડે.

ચૂંટણી પંચે કોરોનાની સ્થિતિ દર્શાવી બંગાળમાં પેટા ચૂંટણીઓ યોજવા ના પાડી પણ કોરોના કેસો ઘટતા આખરે પેટા ચૂંટણી આપી એટલે મમતાદીદીની પાર્ટી ટીએમસીના કાર્યકરો તો રાજી રાજી થઇ ગયા હશે પણ મમતાદીદી માટે આ પેટા ચૂંટણીમાં જીતવુ પડકાર બની રહે તો નવાઇ નહીં. ભાજપ તેમની સામે કોને ઉભા રાખે છે તે પણ રસપ્રદ હશે.

નંદીગ્રામમાં પોતાના ગુરૂ મમતાદીદીને હરાવનાર સુવેન્દુને ફરી તેમની સામે ઉભા રાખી શકાય પણ નંદીગ્રામ અને ભવાનીપુરમાં જમીન આસમાનનો તફાવત છે. જેમ નંદીગ્રામ સુવેન્દુનો ગઢ છે તેમ ભવાનીપુર સીએમ મમતાનો. તેઓ આ જ બેઠક પરથી જીતતા આવ્યાં છે પણ તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પડકાર ઝીલીને મત વિસ્તાર બદલ્યો અને હારી ગયા. ભવાનીપુર બેઠક પરથી તેઓ ફરી જીતશે કે કેમ એ તો ત્રણ-દસ કહેશે. મમતાદીદીને પણ ખબર છે કે ભાજપ તેમને ભવાનીપુરમાં હરાવવા તમામ દાવપેચ અજમાવશે. વાતવરણ બગાડવા બેની લડાઇમાં ત્રીજો ફાવે તેમ કોઇ આ પેટા ચૂંટણીમાં વળી પાછા બોંબ ધડાકા અને બધુ જ કરી શકે.

13મીએ ઉમેદવારી પત્ર ભરતી વખતે મમતાદીદી રાજકિય શક્તિપ્રદર્શન પણ કરી શકે. પરંતુ રસપ્રદ એ હશે કે આ વખતે ભાજપ તેમની સામે કોને ઉભા રાખશે..?! ભાજપ ઉમેદવાર તો ઉભો રાખશે જ, નહીંતર મમતાદીદી બિનહરિફ જીતી શકે. અને ભાજપ ઐસા હોને નહીં દેંગા…કાંટે કી ટક્કર….બરાબરીનો મુકાબલો…કેટલાક ટીવી મિડિયા ભવાનીપુર જઇને એમ પણ કહેશે-જય ભવાની… મમતા જવાની…! કેટલાક કેમેરા ભવાનીપુર જઇને મતદારો કા મૂડ જોશે..કોઇના માટે ગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરશે અને તેને નેશનલ ઇસ્યુ બનાવી શકે. ટીવી મિડિયાને કોણ રોકે…? તેઓ સ્વતંત્ર છે…

બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં 200 કરતાં વધારે બેઠકો જીતીને ટીએમસીએ ફરી સત્તા મેળવી અને મમતાદીદીનો રાજકિય દબદબો જોયા બાદ અથવા ટીએમસીમાંથી આવવાના ઇશારા થયા હોય કે, જોઇ શું રહ્યાં છો…આવી જાઓ અને મુકુલ રોયની ઘરવાપસી બાદ ભાજપના 3 ધારાસભ્યો, જેઓ મૂળ તો ટીએમસીના જ હતા અને ચૂંટણીઓ પહેલા કેસરી ખેસ પહેરીને કમળ પર લડ્યા અને જીત્યા તેઓએ ફરી ટીએમસીનો ઝંડો હાથમાં લઇને ઘર વાપસી કરી.ટીએમસ કહે છે કે આ તો હજુ શરૂઆત છે…જેમ ભાજપ અમારા ધારાસભ્યોને ચૂંટણી પહેલા લઇ ગયા તેમ હવે અમે તેમને પાછા ટીમસીમાં લાવશું… !

આવા રાજકિય માહોલની વચ્ચે ભવાનીપુરમાં પેટા ચૂંટણીમા શું થશે એ તો 13મી પછી ખબર પડે અને ભાજપમાંથી ભવાનીપુર પ્રચારમાં કેટલા રાષ્ટ્રીય નેતાઓ મેદાનમાં આવે છે એ પણ જોવા મળશે. ભાજપ મમતાદીદીને ભવાનીપુરમાં હરાવવા તમામ એ પ્રયાસો કરશે જેમ 1997માં પેટા ચૂંટણીમાં રાધનપુરમાં તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે કર્યા તેમ. શંકરસિંહ જીતી ગયા હતા પણ ભાજપે બરાબરનો મુકાબલો કર્યો હતો.

સત્તામાં હોય અને પેટા ચૂંટણીમાં સીએમ હારી જાય ઓવા કેટલાક રાજકિય બનાવો બન્યા છે. પણ ભાગ્યે જ કોઇ સીએમ પેટા ચૂંટણીમાં હારી જાય. બંગાળમાં મમતાદીદી પોતે સીએમ છે, સત્તા છે છતાં પોતાના જુના મતવિસ્તારમાં પોતે નહીં જ હારે એમ તેઓ પણ નહીં જ માનતા હોય….! શક્ય છે કે હારી પણ જાય અથવા ઓછા મતે જીતી પણ જાય…! કુછ ભી હો સકતા હૈ..હારી જશે તો ચૂંટણી પરિણામને, નંદીગ્રામના પરિણામની જેમ તેને પણ કોર્ટમાં પડકારશે…અને રાજીનામુ આપીને અભિષેકને સીએમ બનાવીને રિમોટ કન્ટ્રોલથી સરકાર ચલાાવશે. તેમની હાર અને જીત બન્ને રાજકિય રીતે ઐતિહસિક બની રહે તેમ છે.

બંગાળમાં દુર્ગાપૂજાનું મહત્વ ગુજરાતની નવરાત્રિ જેટલુ છે. દુર્ગાપૂજાના પંડાલમા આ વખતે મમતાદીદીની દુર્ગાસ્વરૂપની મૂર્તિઓ જોવા મળે તો નવાઇ નહીં. એક રાજકિય પક્ષમાંથી પ્રેરણા લઇને ટીએમસીએ કોલકાતા સહિત તમામ દુર્ગા પૂજાના પંડાલમાં મમતાદીદીની મૂર્તિઓ હોય તેવા પ્રયાસો કરી રહ્યાં છે. બની શકે કે દુર્ગા હાથમાં ત્રિશૂલ લઇને વધ કરી રહ્યાં હોય તેવા દ્રશ્યો પણ મૂર્તિઓના સ્વરૂપમાં જોવા મળી શકે. દુર્ગા બનેલી મમતાદીદી કોનો વધ કરી રહ્યાં હશે તે કહેવાની કાંઇ જરૂર નથી….

ગમે તે હોય પણ 30 સપ્ટે.ની ભવાનીપુર બેઠકની પેટા ચૂંટણી રસપ્રદ બનશે, તો કેટલાક ટીવી બિરાદરો રસપ્રદ બનાવાશે. મમતાદીની ઉમેદવારી સાથે જ નેશનલ ટીવી ડિબેટમાં બંગાળ, ભવાનીપુર, સુવેન્દુ, નંદીગ્રામ, મમતાદીદી…જવા મુદ્દા છવાઇ જાય તેમ છે. 13મી બાદ ભવાનીપુરમાં તમામ નાની મોટી ટીવી ચેનલોનો કેમેરા અને બુમ ફરી રહ્યાં હશે….! કમ સપ્ટેમ્બર…. ઇંગ્લીશ ગીતની જેમ કમ.. તીસ સિતમ્બર…ઔર તીન અક્તૂબર… બંગાળને નવા સીએમ મળે છે કે ફરીથી દીદી આવશે એનો નિર્ણય ભવનીપુરના મતદારો કરશે…! જય ભવાની…મમતા…રહેવાની કે જવાની…? જવાબ આપશે- ઇ…વી…એમ…!

 53 ,  1