September 20, 2021
September 20, 2021

બોટાદમાં ડબલ મર્ડર : ઘરકંકાસમાં પતિએ પત્ની અને ભાભીને રહેંસી નાખ્યા

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર્યા અનેક ચાકુના ઘા, વચ્ચે પડેલી ભાભીને પણ ન છોડી 

રાજ્યના બોટાદ જીલ્લાનાં રાણપુર તાલુકામાં આવેલ ગુંદા ગામમાં મંગળવારની સવારે પતિએ પત્ની તથા તેમના ભાભીની છરીનાં ઘા મારીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ફરાર થઈ જતા નાના એવા ગુંદા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને બંને મહિલાની હત્યા કરનાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે આજે બપોર બાદ મહિલાઓના ડબલ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગુંદા ગામે રહેતા ભીખુ ડોડીયા કે જેઓ પોતાના ઘરે હતા, તે દરમિયાન તેમના પત્ની હર્ષાબેન સાથે બોલાચાલી થઈ હતી. તેવામાં ભીખુ ડોડીયા એકાએક આક્રોશમાં આવી પત્ની હર્ષાબેન પર તૂટી પડ્યો હતો અને ધડાધડ છરીના ઘા ઝીંક્યા હતા. તે દરમ્યાન ભીખુના મોટા ભાઈના પત્ની એટલે ભાભી કૈલાસબેન ઘરે હતા. ત્યારે કૈલાસબેને દેકારો સાંભળતા તેઓ રૂમની બહાર આવ્યા હતા. તેમણે જોયું તો, તેમના દિયર ભીખુ ડોડીયા પોતાની પત્નીને છરીના ઘા મારી રહ્યા હતા. જેથી તેઓ કૈલાસબેને છુટા પાડવા વચ્ચે પડ્યા હતા. આવામાં ભીખુ તેના ભાભી કૈલાસબેન પર પણ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેમના ભાભી કૈલાસબેનને પણ છરીના ઘા માર્યા હતા. ત્યારે બંને દેરાણી-જેઠાણીના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત થયા હતા. 

આ ઘટનાની જાણ થતાની સાથે જ બોટાદ જિલ્લા SP હર્ષદ મહેતા, DYSP સહિતનો પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોચીને બન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાણપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ફરાર આરોપીને શોધી પાડવા માટે પોલીસ દ્વારા નાકાબંધી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હત્યા સમયે ઘરે ફક્ત ત્રણ જ સભ્યો હાજર હતા. આની માટે આ હત્યાનું કારણ હજી અકબંધ રહ્યું છે. સાચુ કારણ હત્યારો ઝડપાય ત્યારે જ જાણી શકાશે. 

ઘરકંકાસમાં ગુસ્સે ભરાયેલા ભીખુએ બે હત્યા કરી 

રાણપુર તાલુકાના ગુંદા ગામે રહેતા ભીખુભાઈ ડોડીયાના ઘરે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો. તેમજ ભીખુના ભાભી કૈલાસબેન નિસંતાન છે. આ ઘરકંકાસે મોટુ સવરુપ ધારણ કર્યું હતું અને ભીખુએ પોતાની પત્ની હર્ષાબેન તેમજ તેમના મોટાભાઈના પત્ની એટલે તેમના ભાભી કૈલાસબેનને છરીના ઘા ઝીંક્યા હતા. બંને દેરાણી જેઠાણીના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા.

 91 ,  1