ગ્રાહકે ઓર્ડર કેન્સલ કર્યો, જવાબ મળ્યો- અન્નનો ધર્મ નથી હોતો

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો સાથે ફરી એકવાર ધર્મ સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. એક ગ્રાહકે ઝોમેટોના ડિલિવરી બોય પાસે એટલે ફૂડ ઓર્ડર ના લીધો કારણ કે તે મુસ્લિમ હતો. પરંતુ ઝોમેટોએ એ ગ્રાહકને જડબાતોડ જવાબ આપ્યો. ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે કહ્યું કે અન્નનો કોઈ ધર્મ નથી હોતો, ભોજન ખુદ એક ધર્મ છે.

હકીકતમાં મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી અમિત શુક્લએ મંગળવારે ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો હતો. તેણે ટિ્વટ કરી કે “ડિલિવરી બોય મુસ્લિમ હોવાથી મેં ઝોમેટો રાઈડર બદલવા કે ઓર્ડર કેન્સલ કરવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ તેમણે કહ્યું કે, તેઓ રાઈડર બદલી નહીં શકે અને પૈસા પણ રિફંડ નહીં કરી શકે. મેં કહ્યું- તમે ડિલિવરી માટે મારા પર દબાણ ના કરી શકો. મારે રિફંડ જોઈશે. હવે હું આ ફૂડ કેન્સલ કરવા માંગુ છું.”

આ મુદ્દે કસ્ટમર કેરમાંથી જવાબ મળ્યો કે ઓર્ડર કેન્સલ કરવા પર રૂ. 237 કપાઈ જશે. પછી કહ્યું કે ઝોમેટો ધર્મ-જાતિના આધારે કોઈ સાથે ભેદભાવ નથી કરતું. આશા છે તમે આ વાત સમજી ગયા હશો. ત્યાર પછી દીપિન્દર ગોયલે પણ ટિ્વટ કરીને કહ્યું કે ભારતીય હોવા પર અમને ગર્વ છે. અમારા ગ્રાહકો અને સાથીદારોમાં વૈવિધ્ય છે. અમને અમારો બિઝનેસ ગુમાવી દેવાનો ડર નથી. અમે અમારા સિદ્ધાંતો સાથે કોઈ સમાધાન ના કરી શકીએ. ઝોમેટોની આ પ્રતિક્રિયાઓના ટિ્વટર પર ખૂબ જ વખાણ થયા.

ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે ટિ્વટ કરીને પોતાના કસ્ટમર કેર ટીમની સરાહના કરતા કહ્યું કે મને આશા છે કે તમે તમારાં મૂલ્યોને જાળવી રાખશો અને ધર્મ-જાતિના આધારે ભેદભાવ નહીં કરીને તમારી ટીમ આ જ રીતે પોતાની જવાબદારી નિભાવતી રહેશે. આ મુદ્દે પૂર્વ ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ ટિ્વટ કરીને કહ્યું કે, દીપિન્દર ગોયલને સલામ. તમે ભારતનો અસલી ચહેરો છો. તમારા પર ગર્વ છે

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી