‘ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ..’ ધાનાણીનો કટાક્ષ – પક્ષ પલટો કરનાર નેતાઓ પર સાધ્યું નિશાન

ધાનાણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને માર્યો ટોણો

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ચોજાવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પાર્ટી સ્ટાર પ્રચારકો ઉતારીને પ્રચાર કરી રહી છે. હવે જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો આવતો જોવા મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં ગયા બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ટિકિટ પણ આપી છે. ત્યારે આ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો છે.

તેમણે એક ટ્વિટમાં કાર્ટૂન ફોટો શેર કરી કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્યો પર ટોણો માર્યો છે. તેમણે કહ્યું, ગદ્દારો વિરૂધ્ધ, ગુજરાતની લડાઈ. ગાંડો હશે તોય હાલશે પણ ગદ્દાર નહીં જ!, એ સિવાય બીજી ટ્વિટમાં પણ એ જ પ્રાસમાં લખ્યું છે કે, પાણા હશે તોય હાલશે પણ, ગદ્દાર માણસ તો નહીં જ..!

પરેશ ધાનાણીએ પોલિટિકલ કરેક્ટ કાર્ટૂન સાથે એક કેપ્શન ટ્વીટ કરી છે. આ કેપ્શનના કારણે ફરી પક્ષ પલટો કરી ભાજપમાં જનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું છે. જનતાની નજરે આ નેતાઓને ‘ગદ્દાર’ સાબિત કરાવવા માટે મથી રહેલા વિરોધ પક્ષના નેતા પોતાના ટ્વીટર પર એક પછી એક હુમલા કરી રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, કરજણ, ડાંગ, કપરાડા અને ગઢડા બેઠકથી રાજીનામું આપ્યા બાદ રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પાંચ પૂર્વ ધારાસભ્ય સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરી દીધો હતો. તેમાંથી અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જે.વી. કાકડિયા, કરજણ બેઠક પર અક્ષય પટેલ અને કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરીને ભાજપે પેટાચૂંટણી લડવા ટિકિટ આપી છે.

પરેશ ધાનાણીએ આ પહેલા પણ કોંગ્રેસનો સાથ છોડીને ગયેલા ધારાસભ્યોને ગદ્દાર જયચંદોનો ઉલ્લેખ કરી નિશાન સાધ્યું હતું. ધાનાણીએ અગાઉ કરેલા ટ્વીટરમાં લખ્યું હતું કે ‘કોંગ્રેસ તરફથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્વિટરના માધ્યમથી #ગદ્દાર જયચંદ જવાબ આપોના હેસ ટેગ સાથે “ સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ “ વફાદારો બધા ફરે છે ‘ વાઝિંયા ‘ અને ગદ્દારોને ઘરે જ પારણું કેમ બંધાણુ ? , કાળાઘન ના કોથળે કોણ કોણ તોલાણું ? રૂ 16-16 કરોડમાં કોણ કોણ વેચાયુ ?

સોશિયલ મિડીયામાં પણ કોંગ્રેસ પક્ષ છોડનાર અને વર્તમાન ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ પ્રજા આપશે વિશ્વાસઘાત નો જવાબ. ધારાસભ્ય કેટલાકમાં વેચાયાની પોસ્ટ વાયરલ થઇ છે . બ્રિજેશ મેરજા , અક્ષય પટેલ , પદ્મુમનસિહ જાડેજા , જે વી કાકડિયા અને જીતુભાઇ ચૌધરી વિરુદ્ધ સોશિયલ મિડીયામા કેમ્પેઇન શરૂ કરાયું છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના ટ્વીટના કારણે ચર્ચામાં આવી જાય છે અને તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પણ મોટા-મોટા આક્ષેપો કરતા રહે છે. ત્યારે હવે પેટા ચૂંટણીની તારીખ આગળ વધી રહી છે રાજકીય નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો આવતો જોવા મળે છે. 

પેટાચૂંટણીમાં 8 બેઠક માટે 81 ઉમેદવાર વચ્ચે સીધો જંગ

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે. 8 બેઠકોની પેટાચૂંટણી ઉપર આખરે ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં લિંબડી બેઠક ઉપર સૌથી વધુ 14 ઉમેદવારો મેદાનમાં છે. તો કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તો કચ્છ અબડાસા બેઠક ઉપર 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. આ ઉપરાંત મોરબી અને ગઢડા બેઠક ઉપર 12-12 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. અમરેલી ધારી બેઠક ઉપર 11 ઉમેદવારો વચ્ચે જંગ છે. તો કરજણ અને ડાંગ બેઠક ઉપર 9-9 ઉમેદવારો મેદાનમાં છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેમાં ગઈકાલે કુલ 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. 

53 અપક્ષ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસની હારજીત પર અસર કરશે

આમ, ચૂંટણી પંચની યાદી મુજબ, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં 53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસની હાર જીત ઉપર આ અપક્ષ ઉમેદવારો સીધી અસર કરી શકે છે. આ અપક્ષ ઉમેદવારો લિંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સૌથી વધુ છે. કુલ 14 ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો 11 મેદાનમાં છે. ત્યારે મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસના મત તોડી શકે છે. આવામાં બંને રાજકીય પક્ષો માટે મોરબી બેઠક પરની જીત કપરી બની રહેશે. 

મુખ્ય 16 ઉમેદવારો
8 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેની જંગ મોટી છે.  

બેઠક             ભાજપ                     કોંગ્રેસ
અબડાસા    પ્રદ્યુમનસિંહ જાડેજા    શાંતિલાલ સેંઘાણી 
ધારી           જેવી કાકડિયા        સુરેશ કોટડિયા 
કપરાડા        જીતુ ચૌધરી         બાબુભાઈ વરઠા
ગઢડા       આત્મરામ પરમાર     મોહન સોલંકી 
લિબડી       કિરીટસિંહ રાણા        ચેતન ખાચર 
મોરબી       બ્રિજેશ મેરજા         જયંતી પટેલ 
ડાંગ          વિજય પટેલ        સૂર્યકાંત ગાવિત 
કરજણ       અક્ષય પટેલ         કિરીટસિંહ જાડેજા 

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર