એક કરોડ જિતનારને તેના સંતાનના શિક્ષણ માટે 5 લાખ આપવા જોઇએ.., ? આ સવાલ કેબીસીનો નથી..!

12મા સિઝનમાં એક કરોડ જિતનાર ફાતિમા નામની મહિલાને કોઇ વેદાંતા દ્વારા 5 લાખ અપાયા..

સ્વાભાવિક છે કે એક કરોડ જીતનાર પોતાના બાળકને સારામાં સારૂ શિક્ષણ આપી જ શકે….

કેબીસીની ખાસિયત- મહિલાઓ સૌથી વધુ કરોડપતિ બની….!!

જાણો..કોણે કેબીસીમાં જીત્યા હતા 5 કરોડ….?

કપિલ શર્માના શોમાં હાસ્યની છોળો ઉડાડે છે-કૈ ભઈલા કરોડપતિ…..

(નેટ ડાકિયા ખાસ અહેવાલ)

સોની ટીવી પર હાસ્ય કલાકાર કપિલ શર્માના શોમાં કૌન બનેગા કરોડપતિ( ભોજપુરીમાં- કૈ ભઇલા કરોડપતિ) દ્વારા કેબીસીની હળવા અંદાજમાં હાસ્યની છોળો વચ્ચે મજાક ઉડાડવામાં આવે છે. કેબીસી ઉપરાંત હવે કોર્ટના દ્રશ્યો દ્વારા હાસ્ય રસ પીરસવામાં આવે છે, કપિલ શર્માના શોમાં ભલે કેબીસી હાસ્યનું માધ્યમ બન્યું હોય પરંતુ અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ બનીને યોજાતા આ કાર્યક્રમે ઘણાં લોકોનું જીવન બદલી નાંખ્યું છે.

હાલમાં પણ કેબીસીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે સીઝન-12 તરીકે ઓળખાય છે અને આ સીઝનમાં પણ રોજેરોજ સ્પર્ધકો કરોડપતિ નહીં તો લખપતિ તો ચોક્કસ બની રહ્યાં છે. કેબીસીના હાલના સીઝન-12માં પ્રથમ કરોડપતિ બનનાર મહિલા સ્પર્ધકનું નામ છે ફિરોઝ ફાતિમા. તે યુપીના સહરાનપુરમાં રહે છે. તેનું બાળક અંગ્રેજી મિડિયમમાં ભણે છે. એક કરોડ જીત્યા બાદ સોની ટીવીએ તેના બાળક સાથે તેની વાત કરાવી અને હોસ્ટ બચ્ચને પણ વાત કરી ત્યારે તે અંગ્રેજીમાં વાતચીત કરી રહ્યો હતો.

એક કરોડની રકમ ફાતિમાના ખાતામાં ઓનલાઇન તરત જ ટ્રાન્સફર કર્યા બાદ હોસ્ટ તરીકે અમિતાભે ફાતિમાને કહ્યું કે વેદાંતા દ્વારા તેના સંતાનના ભણતર માટે 5 લાખ રૂપિયા પણ આપવામાં આવે છે. આ સાંભળીને ઘણાંના મનમાં એમ થયું કે જે એક કરોડની જંગી રકમ જીતી હોય તે પોતાના સંતાનને સારામાં સારી સ્કુલમાં સારૂ ભણતર આપવા આર્થિક રીતે સક્ષમ છે, ત્યારે વેદાંતા દ્વારા તેના સંતાનને 5 લાખની સહાય શા માટે આપવામાં આવી…?

એક કરોડ જીતનારને આપવાને બદલે કોઇ બીજા અને જેની આર્થિક હાલત ખરેખર સારી નથી તેને અથવા સમાજમાં એવા પરિવારના સંતાનોને આપ્યા હોત તો….? બની શકે કે વેદાંતા દ્વારા સામાજિક સેવાના આ પ્રકારના સદકાર્યો ચાલતા જ હશે. પરંતુ એક કરોડ જીતનારને પાંચ લાખ આપીને વેદાંતાએ વધુ પડતી ઉદારતા તો બતાવી નથી ને…એવો સવાલ પણ થઇ શકે. અને એ સવાલો કાંઇ કેબીસીમાં આવવાના નથી પણ સામાજિક ક્ષેત્રે આ સવાલ ચર્ચાઇ રહ્યો છે….

બની શકે કે વેદાંતાએ એવી પોલીસી બનાવી હોય કે કેબીસીમાં એક કરોડ જીતનારને તેના બાળકના સારા શિક્ષણ માટે સહાય આપવી. વેદાંતાએ આ જ સિઝનમાં બીજા સ્પર્ધકને પણ તેના બાળકના ભણતર માટે સહાય આપી અને રંગ વેચનાર એક કંપનીએ જીતનારના ઘરને પોતાના રંગોથી રંગી આપવાની જાહેરાત પણ કરી. નાના પાટેકરના અંદાજમાં માથા ઉપર હાથ મૂકતા મૂકતા કહી શકાય- અચ્છા હૈ…..કીસી કા આશિયાના તો ચમકેંગા….!!

ભારતમાં 3 જુલાઇ, 2000માં સ્ટારપ્લસ પર સૌ પ્રથમવાર કેબીસીની શરૂઆત થઇ જેનું સંચાલન અમિતાભ બચ્ચનને સોંપવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 20 વર્ષમાં 11 સીઝન યોજાયા અને હાલમાં 12મી સિઝનનો હોટ હોટ કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ રાતના 9 વાગે યોજાઇ રહ્યો છે.

20 વર્ષ પહેલા અમિતાભ બચ્ચન કેવો લાગતો હતો જે જોવું હોય તો કેબીસીનો પ્રથમ એપિસોડ નિહાળવો જોઇએ. 20 વર્ષમાં કેટલું પરિવર્તન થયું ચહેરા પર અને નાણાં કોથળી પર…..! કહેવાય છે કે બચ્ચન કેબીસી માટે સપ્તાહમાં કે રોજના 3 કરોડ ફી પેટે લે છે. આ કાર્યક્રમની વિશેષતામાત્રને માત્ર અમિતાભ જ છે એમ જો કહીએ તો યોગ્ય લેખાશે…ઘણાં તો હોટ સીટ પર અમિતાભની સામે બેસવા માટે ભાગ લેતા હોવાનું પણ ઘણાંએ કહ્યું છે.

સને 2000માં કાર્યક્રમ શરૂ થયો ત્યારે શરૂ શરૂમાં ફોન એ ફ્રેન્ડમાં સ્પર્ધકના જે મિત્ર કે સગાને ફોન કરવામાં આવતો ત્યારે સામેવાળા અમિતાભનો અવાજ સાંભળીને આશ્ચર્યથી ઉછળી પડતા હતા..ઘણાં તો વિશ્વાસ જ નહોતા કરતાં કે ખરેખર અમિતાભ બચ્ચન સામે છેડેથી બોલી રહ્યો છે….! આ કાર્યક્રમ નિહાળનાર કહે છે કે એક સિઝનમાં એક મહિલાને હોટ સીટ પર બેસી ત્યારે તે એ માનવા જ તૈયાર નહોતી કે તેમની સામે ખરેખર અમિતાભ બચ્ચન જ છે…..!!

ભારતને આત્મનિર્ભર બનાવવાના સરકારી કાર્યક્રમો ચાલી રહ્યાં છે ત્યારે કેબીસીમાં પણ રોજે રોજ કમ સે કમ સરેરાશ એક લાખ જીતીને કેટલાય સ્પર્ધકો લખપતિ બનીને આત્મનિર્ભર થયા છે….!! જો કે હલના સીઝન-12માં એક જ સપ્તાહમાં બે કરોડપતિ બન્યા અને યોગાનુયોગ બન્ને મહિલાઓ જ છે. સહરાનપુરની મહિલા એક કરોડ જીત્યા બાદ આઇપીએસ મહિલા અધિકારી મોહિત શર્મા પણ એક કરોડ જીતીને કરોડપતિ બની છે.

કેબીસીની એક ખાસિયત એ બની છે કે આ કાર્યક્રમમાં કુલ 6 મહિલાઓ કરોડપતિ બની છે અને કેબીસી-6માં 5 કરોડ જીતનાર હતી ચંદીગઢની સનમીતકૌર…,5 કરોડ જીતનાર તેઓ પ્રથમ મહિલા બની હતી. તે પછી હાઇએસ્ટ રકમ 7 કરોડ કરવામાં આવી છે. 7 કરોડ સુધી બે મહિલાઓ પહોંચી પણ તેનો જવાબ આપી શકી નથી.

કેબીસીમાં કઇ કઇ મહિલાઓ કરોડપતિ બની તેના પર નજર નાંખીએ…

યુપીના સહરાનપુરની ફિરોઝ ફાતિમા સીઝન-12માં પ્રથમ કરોડપતિ બની છે.

કેબીસી-6માં 5 કરોડ જીતનાર હતી ચંદીગઢની સનમીતકૌર.. તે માત્ર ધો.12 પાસ હતી.

2010ના ચોથા સિઝનમાં રાહત તસ્લીમ પ્રથમ મહિલા સ્પર્ધક હતી જેણે 1 કરોડ જીત્યા હતા.

11મા સીઝનમાં મહારાષ્ટ્રની બબિતા તાવડે પ્રથમ કરોડપતિ બની, જે શાળામાં મધ્યાહન ભોજન બનાવવાનું કામ કરતી હતી. અને તેને મહિને માત્ર 1500 રૂનું મહેનતાણુ મળતું હતું.

સીઝન-10માં આસામની વિનિતા જૈન 2 ઓક્ટોબરના રોજ કરોડપતિ બની જે વ્યવસાયે શિક્ષિકા છે.

કેબીસી-9માં ઝારખંડ-જમશેદપુરની અનામિકા મજમૂદાર કરોડપતિ બની હતી.

12મા સિઝનમાં ફાતિમા ઉપરાંત મોહિત શર્મા કરોડપતિ બની છે.

11 સીઝનમાં પાંચ મહિલાઓ કરોડપતિ બની અને 12મા સિઝનમાં ઉપરા ઉપરી બે મહિલાઓ કરોડપતિ બની. 12મા સિઝનના કાર્યક્રમો હાલ ચાલી રહ્યાં છે. જેમાં હજુ બીજા પણ કરોડપતિ બની શકે તેમ છે.

-દિનેશ રાજપૂત

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર