આરએસએસ અને મોદીની સામે શીખોની ખુલ્લી બગાવત..! ઓય મુંડે યે કી કરા..?

એસજીપીસીનો સંઘ વિરૂધ્ધ ઠરાવ- ખબરદાર હિન્દુ રાષ્ટ્ર બનાવ્યો તો..?

“લઘુમતિઓના અધિકારોનું ઉલ્લંઘન કરીને હન્દુ રાષ્ટ્ર કઇ રીતે બને..?-સવાલ

“નાનકાના સાહિબ માટે મંજૂરી નહીં અને કુંભમેળાને મંજૂરી શા માટે..?”

દુનિયાભરના ગુરૂદ્વારા પર નિયંત્રણ ધરાવનાર સંસ્થાએ તલવાર ઉગામી..!

કિસાન આંદોલનમાં શીખોના અપમાનને લઇને ભાજપ સામે ફરમાન..?

ધાર્મિક ઠરાવ કોથળામાં પાંચ શેરી નહીં પણ ડંકે કી ચોટ પર ખુલ્લો પડકાર..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

1925માં મહારાષ્ટ્રના નાગપુર ખાતે ડો. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા જે સંસ્થાની સ્થાપના થઇ તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-આરએસએસને 4 વર્ષ પછી 2025માં 100 વર્ષ પૂરા થશે. આ સંસ્થાની સ્થાપના અખંડ ભારતના નિર્માણની સાથે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે થઇ છે. હિન્દુ અને હિન્દુત્વ એક એવો વિષય છે કે તેના પર થતી ચર્ચાઓનો કોઇ અંત જ નથી. પરંતુ શીખ ધર્મની સર્વોચ્ચ સંસ્થા-શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટિ(એસજીપીસી)એ આરએસએસની વિરૂધ્ધ જે ઠરાવ પસાર કર્યો છે તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે…અને તેમાં જો ડેમેજ કન્ટ્રોલ નહી થાય તો શીખ સમાજ ફરીથી ભાજપની પડખે ઉભો રહેશે કે કેમ એ તો 2024 અને તે પહેલાં યોજાનાર પંજાબ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો ગવાહી આપશે…!!

પંજાબી એટલે ઓય બલૈ..બલૈ કહીને ભંગડા પાલે નાચગાન-આનંદપ્રમોદ, ખેતરમાં બેસીને પારંપારિક મક્કે દી રોટી અને સરસોંદા સાગનું ભોજન આરોગનાર અને આધુનિક સંગીતના તાલે થીરક..થીરક..ઝુમનાર છતાં હાથમાં તલવાર સાથેની ભારતની સૌથી બહાદુર કોમ છે. અત્યાચારી-દુરાચારી અને ક્રૂર મોગલોનો સામનો કરવા શીખ ધર્મની સ્થાપના થઇ હતી. ધર્મ માટે, કોમ માટે અને દેશ માટે બલિદાન આપવામાં શીખોનો કોઇ જોટો નથી. તેમની બહાદૂરીના કિસ્સાઓથી ભારતનો ઇતિહાસ ભરેલો છે. 1984માં તેમનાં ધર્મનું અપમાન કરનારાઓના કેવા હાલ થયાં તે ઇતિહાસ પણ કાંઇ જુનો નથી. ભારતમાં સરકારી ચોપડે શીખ ધર્મ ધાર્મિક રીતે મુસ્લિમોની જેમ લઘુમતિ સમુદાયમાં આવે છે.

હજુ 26 નવેમ્બર,2020 પહેલા સુધી શીખ સમાજ ભાજપની સાથે હતું. શિરોમણી અકાલી દળ ભાજપની સાથે હતું અને એનડીએ સરકારમાં તેમના મંત્રી બિરાજતા હતા. પણ ગયા વર્ષે જૂન-જુલાઇમાં એનડીએ સરકારે ખેડૂતોના ભલા માટે 3 વિવાદી કૃષિ કાયદાઓ પસાર કર્યા અને ખેલા હોબે…ની જેમ જે ખેલ શરૂ થયો તેમાં એનડીએમાંથી શિરોમણી અકાલી દળના મહિલા મંત્રી નિકળી ગયા. પહેલાં પંજાબમાં ત્યારબાદ દિલ્હીની બોર્ડરો પર કૃષિ કાયદાની સામે શરૂ થયેલા કિસાન આંદોલને એક પછી એક એવા વળાંકો લીધા કે શીખ ધર્મની સર્વોચ્ચ સંસ્થા એસજીપીસીએ ભાજપની માતૃસંસ્થા આરએસસેસ પર નિશાન લગાવ્યું છે….

શીખોના મુખ્ય મથક અમૃતસરમાં એસજીપીસીની બેઠક મળી. આધુનિક વિચારશરણી ધરાવનાર આ સંસ્થાના પ્રમુખ છે એક મહિલા. નામ છે-બીબી જાગીર કૌર.તેમના અધ્યક્ષસ્થાને ઠરાવ પસાર કરાયો- આરએસએસ ભારતના લધુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન કરીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. જે લઘુમતિ સમુદાયના અધિકારોની વિરૂધ્ધ છે. ઠરાવમાં કેન્દ્ર સરકારને પણ તાકીદ કરાઇ કે સરકાર આરએસએસના હિન્દુ ધર્મના એજન્ડા પ્રમાણે ના ચાલે અને દરેક ધર્મની સ્વતંત્રતા અને તેમના બંધારણિય મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે..!! જાણકારોનું માનવુ છે કે સંઘ સામે આવો ઠરાવ શીખ સમાજ દ્વારા કદાજ પહેલીવાર થયો છે.અને તેની દૂરોગામી રાજકિય અસરો ભાજપ પર પડી શકે.

શીખ સમાજને કોંગ્રેસના પંજામાંથી છીનવીને પોતાની તરફ ખેંચનાર આરએસએસ-ભાજપ સરકારની સામે આવો કડક સંદેશો આપતો ઠરાવ શીખ ધર્મની સર્વોચ્ચ સંસ્થાને કેમ કરવો પડ્યો હશે વારૂ..? એક કારણ જે ચર્ચાઇ રહ્યું છે તે એ કે કિસાન આંદોલનમાં શીખ કિસાનોને ખાલિસ્તાની, આતંકવાદી, ટુકડે ટુકડે ગેંગ, દેશવિરોધી ગણાવીને તેમનું અપમાન કરવામાં આવ્યું. 26 જાન્યુ.ની લાલ કિલ્લાની ઘટના પછી પોલીસ કાર્યવાહીથી શીખો નારાજ થયા હશે. અને આટલુ બાકી હોય તેમ કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-21 માં શીખોના એક જથ્થાને પાકિસ્તાનમાં તેમના મહત્વના ધર્મસ્થાન નાનકાના સાહિબની મુલાકાત લેવાની મંજૂરી ના આપી. આવા જથ્થા નિયમિત રીતે પાકિસ્તાનમાં પોતાના ધર્મસ્થાનની મુલાકાત લેતા હોય છે.

કેન્દ્ર સરકારે જ્યારે પાકિસ્તાનમાં કોરોનાની સ્થિતિ-રોગચાળો વગેરેનું કારણ આપીને શીખોના જથ્થાને મંજૂરી ના આપી ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો તૈયાર થઇ ગયો હતો અને કુંભ મેળાને મંજૂરી મળી ગઇ હતી. એસજીપીસીએ,પાકિસ્તાનમાં કોરોનાનું કારણ આગળ ધરીને નાનકાના સાહિબની મંજૂરી નહીં આપનાર કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે અમે તો માત્ર 600 જણાંનો જથ્થો જવા માંગતા હતા, .જ્યારે હિન્દુઓના ધાર્મિક કુંભમેળામાં તો લાખો લોકો એક જ સ્થળે એકત્ર થશે તો શું ત્યાં કોરોનાનું જોખમ નહીં હોય..?!

એસજીપીસીએ એક અન્ય ઠરાવમાં નાનકાના સાહિબની મુલાકાતની મંજૂરી નહીં આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બ્રિટીશ હકૂમત અને મોગલોની સાથે સરખાવીને પોતાનો રોષ જાહેર કર્યો છે. એટલુ જ નહીં પણ નાનકાના સાહિબની મંજૂરી નહીં આપવા બદલ કેન્દ્ર સરકાર માફી માંગે એવી લાગણી પણ દર્શાવી છે..!

એસજીપીસીએ આરએસએસ અને ભાજપને ઠરાવ દ્વારા યાદ અપાવ્યું કે આઝાદીની લડાઇમાં અને ભારતની રક્ષા માટે જેટલા બલિદાનો આપવામાં આવ્યાં તેમાંથી 80 ટકા બલિદાનો શીખોએ આપ્યાં છે. પરંતુકમનશીબે આરએસએસના ઇશારે ભારતમાં હિન્દુ રાષ્ટ્ર માટે બીજા ધર્મોને દબાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે…!

ભારતમાં અને વિદેશમાં જેટલા પણ ગુરૂદ્વારા ચાલે છે તેના પર એસજીપીસીનું નિયંત્રણ છે. અને તમામ શીખ ધર્મી ગુરૂદ્વારાની સાથે પારિવારિક રીતે અતૂટ બંધનથી જોડાયેલા અને બંધાયેલા છે. શીખો બધુ ભૂલે પણ ગુરૂદ્વારાની મુલાકાત લેવાનું કદાપિ ના ભૂલે. ગુરૂદ્વારા કમિટિ દ્વારા જે સુચનાઓ અને ફરમાનો થયા હોય તેનું કડક પાલન કરવાનું એટલે કરવાનું જ. નહીંતર…ધર્મની બહાર…!!

દુનિયાભરના શીખ ધર્મ પર નિયંત્રણ ધરાવનાર શક્તિશાળી સંસ્થા એસજીપીસીનો “હિન્દુ રાષ્ટ્ર”ના વિરોધમાં આરએસએસ અને કેન્દ્ર સરકાર સામેનો ધાર્મિક ઠરાવ કોથળામાં પાંચ શેરી નહીં પણ ડંકે કી ચોટ પર ખુલ્લી તલવાર સાથે ખુલ્લી બગાવત કે સિવા ઔર કુછ નહીં..! રાજ કપૂરની ફિલ્મ જાગતે રહો..માં ફિલ્મની અંદર શીખ કેરેક્ટર દ્વારા ગવાયેલું ગીત- તૈકી મૈં ઝુઠ બોલિયા…? કોઇના..તૈકી મૈં જહર ઘોલિયા…? કોઇના ભાઇ કોઇના…ભાઇ કોઇના…ઓ બલૈ..બલૈ….યાં યાહું…યાહું.. યા યાહું…યાહું…..!!

-દિનેશ રાજપૂત

 98 ,  1