પૂર્વ CM રૂપાણીના ફોટાવાળી અનાજની લાખો થેલીઓનું વિતરણ રોકવાના આદેશ

ગરીબ લોકોને અપાતા રાશનમાં પણ રાજકીય ખેલ…!

ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજય રુપાણીએ રાજીનામું આપતા મોદી સરકારે પાટીદાર ભૂપેન્દ્ર પટેલને ગાદી પર બેસાડ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ -ચાર દિવસથી ભાજપમાં રાજકારણમાં આંતરિક ડંખા ચાલી રહ્યા છે જેની સીધી અસર જાહેર વિતરણ વ્યવસ્થા પર પણ વર્તાઈ છે. ગત રવિવારે મુખ્યમંત્રી બદલાઈ જતાં આઠ શહેર – જિલ્લામાં અગાઉ મોકલાઈ ચૂકેલી વિજય રૂપાણીના ફોટાવાળી ૧૫-૧૫ કિલો અનાજની નોન વૂવન કેરીબેગ ગરીબો સુધી પહોંચતી રોકાવવા દોડધામ મચી ગઈ છે. તેમજ અન્ય જિલ્લાઓમાં પણ જો આવી કેરીબેગની ડીલીવરી મળી જાય તો રાશનની દુકાનોને વિતરિણ કરવાને બદલે સરકારી ગોદામોમાં જ રાખી મૂકવાના ગાંધીનગરથી આદેશ છૂટયા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને મફત ઘઉં –ચોખાનું વિતરણ થઈ રહ્યું છે, જેનો ત્રીજો તબક્કો ગત મે માસમાં શરૂ થયા બાદ આગામી નવેમ્બર (દિવાળી) સુધી ચાલવાનો છે. આ છેલ્લા તબક્કા માટે પુરવઠા નિગમે પ્રજાના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટાવાળી સેંકડો કેરીબેગ્સ છાપવાનો ઓર્ડર આપ્યો હતો. તા.૩ ઓગષ્ટે સરકારે અન્નોત્સવ મનાવ્યો ત્યારે આવી થેલીઓનું પ્રતીકાત્મક વિતરણ થયું પણ હતું. ભાજપ પોતે જે થેલીઓ છપાવીને આપી ચૂકયો છે એ તો અલગ.

પ્રસિધ્ધિ માટે આટલો ખર્ચ અપૂરતો હોય તેમ હવે પુરવઠા નિગમે અમદાવાદ શહેર – જિલ્લો તેમજ ગાંધીનગર, બોટાદ, ભરૂચ, બનાસકાંઠા, નર્મદા અને પાટણ જિલ્લાઓને તાકીદના મેસેજ છોડયા છે કે નિગમે નોન વૂવન ૧૫ કિલોની કેરી બેગનો જે વર્કઓર્ડર આપ્યો છે તેમાંથી આ જિલ્લાઓમાં કેરી બેગ્સ પહોંચી ચૂકી છે પરંતુ હવે તે પરત મેળવીને ગોદામમાં સંગ્રહ કરી દેવી. અન્ય જે જિલ્લાઓ માટે કેરીબેગ રવાના થઈ ચૂકી છે અને મળવી બાકી હોય તો તે જિલ્લાઓમાં કેરીબેગ્સ વ્યાજબી ભાવની દુકાનોને નહીં આપતા ગોદામોમાં સ્ટોક કરી દેવો.

આમ રાજયમાં ૧૭ હજાર જેટલી રાશનશોપ્સ પરથી કરોડો ગરીબોને અનાજ વિતરણ વખતે અનાજ ભરવા અપાનારી લાખો કેરી બેગ્સ વિજય રૂપાણીનો ફોટો હોવા માત્રના કારણે હવે નકામી પડી રહેશે, ઉપરાંત નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટાવાળી લાખો કેરી બેગ્સ નવી છપાવીને મકોલાય તો એ આંદણ વળી અલગ!

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી