જ્યારે રાજ્યના મહેસૂલ મંત્રી બન્યા ફિલ્મ ‘નાયક’ના નાયક…

આ વખતે પહોચ્યા દહેગામ…દે ધનાધન

ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફરીવાર એકશન મોડમાં જોવા મળ્યા હતા તેમણે સરકારી કચેરી ઓફિસમાં સરપ્રાઇઝ વિઝિટ લેતા તમામ કર્માચારીઓને સ્તબ્ધ કરી દીધા હતા.મહેસૂલ મંત્રીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરીની ઓચિતી મુલાકાત લેતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,આ સરપ્રાઇઝ મુલાકાતમાં અનેક કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

પદ ગ્રહણ કરતાં જ આકરા તેવર બતાવનારા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે અચાનક દહેગામ મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેમણે અમુક ટેબલો ખાલી જોતાં બાકીનો સ્ટાફ ક્યાં છે તેની પૃચ્છા કરી હતી. એટલું જ નહીં, કેટલાક કર્મચારીઓના ટેબલ પર રુબરુ જઈને તેમણે પેન્ડિંગ કામોની વિગતો ઉપરાંત, કોરોનાની સહાય ચૂકવણી સહિતની વિગતો માગી હતી. મંત્રીએ અહીં અરજદારો સાથે મુલાકાત કરી તેમનું કામ ક્યારથી પેન્ડિંગ છે તેમજ ફાઈલનું શું સ્ટેટસ છે તેની જાતે જાણકારી પ્રાપ્ત કરી હતી.

મામલતદાર ઓફિસમાં સફાઈ બરાબર કેમ નથી થતી, અને સીડીના દરેક પગથીયે માટી કેમ દેખાય છે તેવા પણ સવાલો કર્યા હતા. કેટલાક અરજદારોને તેમણે વચ્ચે જ રોકીને કોઈ ફરિયાદ છે કે કેમ તેવા પણ સવાલ કર્યા હતા. એક અરજદારે પોતાની અરજીનો કોઈ રેકોર્ડ નથી તેવો અધિકારીઓ જવાબ આપતા હોવાની ફરિયાદ કરતાં મહેસૂલ મંત્રી એ અરજદાર પાસેથી ત્યાં જ ફરિયાદ લખાવી હતી અને તેના પર પગલાં લેવાની ખાતરી આપી હતી.

દહેગામ મામલદાર ઓફિસની સરપ્રાઈઝ વિઝિટ બાદ મીડિયા સાથે વાત કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઓચિંતી મુલાકાતથી સરકારી કર્મચારીઓની કાર્યપદ્ધતિમાં ઘણો મોટો ફેરફાર આવે છે, અને મહેસૂલ વિભાગ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગતિ પણ વધી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ ન્યાયી હુકમ કરવામાં જરાય ગભરાય નહીં. કર્મચારીઓ અધિકારીઓ લોકોના સેવક છે તેવી ટકોર કરતા તેમણે કહ્યું હતું કે લોકોને પડતી હાલાકીને દૂર કરવામાં તેમણે આગળ આવવું જોઈએ. લોકો ઓડિયો રેકોર્ડિંગ તેમજ વિડીયો મોકલાવે છે, જેના પર પણ આગામી સમયમાં પગલાં લેવામાં આવશે તેવું પણ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ જાહેરમાં પણ કહી ચૂક્યા છે કે કોઈપણ અધિકારી કે કર્મચારી કામ ના કરે, કે પછી લાંચ માગે તો તેનો વિડીયો બનાવીને મને પહોંચાડી દો, તેના પર પગલાં ચોક્કસ લેવામાં આવશે. તેમણે સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસે આવવા માટે પણ તાકીદ કરી છે. એટલું જ નહીં, તેઓ સરકારી કચેરીઓની અચાનક મુલાકાત લેવા માટે પણ જાણીતા બન્યા છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી