અમદાવાદમાં ઓલ્મ્પિક ગેમ..! 16 વર્ષ પછી કેવુ હશે આ સાબરિયું શહેર..?

એથેન્સથી અમદાવાદ આવશે ઓલ્મ્પિક મશાલ જ્યોત..

મોટેરા આસપાસ બનશે 3 હજાર બહુમાળી એપોર્ટમેન્ટ..

40 હજાર હોટેલ રૂમની જરૂર પડશે..

“સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ એન્કલેવ” અપાયુ નામ..

નવા ચકાચક અને ઝગમગતા સ્ટેડિયમ બનશે

ઓલ્મ્પિકના ઇતિહાસમાં ઉમેરાશે અમદાવાદનું નામ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

કૌન કહતા હૈ આકાશ મેં છેદ નહીં હો શકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલ કે દેખો યારો… આ કોઇ કવિની કલ્પના હોઇ શકે. પણ અમદાવાદમાં ઓલ્મ્પિક ગેમ યોજાય તો બાપુ…ટેસડો પડી જાય…!

ઓહોહોહો…દુનિયાભરના રમતવીરો અને તેમના કોચ સહિત તેમના દેશના અધિકારીઓનો કાફલો, અને તેમાં વળી ગોરી ચામડીવાલી એથ્લેટ મહિલા ખેલાડીઓ પણ ખરી, દુનિયાભરની ટીવી ચેનલોના કેમેરા, દુનિયાભરના રમતપ્રેમી પ્રવાસીઓ અને કેટલાક વળી ચાલો અમદાવાદ જઇએ ઓલ્મ્પિક ગેમ જોવા એવા ઉત્સાહી લોકો સહિત જાણે કે, આખી દુનિયા અમદાવાદમાં આવી ગઇ હોય તેમ એ બધાનો 15 દિવસ સુધી રેતીમાં રમતા નગરમાં શહેરના તીરે મોટેરાની આસપાસ આકાર લેનાર 3 હજાર એપાર્ટમેન્ટ અને હોટેલોમાં જમાવડો જોવા મળી શકે.


ગુજરાત સરકારે 2036માં અમદાવાદમાં સમર ઓલ્મ્પિક ગેમ રમતોત્સવ યોજવા માટે આ અંગે નિર્ણય લેનાર સમિતિને અરજી કરવાનું જાહેર કર્યું છે. અરજી કરશે ઔડા અને ટેકો આપશે ગુજરાત સરકાર અને બહાલી આપશે ભારત સરકાર. સમર અને વિન્ટર એમ બે પ્રકારના ઓલ્મ્પિક ગેમ યોજાય છે. 2022માં ચીનમાં વિન્ટર ઓલ્મ્પિક ગેમનું આયોજન છે. પણ કોરોના સંક્રમણને જોતા ચીનમાં યોજાશે કે કેમ તે હજુ નક્કી નથી. અલબત, 2020માં જાપાનના ટોક્યોમાં યોજાનાર ઓલ્મ્પિક ગેમનો હજુ 2021ના અધવચ્ચે પણ મેળ પડ્યો નથી. વર્તમાન સ્થિતિને જોતાં ટોક્યો ઓલ્મ્પિક ગેમ રદ્દ કરવાની ચર્ચા અને દબાણ ચાલે છે. દેશવિદેશના પ્રવાસીઓ અને ખેલાડીઓના આગમનથી સંક્રમણ અને કેસો વધી જશે એવી ભીતિ જાપાનમાં વ્યક્ત થઇ રહી છે.

2021ના જુલાઇમાં ટોક્યોમાં ઓલ્મ્પિક ગેમ યોજાય કે ના યોજાય પણ ગુજરાત અને ભારતે 2038માં અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં 3 હજાર જેટલા ત્રણ અને ચાર બીએચકેની સુવિધાવાળા એપાર્ટમેન્ટ કે જેને ઓલ્મ્પિક ગેમ વિલેજ કહી શકાય તેનું નિર્માણ કરીને ઓલ્મ્પિક ગેમ યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટેરા અને તેની આસપાસના વિસ્તારોમાં જમીનના લે-વેચ પર હાલ પ્રતિબંધ મૂકાયો છે.

ગુજરાત સરકારે ઓલ્મ્પિક ગેમની તૈયારી માટે એક સ્પેશલ પર્પઝ વેહીકલની જે ખાસ હેતુ માટેની સ્પોર્ટ એન્કલેવ અને ગેમ્સ વિલેજ માટે 4 હજાર કરોડની દરખાસ્ત કેન્દ્રને મોકલશે. અને તેને સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ એન્કલેવ એવુ નામ આપવામાં આવ્યું છે.

જાપાન બાદ ક્યાં ક્યાં ઓલ્મ્પિક ગેમ યોજાશે તેના પર નજર નાંખીએ તો, 2024માં પેરિસ-ફ્રાન્સમાં, 2028માં લોસએન્જલસ-અમેરિકામાં અને તેને વધારે ખર્ચ કરવો નહીં પડે. કેમ કે 1984માં ત્યાં ઓલ્પિક યોજાઇ હતી એટલે પ્રાથમિક સુવિધા અને આંતરમાળખાકિય સુવિધા માટે ખર્ચ બચી જશે. 2032માં બ્રિસબેન-ઓસ્ટેલિયામાં ઓલ્મ્પિક ગેમ અને જો ભારતની અરજી મંજૂર કરાશે તો 2036માં અમદાવાદ શાનદાર, જાનદાર, મજેદાર રીતે ભવ્ય ઝાકમઝોળ રંગારંગ દ્રશ્યોની વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં ઓલ્મ્પિક ગેમનું ઉદઘાટન થઇ રહ્યું હશે.

શું અદભૂત, અદ્વિત્ય,અજોડ, અસામાન્ય અને અસરદાર રીતે કાર્યક્રમનું એવું આયોજન થશે કે દુનિયા દેખતી રહ જાયેંગી…! હાં, એ ખરૂ કે અમદાવાદ પાસે આટલી મોટી આંતરરાષ્ટ્રીય સ્તરની ઓલ્મ્પિક ગેમ યોજવાનો અનુભવ નથી. પણ આજના સમયમાં તે શક્ય છે. અનેક એજન્સીઓ તેને સફળ બનાવવા માટે મેદાનમાં ઉતરે છે. એટલુ ખરૂ કે અમદાવાદે 28 જેટલી વિવિધ રમતો માટે આલિશાન નવી નવી ડિઝાઇનવાળા નવા ચકાચક અને ઝગમગતા સ્ટેડિયમ બનાવવા પડે.

રમતોત્સવમાં ભાગ લેનારા અને તેમની સાથે આવનારા માટે જ 3 હજાર એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. એક અંદાજ પ્રમાણે 40 હજાર રૂમની જરૂર પડશે. વિવિધ ઉપકરણો અને માલસામાન વગેરે.ને ટેક્સમાંથી મુક્તિ આપવી પડશે, ખર્ચ ઘટાડવા કેટલીક રમતોને કોર્પોરેટ સ્પોન્સર બનાવવી પડે. જેમ કે અદાણી અને અંબાણી એ રમતોનો ખર્ચ આપે અને તેમને બદલામાં વિજ્ઞાપનના હક્કો મળે. ટીવી પ્રસારણના હક્કો દ્વારા ખર્ચ નિકળી શકે.પીપીપી મોડેલનો અમલ થઇ શકે. કોર્પોરેટ પ્રાયોજિત રમતો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

2020ની ઓલ્મ્પિક ગેમ ટોક્યો જાપાનમાં 2021ની જુલાઇમાં યોજાશે તો તેની પાછળ અંદાજે 15 બિલિયન ડોલરનો ખર્ચ થવાનો છે. 2036માં અમદાવાદમાં સમર ઓલ્મ્પિક ગેમ યેજાશે તો કેટલો ખર્ચ થશે…? તે વખતની મોંઘવારી, તે વખતના પેટ્રોલ-ડિઝલના ભાવ, તે વખતના મકાનોની કિંમત, તે વખતનો ફુગાવો વગેરે.જોતાં જાપાન કરતાં તો વધારે થશે. ગુજરાત સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી છે કે 2036ના ઓલ્મ્પિક ગેમ માટે જે કાંઇ ખર્ચ થાય તેના 50 ટકા કેન્દ્ર ભોગવે અથવા 70-30ના રેશિયામાં ખર્ચ આપે..

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ. 2024માં લોકસભાની ચૂંટણીઓ. 2027માં ફરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ. તે પછી 2029માં ફરી લોકસભાની ચૂંટણીઓ. 2032માં ફરી ગુજરાતની ચૂંટણીઓ અને 2034માં ફરી લોકસભાની ચૂંટણીઓ. આમ 2036માં અમદાવાદમાં યોજાનાર સંભવિત ઓલ્મ્પિક ગેમનાા ઉદ્ઘાટનમાં તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને 2034માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં જીતનાર પાર્ટીના વડાપ્રધાન હાજર રહેશે,…!! ક્યા પક્ષના મુખ્યમંત્રી હશે અને ક્યા પક્ષના વડાપ્રધાન હશે…એની કલ્પના આરામથી ચા કે કોફી પીતા પીતા કરી શકો અને એ વખતનું એટલે કે 16 વર્ષ પછીનું અમદાવાદ કેવુ હશે…?!

અમદાવાદ અને અમદાવાદવાસીઓ, થઇ જાવ તૈયાર..2036માં એથેન્સથી અમદાવાદ આવી પહોંચશે ઓલ્મ્પિક ગેમની મશાલ જ્યોત…!! હે વિશ્વ રમતવીરો….સ્વાગત છે તમારૂ અમદાવાદમાં…સુસ્વાગતમ..!!

 134 ,  1