એક પરિવાર- બે સંતાનો- એક અબજોમાં રમે એક નાદારીમાં ભમે..

અનિલ અંબાણી મુકેશની જેમ કેમ સફળ ન થયા..?

નશીબે સાથ ન આપ્યો કે રાહુલે બગાડ્યુ..?

સફળ ગુજરાતી બિઝનેસમેનના સંતાન નિષ્ફળ કેમ…?

અનિલની એક પછી એક કંપનીઓ વેચાઇ રહી છે…

અનિલે કોઇ સારા જયોતિષને બતાવવુ જોઇએ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

28 ડિસેમ્બર ધીરૂભાઇ હિરાચંદ અંબાણીનો જન્મદિન. 28 ડિસે. 1932માં ગુજરાતના ચોરવાડમાં જન્મેલા ધીરૂભાઇ અંબાણીનું નિધન 6 જુલાઇ 2002ના રોજ થયું. તેમના જન્મદિને અને પુણ્યતિથિએ તેમના પરિવારજનો તેમને યાદ કરે તે સ્વાભાવિક છે. શક્ય છે કે 28 ડિસે.2021ના રોજ ધીરૂભાઇના પરિવારજનો જામનગર અથવા મુંબઇમાં એકત્ર થાય અને બે ભાઇઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી એકબીજાને મળીને પોતાના પ્રેમાળ પિતા સાથે વિતાવેલા વર્ષો યાદ કરે. તેઓ મળશે કે નહીં એ તેમનો વિષય છે પણ તેમના પરિવારમાં અનિલ અંબાણી ફરી એકવાર ચર્ચામાં છે. ચર્ચા એ છે કે આખરે અનિલ અંબાણી સાથે એવુ તે શું બન્યુ કે તેઓ બિઝનેસમાં કેમ સફળ ના થયા…?

કહેવાય છે કે ધીરૂભાઇ પોતે બિઝનેસની એક હરતી ફરતી યુનિ. સમાન હતા. રૂપિયા અને અઢળક રૂપિયા કઇ રીતે પોતે અને પોતાની સાથેના લાખો શેરહોલ્ડરોને કમાવી આપવા તેમાં તેઓ ખૂબ હોંશિયાર હતા. જે તે સરકારની સાથે સારા સંબંધોનો વારસો મુકેશ અંબાણીએ બરોબર જાળવી રાખ્યો અને આગળ વધાર્યો. પણ અનિલ અંબાણી કેમ એવુ ના કરી શક્યા…? બન્ને ભાઇઓને પિતા દ્વારા બિઝનેસની તાલીમ એક સરખી મળી હશે એમ માની લેવુ પડે. પણ આજે બજારમાં સ્થિતિ એવી છે કે મુકેશ અંબાણી નવી નવી કંપનીઓ ખરીદી રહ્યાં છે અને એ જ પરિવારના અન્ય ભાઇની કંપનીઓ નાદારી નોંધાવીને વેચાઇ રહી છે….!! માતા કોકિલાબેનને અનિલ ઉપર વધારે પ્રેમ છે અને તેથી જ્યારે અનિલને કોઇને ચુકવણુ કરવાના એક કેસમાં જેલ જવાનો વારો આવ્યો એટલે મુકેશને કહીને માતાએ અનિલને લગભગ 400 કરોડની મદદ અપાવી હતી.

એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીના ભાઇ અનિલે જ્યારે કોર્ટમાં એફિડેવિટ કરીને કાયદેસરની પોતાની નાદારી નોંધાવી ત્યારે દેખીતી રીતે જ મુકેશને અને તેમના પરિવારને ભારે દુખ થયુ જ હશે…કેમ કે તેમાં માત્ર અનિલની જ નહીં પણ ધીરૂભાઇની આબરૂને પણ સહન કરવુ પડ્યુ હશે. અબજોપતિ પિતાના બે સંતાનો પૈકી એક સફળ અને ધનવાન થતા જાય તો બીજા નાદાર થતો જાય તો તેને કર્મકુડળી કે નસીબની બલિહારી કહેવી કે કુદરત કા કરિશમા કહી શકાય..? કોઇ ચિત્રપટની કથા સમાન બની રહ્યુ હોય તેમ અનિલની વધુ એક કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરીંગ 2700 કરોડમાં વેચાઇ ગઇ…લેનાર છે નિખિલ મર્ચન્ટ અને અન્યો.

અનિલની માલિકી રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગને 8,000 કરોડ રૂપિયાની લોન ચૂકવણીમાં ડિફોલ્ટ થવા બદલ ડેટ રિઝોલ્યુશન માટે મોકલવામાં આવી હતી. સોદા સાથે સંકળાયેલા એક ધિરાણકર્તાનુ માનવુ હતું કે જો કંપનીએ ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને ઓએનજીસી તરફથી ઓર્ડર પૂરા કર્યા હોત તો દેવું ઓછું થઈ શક્યું હોત…. ઓર્ડરો કેમ પૂરા ના થયા…એ તે અનિલ અંબાણી જાણે. પણ મિડિયા દ્વારા જગ આખાને જાણ થઇ કે અનિલની વધુ એક કંપની ગઇ…!

