September 19, 2020
September 19, 2020

થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલની ફી અંગે મનમાની સામે આવી, વાલીઓને વોટ્સઅપ ગ્રૂપમાંથી રિમૂવ કર્યા

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલની ફી અંગે મનમાની સામે આવી છે. વાલીઓના જણાવ્યા મુજબ સ્કૂલ દ્વારા ફી નહી ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓના ઓનલાઇન એકાઉન્ટ પણ બંધ કરી દીધા હતા. આ સિવાય ફી નહીં ભરનાર વાલીઓને સ્કૂલના વોટ્સઅપ ગ્રૂપમાંથી રિમૂવ કરવામાં આવ્યા હોવાનું પણ કેટલાક વાલીઓ જણાવી રહ્યાં છે.

આ અંગે સ્કૂલના ટ્રસ્ટી મનન ચોક્સીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સ્કૂલ બંધ હોવાના કારણે અમે સોફ્ટવેર અપડેટ કરતાં હતાં. દરમિયાન ટેકનિકલ કારણોસર કેટલાક વિદ્યાર્થીઓના નામ નીકળી ગયા હતા. જેમાં ફી ભરેલા વિદ્યાર્થીઓ પણ હતા. જેની અમને જાણ થતાની સાથે જ સુધારો કર્યો હતો. તેમજ વિદ્યાર્થી-વાલીઓને ઈ-મેલ દ્વારા જાણ પણ કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી સ્કૂલો બંધ છે ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવાની જાહેરાત કરી હતી. જેના પગલે ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણ પણ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. પરંતુ સરકારની મક્કમતા અને વાલીઓનો આક્રોશ જોઇ ખાનગી સ્કૂલોએ ફ્રીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. છતાં કેટલીક સ્કૂલો દ્વારા ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને હેરાન કરી રહ્યાં હોવાની વિગતો સામે આવી રહી છે.રાજ્ય સરકારે સ્વનિર્ભર સ્કૂલોની દાદાગીરીને અંકુશમાં લાવવા માટે તમામ સ્કૂલોને જ્યાં સુધી રાબેતા મુજબ સ્કૂલો શરૂ થાય નહીં ત્યાં સુધી ફી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેના કારણે સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરીને સરકારનું નાક દબાવવા પ્રયાસ કર્યો હતો.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર