September 25, 2022
September 25, 2022

મુખ્ય સેવિકાની ભરતીમાં લાયકાતમાં ફેરફાર થતા વિરોધ..

ગાંધીનગર જિલ્લા કલેકટર, ગ્રામ પંચાયત વિભાગને કરાઇ અરજી

ગાંધીનગર ખાતે મુખ્ય સેવિકા ભરતીના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમને મુખ્ય મુદ્દો એ હતો કે જ્યારે ભરતીની જાહેરાત નજીક છે ત્યારે 27 ડિસેમ્બરના રોજ જિઆર બાહર પાડી અગાઉથી ચાલતી આવતી શૈક્ષણિક લાયકાતમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.

મુખ્ય સેવિકાની ભરતી રાજ્યની મહિલા ઉમેદવારો માટે હોય છે. તેમને સ્ટાફ નર્સ, બાળ વિકાસ યોજના હેઠળ વિવિધ ફરજો સોંપવામાં આવે છે. અગાઉની ચાર ભરતીઓમાં લાયકાત ઓન્લી ગ્રેજ્યુએટની માંગવામાં આવતી હતી. 27 ડિસેમ્બરના રોજ પંચાયત વિભાગ દ્વારા મુખ્ય સેવિકાની ભરતી અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં ફક્ત હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલપમેન્ટ કરેલ મહિલાઓ જ ઉમેદવારી કરી શકશે એમ જણાવવામાં આવ્યું હતું.

આ પરિપત્ર જાહેર થતાં પરીક્ષાની તૈયારી કરતી લાખો બહેનો દુવિધામાં મુકાઇ. ઉમેદવારોના જણાવ્યા અનુસાર છેલ્લા બે ત્રણ વરસથી મુખ્ય સેવિકાની ભરતી કરાઈ નથી. જેથી ભરતીની આશા સાથે લાખો ઉમેદવાર બહેનો અગાઉની લાયકાતના નિયમો પ્રમાણે વર્ષોથી મહેનત કરી રહી છે. તેવામાં જ એકાએક આ નિયમ બદલાતા તેઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા હોય તેવું તેમણે જણાવ્યું.

મહિલા ઉમેદવારોનો સાથ આપવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમની માંગણી સરકાર ત્વરિત રીતે નિવારે તેવી રજૂઆત કરી હતી. યુવરાજસિંહએ જણાવ્યું કે સરકાર શૈક્ષણિક લાયકાતમાં વધારો કરી વિદ્યાર્થીઓને સરકારી નોકરીથી વંચિત રાખે છે.

વિરોધ કરવા આવેલ મુખ્યસેવિકાના ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓએ આ મુદ્દે ગાંધીનગર જિલ્લા કલેકટર, ગ્રામ પંચાયત વિભાગને અરજી કરી છે અને આવનારા દિવસોમાં કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાને પણ રજૂઆત કરવાના છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી