એક કહે છે- હમ દો હમારે દો..બીજા કહે- હમ દો હમારે દસ…! કરવુ શું..?

યુ.કે.ના સીએમ ઉવાચ- વધુ બાળકો હશે વધુ રાશન મળશે..!

આસામના સીએમ- વધુ બાળકો હશે તો સરકારી લાભ નોય..!

કોંગ્રેસ જાણે છે -લાલ ત્રિકોણ પરિવાર નિયોજનનું પછી શું થયું..!

યુવાધન ઘટતા ચીને કહ્યું- 3 સુધી પેદા કરો, નો પ્રોબ્લમ..

અમુક દેશો વધુ બાળકો પેદા કરવા આપે છે પ્રોત્સાહનો…

જાપાનમાં ચોથા બાળક માટે 10 લાખ યુરોનું ઇનામ..!ચલો..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ચીનમાં હમણાં સરકારે પરિવાર નિયોજનની નીતિમાં ફેરફાર કર્યો. ચીને તેમના નાગરિકોને 3 બાળકો પેદા કરવાની મંજૂરી આપી. પહેલા એક બાળકની મંજૂરી હતી. પછી બે બાળકોની અને હવે વૃધ્ધોની સંખ્યામાં વધારો અને યુવાનોની અછતને જોતાં ચીને નાગરિકોને કહ્યું-ઓકે…ચલો ત્રણ સુધી…! ચીનની વસ્તી અંદાજે 145 કરોડની છે. ચીન પછી વસ્તી વધારામાં ભારે શરમાળ સ્વભાવના એવા ભારતનો નંબર છે…! 130 કરોડની વસ્તી છે ભારતની. અને તેમાં વધારો થઇ રહ્યો છે. કેમ કે ભારતમાં ચીન જેવા કોઇ નિયંત્રણો નથી.

અગાઉ નાનુ કુટુંબ સુખી કુટુંબનો નારો હતો અને તેનો સરકાર દ્વારા પ્રચાર કરાતો. પરિવાર નિયોજન માટે સરકારો રોકડ સહિતના પ્રોત્સાહનો આપતી. તે વખતે 200 રૂપિયા મળતા હતા. 1975ની ઇન્દિરા ગાંધી પ્રેરિત કટોકટીમાં તેમના પુત્ર સંજય ગાંધીએ દિલ્હીમાં ચોક્કસ કોમના લોકોમાં પરિવાર નિયોજનનો બળપૂર્વક અમલ કરાવવાની શરૂઆત કરી. પકડી પકડીને ઓપરેશનો થવા લાગ્યા. એકવાર ઓપરેશન થઇ ગયુ એટલે સંતાનપ્રાપ્તિ પર કાયમ માટે રોક… ભાગદોડ મચી ગઇ. પુરૂષો દિલ્હી છોડીને ભાગી ગયા. હાહાકાર મચી ગયો હતો ચોક્કસ કોમમાં. અને છેવટે ચૂંટણીમાં હાર બાદ કોઇ સરકારે કે સરકારોએ પરિવાર નિયોજનના અમલ પર હાથ અજમાવ્યો નથી. તે પછી પરિવાર નિયોજન- ફોમિલી પ્લાનિંગ નામ બદલીને પરિવાર કલ્યાણ નામ થઇ ગયું…

વસ્તી વધારો રોકો….ની નીતિ આગ સમાન છે. તેમાં દાઝવાનું જ છે એ રાજકિય નેતાઓ જાણે છે તેમ છતાં તેના વિશે સલાહો સુચનો થયા કરે છે. જેમ કે ઉત્તરાખંડ-યુકેના ભાજપ સરકારના સીએમ તિરથસિંગ રાવત. તેમનુ પેલુ નિવેદન તો મહિલાઓને યાદ જ રહી ગયું છે કે ફાટેલી જિન્સ પહેરનાર મહિલાઓ પોતાના સંતાનોને કેવા સંસ્કારો આપશે..! તે પછી તેમણે 22 માર્ચ 2021ના રોજ જાહેર કાર્યક્રમમાં, ઓછા બાળ ધરાવનાર બહુમતિ સમાજને સલાહ આપી કે જો તમારે વધારે સરકારી રાશન મેળવવુ હોય તો વધારે બાળકો પેદા કરો. બે બાળકો હશે તો 10 કિ.ગ્રા. અનાજ મળશે. જેમને 10 બળકો છે તેઓ 50 કિલો અનાજ લઇ જશે 20 બાળકો હશે તો એક ક્વીન્ટલ અનાજનો જથ્થો લઇ જશે. અને જેમને બે બાળકો છે અને 10 કિલો અનાજ મેળવે છે તેમને એ 10 બાળકવાળા પરિવારની ઇર્ષ્યા થશે. પણ તેના માટે કોને દોષ કાઢીએ..? જ્યારે સમય હતો ત્યારે તમે બે જ બાળકો પેદા કર્યા…, 20 કેમ પેદા ના કર્યા…?!

આસામના ભાજપ સરકારના નવા નિમાયેલા સીએમ હિમંતા વિશ્વા સર્માએ લઘુમતિ સમાજનું નામ લઇને જાહેરમાં કહ્યું કે આસામમાં તમારી વસ્તી ઘટાડો. અને હમ દો હમારે દો…ની પરિવાર કલ્યાણની નીતિ અપનાવો નહીંતર કેટલીક સરકારી યોજનાઓનો લાભ નોય મળે…! નોંધનીય છે કે આસામમાં બહારથી આવેલા વસાહતી લઘુમંતિઓની સંખ્યા વધારે છે. તેમણે આખા આસામમાં બે બાળકોની નીતિ અમલમાં મૂકવાની જાહેરાત પણ કરી છે.

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે લાયકાતના નવા ધોરણો 2005માં અમલમાં મૂકાયા. જેમાં બેથી વધારે બાળકો હોય તો ગેરલાયક ઠરે. રાજકિય પક્ષો પણ બે બાળકો વાળા ધરાવનાર ઉમેદવારને જ ટિકિટ આપે. નહીંતર ઉમેદવારી રદ્દ થાય. જો કે .કેટલાક વળી ત્રીજુ સંતાન હોય તો તેને દત્તક બતાવી દે અથવા ઉમેદવારીપત્રમાં દર્શાવે જ નહીં..એવા પણ કિસ્સા બન્યા છે. ચૂંટણી લડવી હોય તો હમ દો હમારે દો..પરિવાર કલ્યાણની નીતિ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સહિતના રાજકિય પક્ષોના કાર્યકરો અપનાવી રહ્યાં છે. શું તેને પરોક્ષ પરિવાર નિયોજન કહી શકાય..?.

વસ્તી વધારો ભારત સહિત એક વૈશ્વિક સમસ્યા છે. પણ મીઠી ગુજરાતી ભાષા બોલનારા પારસી સમાજમાં તેનાથી ઉલટુ છે. પારસી સમાજમાં વધુ બાળકો પેદા કરવા વિવિધ પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે….! વર્ષો પહેલા ઇરાનથી ગુજરાત આવીને મુંબઇ અને અન્યત્ર વસેલા પારસી સમાજમાં વસ્તી ઘટી રહી છે. ખૂબ ઓછા પારસી યુવાનો લગ્ન કરવામાં માને છે. અને પાછુ પારસી સમાજમાં જ લગ્ન કરવાના. નહીંતર સમાજની બહાર.!

પારસી સમાજની જેમ ફિનલેન્ડ (નોકિયા મોબાઇલ બનાવનાર દેશ), એસ્ટોનિયા, ઇટાલી, જાપાન, અને ઓસ્ટ્રેલિયામાં વધુ બાળકો માટે રોકડ ઇનામો આપવામાં આવે છે…. ફિનલેન્ડના લેસ્ટરીજરવી નામના શહેરમાં 2013 પછી દર વર્ષે માત્ર એક જ બાળક પેદા થયું છે. આ શહેરની નગરપાલિકાએ જાહેરાત કરી છે કે જે પરિવારમાં બાળક પેદા થશે તેમને પ્રત્યેક બાળક દીઠ દસ વર્ષ સુધી 10 હજાર યુરો બેબી બોનસ તરીકે અપાશે..જાપાનમાં નાકાનોશિમા ટાપુના અમા નામના શહેરમાં વધુ બાળક માટે એવી નવતર સ્કીમ અમલમાં મૂકી છે- પહેલા બાળક માટે એક લાખ યેન (940 અમેરિકન ડોલર) અપાશે અને ચોથા બાળક માટે 10 લાખ યેન (9,400 ડોલર) મળશે..! બેરોજગાર યુવાનોએ એવા દેશોમાં નશીબ અજમાવવુ જોઇએ..એક સે ભલે દો…દો સે ભલે ચાર…ચલ મેરે યાર..વીકલી નહીં પણ બારે માસ માલા…માલ…!

 77 ,  1