ઓમ બિરલાએ સંભાળ્યો લોકસભા સ્પીકર તરીકેનો પદભાર

રાજસ્થાનના કોટાથી સાંસદ રહી ચુકેલા ઓમ બિરલા આજથી લોકસભાના સ્પીકર તરીકેનો પદભાર સંભાળશે. પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમારે નવા સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂકયો. કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ વડાપ્રધાન મોદીના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું અને 17મી લોકસભાના સ્પીકર તરીકે તેઓ નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા. આ પહેલા સુમિત્રા મહાજને ગૃહમાં સ્પીકર તરીકે સેવા આપી હતી.

વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવતા જણાવ્યું, “તેઓ હસે છે એકદમ ધીમેથી. અને તેઓ બોલે છે તે પણ ધીમેથી. આથી ગૃહમાં કયારેક-કયારેક ડર લાગે છે તેમની નમ્રતા અને વિવેકનો કોઇ દુરૂઉપયોગ ના કરી લે.”

ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં વિનાશકારી ભૂકંપમાં બિરલાએ પ્રભાવિત લોકોને રાહત પહોંચાડવા માટે ડૉકટરની સાથે 100 સભ્યોની ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમ્યાન સતત 10 દિવસ સુધી તેમણે લોકોને ભોજન અને દવાઓ પહોંચાડી હતી. તદઉપરાંત બારાં જિલ્લામાં સહરિયા જનજાતિના બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે પણ તેમણે મિશન ચલાવ્યું હતું. 

 19 ,  1