વિરોધીઓ ભલે કુતુબમિનાર પરથી પડે..સેન્ટ્રલ વિસ્ટા હો કે રહેંગા..લિખ લો..!

મોદીએ ગુજરાતને સ્વર્ણિમ સંકૂલ સહિત ઘણી બધી ભેટ આપી….

હવે નવી સંસદ-નવો પીએમ હાઉસ-નવુ સચિવાલય અને ઘણુબધુ…

જુની સંસદ ગોળકાર.. નવી સંસદ ત્રિકોણાકાર…ગુણાકાર..

મોદી મંત્ર- છોડો કલ કી સંસદ…કલ કી સંસદ પુરાની…નયે દૌર સે..

2023નું દ્રશ્ય- મોદી સાથી મંત્રીઓ સાથે નવી સંસદમાં પ્રવેશી રહ્યાં છે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશની રાજધાની દિલ્હીનું પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. કહેવાય છે કે એ સમયે તે પાંડવોની રાજધાની હતી. હવે જ્યાં પાંડવો હોય તો કૌરવો પણ હોય અને પાંડવો તથા કૌરવો હોય તો મહાભારત તો હોના હી હોના હૈ…! ઇન્દ્રપ્રસ્થ માટે મહાભારત થયું ત્યારથી દિલ્હી કબ્જે કરવાના પ્રયાસો આજે 21મી સદીમાં લોકશાહીમાં પણ ચાલી રહ્યાં છે. જો કે પહેલા તલવાર- ભાલા-તોપથી રાજધાની દિલ્હી કબ્જે થતી હતી. હવે મતોના સહારે, બહુમંતિના જોરે દિલ્હી કબ્જે કરીને કાશ્મિરથી કન્યાકુમારી અને કચ્છથી કલકત્તા સુધી શાસન કરવામાં આવે છે.

દિલ્હી પર રાજ કરનારા મોગલોએ લાલ કિલ્લો, કુતુબમિનાર વગેરે.નું નિર્માણ કર્યું તો અંગ્રેજોએ દિલ્હીમાં સંસદ ભવન, રાષ્ટ્પતિ ભવન કે જેમાં વાઇસરોય રહેતા હતા તેનું નિર્માણ કરાવ્યું. ભારતમાં રેલવે, તાર-ટપાલ સેવા અંગ્રેજોની ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આધુનિક ભારતને પોતાની સરકાર તરફથી ભેટ આપવા માંગે છે. તેમની સરકારે એક વિશાળ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે પ્રોજેક્ટને સેન્ટ્રલ વિસ્ટા એવું નામ આપવામાં આવ્યું છે. કુલ પ્રોજેક્ટ ખર્ચ અંદાજે 20 હજાર કરોડનો મનાય છે. આ પ્રોજેક્ટમાં નવા સંસદ ભવન, નવા રહેણાંક સંકુલના નિર્માણની કલ્પના છે જેમાં વડા પ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન તેમજ વિવિધ મંત્રાલયની કચેરીઓ માટે અનેક નવી ઓફિસ બિલ્ડિંગો અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવનાર છે. એમ કહી શકાય કે ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રાજપથનો આખો લુક બદલાઇ જશે…..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે ગુજરાતને મહાત્મા મંદિર, નવા સચિવાલયની બાજુમાં વિધાનસભાની અડખેપડખે સ્વર્ણિમ સંકૂલ-1 અને 2નું નિર્માણ કર્યું. જ્યાં હાલમાં સીએમ અને આખી સરકાર બેસે છે. વિધાનસભાના બાહ્ય દેખાવમાં ફેરફાર કરીને ઉપર ડોમ બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પણ એમની જ સરકારની ભેટ છે. અને સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને કેમ કરીને ભૂલાય…! . સીએમમાંથી પીએમ બનેલા મોદી હવે દેશને નવી સંસદ, નવ પીએમ હાઉસ સહિત ઘણુ બધુ નવનિર્માણ કરીને 2024 પહેલાં આ તમામ નિર્માણ કાર્યો પૂરા થાય એવી ગણતરી સાથે ચાલી રહ્યાં છે. 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે.

રાજકિય વિરોધ પક્ષો અને વિરોધીઓ દ્વારા સેન્ટ્રલ વિસ્ટાનો વિરોધ શરૂઆતથી થયો છે અને કોરોના કાળમાં જે વિકટ પરિસ્થિતિ સર્જાઇ તેને ધ્યાનમાં રાખીને વિરોધીઓએ સેન્ટ્રલ વિસ્ટાનું કામ રોકવાના પ્રયાસો તેજ કર્યા છે. મામલો હાઇકોર્ટ, સુપ્રિમં કોર્ટ અને રાહુલ ગાંધીના નિવેદનો દ્વારા જનતાની અદાલતમાં પહોંચ્યો છે.

વિરોધીઓની દલીલ…

દેશ દોઢ વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે અને છેલ્લા એક મહિનામાં કોરોનાની બીજી લહેરે ભારે વિનાશ વેર્યો છે. દેશમાં ઓક્સિજન, વેન્ટિલર સહિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે અછત છે. દેશના સ્મશાનોમાં કોરોના દર્દીઓના શબોના અગ્નિદાહથી આકાશમાં સતત ધૂમાડા થઈ રહ્યા છે. આવા સમયમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા રૂ. ૨૦ હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩ની ડેડલાઈનમાં પૂરો કરવાની ઊતાવળ છે…. એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે રાજપથ પર રીડેવલપમેન્ટ કામની પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરાયું નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ પણ મુલતવી રાખવામાં આવી છે, તેવામાં બાંધકામ પ્રવૃત્તિની મંજૂરી આપી શકાતી નથી

સરકારનો જવાબ…

પર્યાવરણ અને વન્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા સંસદ ભવન વિસ્તારમાં કુલ ૪૦૦થી વધુ વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાયસિના માર્ગ અને રેડ ક્રોસ રોડ પરના ૧૦૦ વર્ષ જૂના જાંબુ અને લીમડાના ઝાડનો સમાવેશ થાય છે. રાયસિના માર્ગ પર જાંબુના ૨૦થી ૨૨ ઝાડ છે, જે ૧૯૨૦માં લુટીયન્સ દિલ્હીની અસલ એડવિન લુટીયન્સ ડિઝાઈનના ભાગરૂપે વાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ વૃક્ષો હવે ૧૦૦ વર્ષ જૂના થઈ ગયા છે અને તેના ટ્રાન્સપ્લાન્ટેશનથી સંભવત: તે બચી શકશે નહીં.

રાષ્ટ્રીય પાટનગરમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત સંસદના નવા પરિસરો, કેન્દ્રીય મંત્રાલયો માટે સરકારી ઇમારતો, ઉપરાષ્ટ્રપતિ માટે નવા એન્ક્લેવ્સ, વડાપ્રધાનના કાર્યાલય અને આવાસોનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં કાર્યરત સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (સીપીડબ્લ્યુડી) એ અંદાજિત ખર્ચ 11,794 કરોડ રૂપિયાથી વધારીને 13,450 કરોડ રૂપિયા કર્યો છે. અપેક્ષા છે કે આ પ્રોજેક્ટ 2022માં પૂર્ણ થશે અને આઝાદીના 75 વર્ષ પૂરા થતાં નવી બિલ્ડિંગમાં સંસદનું સત્ર યોજવામાં આવશે…!

નવી સંસદ ભવનના શિલાન્યાસ પહેલાં મામલો કોર્ટમાં ગયો અને કોર્ટે શરતી મંજૂરી આપી. વડાપ્રધાન મોદીએ 10 ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવન બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. તે અગાઉ 7 ડિસેમ્બરે ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેનો શિલાન્યાસ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી બાંધકામ, તોડફોડ અથવા ઝાડ કાપવા જેવા કોઈ કામ ન થવા જોઈએ.

ફરી મામલો સુપ્રિમમાં પહોંચ્યો અને લંબાણ સુનાવણી બાદ મોદી સરકારને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી. ટોચની અદાલતે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી. ગત સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે સંસદ ભવનના શિલાન્યાસને મંજૂરી આપી અને હવે સમગ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને.. જજ એ.એમ.ખાનવિલકર, જજ દિનેશ મહેશ્વરી અને જજ સંજીવ ખન્નાની ખંડપીઠે 2-1 બહુમતીથી ચૂકાદો આપતાં કહ્યું કે, બેંચ આ યોજના માટે સરકારને મંજૂરી આપી રહી છે.ન્યાયાધીશ ખાનવિલકર અને ન્યાયાધીશ મહેશ્વરીએ 2-1 બહુમતીના નિર્ણયમાં કેન્દ્ર સરકારના ડીડીએ અધિનિયમ હેઠળ પ્રોજેક્ટને સમર્થન આપ્યું . બેંચે સરકારને પ્રદૂષણને પહોંચી વળવા માટે સ્મોગ ટાવર લગાવવા પણ કહ્યું. 2-1ની બહુમતિથી મંજૂરી એટલે કે 3 જજોમાંથી એક જજે તેનો વિરોધ કર્યો હશે, એમ કહી શકાય.

કેવુ હશે નવું સંસદ ભવન…..

નવા સંસદ ભવનમાં લોકસભાનું કદ હાલ કરતા ત્રણ ગણા વધારે હશે. રાજ્યસભાનું કદ પણ વધશે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કુલ, 64,500 ચોરસમીટર વિસ્તારમાં નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે. નવા સંસદ ભવનની ડિઝાઇન એચસીપી ડિઝાઇન પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સંસદનું નવું ભવન વર્ષ 2022માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પ્રસંગે નવા ભારતની જરૂરિયાતો અને આકાંક્ષાઓને અનુરુપ હશે.

હાલમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ઐતિહાસિક રાજપથની બંને બાજુનો રસ્તો ખોદી કાઢવામાં આવ્યો છે. જોકે, અનેક નાગરિકો અને એક્ટિવિસ્ટ ઐતિહાસિક રાજપથની આજુબાજુ ખોદકામનો વિરોધ કરી રહ્યા છે. તેમણે રાજપથ પર ચાલતા ખોદકામના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કર્યા છે.

મોદી સીએમ હતા ત્યારે કહેતા કે તેમના ઉપર જેટલા પત્થરો ફેંકાય છે એમાંથી તેઓ ઉપર ચઢવાની સીડીઓએ બનાવવાના કામમાં લે છે…. સેન્ટ્રલ વિસ્ટા સામે ગમે તેટલો વિરોધ થાય પણ વડાપ્રધાન પોતાના શિડ્યુલમાં જરા પણ ફેરફાર કરવાના મતના નથી.

ગુજરાતની બુલેટ ટ્રેન ભલે મોડી પડશે પણ સેન્ટ્રલ વિસ્ટાની ગાડી સમયસર 2023માં નવી દિલ્હી પહોંચશે અને નવી ત્રિકોણાકાર સંસદમાં વડાપ્રધાન સાથી મંત્રીઓ અને દેશના નામાંકિંતોની સાથે પગરણ માંડી રહ્યાં હશે….! નયા ભારત…નયી સંસદ…નયા પીએમ હાઉસ..બધુ જ નવુ …નવુ…મોદી મંત્ર- છોડો કલ કી સંસદ…કલ કી સંસદ પુરાની…નયે દૌર સે બનાયેગે મિલકર કહાની હમ હિન્દુસ્તાની…હમ હિન્દુસ્તાની..!!

 93 ,  1