મોંઘવારીનો વઘુ એક માર, LPG સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો

દિલ્હીમાં રાંધણ ગેસના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો ઝીંકાયો

ભારતમાં એકબાજુ પ્રજા કોરોના વાઈરસના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યાં બીજી બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે જેના પગલે પ્રજા ઉપર પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલેથી જ આભને આંબી રહ્યા છે ત્યારે હવે સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવ પણ વધાર્યા છે પરિણામે દેશની રાજધાની દિલ્હીમાં આજથી 14.2 કિલોગ્રામવાળો સિલિન્ડર 809 રૂપિયાની બદલે 834.50 રૂપિયામાં મળશે એટલે કે સીધો 25.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ અગાઉ 1 મેના રોજ ગેસ કંપનીઓએ રાંધણ ગેસના ભાવામાં કોઈ ફેરફાર કર્યો નહતો. તે પહેલા એપ્રિલમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા.

આર્થિક રાજધાની મુંબઈમાં પણ 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરોનો ભાવ હવે 834.50 રૂપિયા છે. જ્યારે અત્યાર સુધી 809 રૂપિયા હતો. કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો ભાવ 835.50 રૂપિયાથી વધીને 861 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી 850.50 થયો છે. ગઈ કાલ સુધી 825 રૂપિયા હતો. ઉત્તર પ્રદેશના લખનઉમાં એલપીજી સિલિન્ડર માટે તમારે 872.50 રૂપિયા આપવા પડશે. ગુજરાતમાં અમદાવાદમાં એલપીજી સિલિન્ડરના આજથી 841.50 રૂપિયા ચૂકવવા પડશે.

 58 ,  1