નિખિલ મર્ચન્ટ અને અન્યોએ ભેગા મળીને અનિલની દેવાદાર કંપનીનો હાથ ઝાલ્યો તે પહેલા લોન ડિફોલ્ટ, ઉંચુ દેવુ અને નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને વધુ એક ફટકો પડ્યો હતો… ભારતીય રિઝર્વ બેંકે અનિલની કંપની રિલાયન્સ કેપિટલના બોર્ડને ભંગ કરીને પોતાના હસ્તક લઇ લીધી. કેમ કે અનિલની અન્ય કેટલીક કંપનીઓની જેમ રિલાયન્સ કેપિટલ તેના ક્રેડિટર્સને અનેક પ્રસંગોએ લોનના હપ્તાઓ ચૂકવવામાં ડિફોલ્ટ થઇ અને છેવટે રિઝર્વ બેંકે અનિલની આ કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સનુ જ વિસર્જન કરી નાંખીને પોતાના હાથમાં કારોબાર લઇ લીધો..

સેન્ટ્રલ બેંકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અંગે એવી નોંધ લીધી-આરબીઆઇને રિલાયન્સ કેપિટલમાં કોર્પોરેટ ગવર્નન્સમાં પણ ખામીઓ જોવા મળી..કંપનીનું બોર્ડ હટાવી લીધું છે અને તેની તમામ સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી છે કેમ કે કંપનીનું બોર્ડ તેની સામે આવી રહેલી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સક્ષમ નથી…

અનિલની અન્ય એક કંપની રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (આરસીએફ)ના ધિરાણકર્તાઓએ કંપની માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી અને ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને સફળ બિડર્સ તરીકે પસંદ કરવામાં આવી.ઓથમ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા લગભગ 1600 કરોડ રૂપિયામાં રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સનું અધિગ્રહણ થવાની સંભાવના છે. રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ એ દેવાના ડુંગર તળે દબાયેલી અનિલ અંબાણી દ્વારા પ્રમોટેડ રિલાયન્સ ગ્રૂપની રિલાયન્સ કેપિટલ લિમિટેડની કંપની છે પાછલા મહિને બેન્ક ઓફ બરોડાની આગેવાનીમાં ધિરાણકર્તાઓના એક સમૂહે રિઝોલ્યુશન પ્રોસેસ ભાગરૂપે રિલાયન્સ હોમ ફાઇનાન્સનું અધિગ્રહણ કરવા માટે ઓથમના પ્રસ્તાવને મંજૂરી આપી.

એક રીતે જોઇએ તો અનિલ અંબાણીની એક પછી એક કંપનીઓ કાં તો નાદાર જાહેર થઇ રહી છે કાં તો બીજા ધનપતિઓ લઇ રહ્યાં છે. 2018-19માં ફ્રાન્સના લડાકૂ રફાલ વિમાનના સોદામાં અનિલને બે પૈસા મળ્યા ન મળ્યા અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી સભાઓમાં અનિલની એવી બદનામી કરી કે પહેલી વાર જાહેર જનતાને જાણ થઇ કે અનિલ અંબાણીના માથે 40 હજાર કરોડનું દેવુ છે…!! કોઇ માનવા જ તૈયાર નહોતા…હોતુ હશે…અંબાણી પરિવાર છે…એવુ બને જ નહીં…ઉપરથી રાહુલ બાંયો ચઢાવીને બોલ બોલ કરે- દેખો ભૈયા…અનિલ કર્જદાર હૈ ઔર જિસે વિમાન કે બારે મેં કીસી ભી પ્રકાર કા કોઇ ભી તજુર્બા નહીં હૈ ભારત સરકારને ઉસે કૈસે રફાલ કા કામ દે દિયા…એવા પ્રહારો કરી કરીને રાહુલે બની શકે કે અનિલનો બિઝનેસનો નૈતિક જુસ્સો અને મનોબળ તોડી નાખ્યું હોય..!

આ વાતમાં ઘણાંને તર્ક એટલે લાગતુ હશે કેમ કે અનિલની આર્થિક સ્થિતિ અંગે જે વાત મુઠ્ઠીભર લોકો જાણતા હતા તે રાહુલે દિવસો સુધી દરેક ચૂંટણી સભાઓમાં ગાજી ગાજીને જણાવી દીધી… અને એ પછી નાદારીનો રેલો શરૂ થયો…આ રેલો ક્યાં જઇને અટકશે….એ તો કાં તો અનિલ જાણે…કાં તો ધિરાણ આપનારી બેંકો જાણે….અને કાં તો તેમની કંપનીઓને લેવા માટે લાઇનમાં ઉભેલા નિખિલ મર્ચન્ટ જેવા પહેલીવાર જાહેરમાં આવેલા મહાનુભાવો જાણે..

બિઝનેસ ક્ષેત્રે ભારતનું એક સન્માનીય પરિવાર…લાખો-કરોડોનો જનાધાર…સન્માનીય પરિવારમાં એક પિતાના બે હોનહાર સંતાનો…એક સાથે બિઝનેસની આંટીઘૂંટીના ઘૂંટડા પીતા પીતા મોટા થયા… એક અબજોમાં રમે અને એક નાદારીમાં ભમે..! તે જોઇને એટલુ તો કોઇ કહી શકે કે- અનિલે કોઇ સારા રાજકારણી કે જ્યોતિષી પાસે હાથ જોવડાવવુ જોઇએ…અને પૂછવુ જોઇએ- બોલ મેરી તકદીર મેં ક્યા હૈ…યે ભી કબ તક…????

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી