આપણાં મુકેશભાઇ ક્યાંય જવાના નથી, અફવા છે…અફવા..

નવા વર્ષમાં વિરોધીઓએ અફવા ઉડાડી…2024માં…અંબાણી..

એટલે મુકેશભાઇએ વિદેશમાં કોઇ ઘર પણ નહીં ખરીદવાનું..?

રિલાયન્સ પર તો લાખો પરિવારો નભે છે, તેઓ એવુ ના જ કરે..

રિલાયન્સ અને મુકેશભાઈને બદનામ કરવાનું કાવતરૂ..?

દરેક દેશમાં એક-એક આલિશાન ઘર ખરીદી શકે તેમ છે..

કોઇની પણ સરકાર હોય રિલાયન્સ એટલે રિલાયન્સ…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)
વિક્રમ સંવત 2078ના નવા વર્ષનો પ્રારંભ થઇ ગયો છે. દિલ્હીવાસીઓએ એટલા બધા ફટાકડાં ફોડ્યા કે દેશની રાજધાનીની હવા દમઘોંટુ બની ગઇ….ગુજરાતમાં પણ સરકારી નિયમ પ્રમાણે રાત્રે નહીં પણ દિવસે અને મન ફાવે તેમ ફટાકડાં ફોડાયા પણ અમદાવાદની કે રંગીલા રાજકોટની હવા દમઘોંટુ બની નથી,. ફટાકડાંના તહેવારમાં એક ફટાકડો કોઇ મિડિયાએ રિલાયન્સના મુકેશ અંબાણીના નામનો ફોડી નાંખ્યો…!

અહેવાલ પ્રસિધ્ધ થયા કે મુકેશ અંબાણીએ લંડનમાં 300 એકર જમીન અને એ જમીન પર કોઇ જુનો મહેલ ખરીદી લીધો છે અને દિવાળી ત્યાં મનાવવા ગયા છે, પરત આવશે અને 2024 પછી ત્યાં જ વસવાટ કરશે….!! અલબત આવા અહેવાલોમાં થાય છે તેમ રિલાયન્સે તેની સામે તરત જ સત્તાવાર ખુલાસારૂપી ફટાકડો ફોડ્યો-ના એવુ નથી. 500 કરોડમાં લંડનમાં મિલકત ખરીદવામાં આવી છે તે સાચુ પણ તેને ધંધાકીય ધોરણે વિકસાવીને ચલાવવામાં આવશે… મુકેશભાઇ ત્યાં રહેવા જવાના નથી મુકેશભાઇ 2024 પછી પણ ભારતમાં જ રહેતા હશે….

એ મિડિયોનો એક ભાગ તો સાચો નિકળ્યો. કેમ કે રિલાયન્સે એટલુ તો કબૂલ્યું કે લંડનમાં મહેલ જેવી મિલકત ખરીદવામાં આવી છે. ભારતના નહીં પણ આખા એશિયાના સૌથી ધનવાન-સંપત્તિવાન-દમદાર- વગદાર અને ગુજરાત સરકારે જે તે વખતે આપેલી જામનગરની કસવાળી જમીન અને સગવડોને કારણે જેમની દર કલાકે આવક વધે છે એવા આપણાં ગરવા ગુજરાતી મુકેશભાઇ પોતાના પરિવારની સાથે માયાનગરી મુંબઈમાં 4,00,000 વર્ગ ફુટના નિવાસસ્થાન એન્ટિલિયામાં રહે છે… મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અંબાણી પરિવાર લંડનમાં બકિંધમશાયરના સ્ટોક પાર્કમાં 300 એકરની કન્ટ્રી ક્લબને પોતાની પ્રાઈમરી નિવાસ બનાવવાની આશા રાખે છે…

રિલાયન્સ ગ્રપ નો ખુલાસો- ગ્રુપની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ લિમિટેડે હાલમાં જ સ્ટોક પાર્ક એસ્ટેટમાં ભાગીદારી કરી છે. આ હેરિટેજ મિલકત-પ્રોપર્ટીને ખરીદવાના હેતુથી આ ગોલ્ફિંગ અને સ્પોટિંગ રિસોર્ટના રુપમાં તૈયાર કરવાનો છે. આ માટે સ્થાનીય નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરાઈ રહ્યું છે. આ ભાગીદારી ગ્રુપમાં તેજીથી વધતા કન્ઝ્યૂમર વ્યવસાયને જોતા કરવામાં આવ્યો છે.

આપણાં મુકશભાઇ પાસે હાથ ઉપર એટલી બધી રોકડ અને રોકડની વ્યવસ્થા છે કે તેઓ દુનિયાના અંદાજે 200 દેશોમાંથી પ્રત્યેકમાં એક એક આલિશાન મહેલ સમાન ઘર ખરીદી શકે છે અને ખરીદ્યા પણ હોય તો એ તેમનો અંગત મામલો છે..માણસ પાસે આ રીતે દિન દુની અને રાત ચૌગુની…ની જેમ પેટ્રોલ-ડિઝલના ભાવ સમાન આવક વધ્યા કરે ( હવે તો જો કે ભાવ ઘટ્યા છે) અને ભારતમાં જે દરેક સરકારમાં માન-મરતબો મોભો ધરાવતા હોય એવા સરળ સ્વભાવના અને ધાર્મિક મનોવૃતિવાળા ઉદ્યોગપતિ પોતે ક્યાં ક્યાં શુ ખરીદ્યું એ બધુ ના જ કહે..અને શું કામ કહે…?

તોફાની મિડિયાએ વળી પાછુ વધારામાં તેને 2024ની સાથે જોડી દીધુ..! લો, બોલો…મુકેશભાઇને ભારત છોડીને લંડનના મહેલમાં જઇને રહેવુ હોય તો 2024ની શું કામ રાહ જુએ..? પોતાના વિમાનો છે..કાયદેસરના દરેકના પાસપોર્ટ છે એટલે આ બેઠા વિમાનમાં અને હલ્લાંગુલ્લાં મોજમસ્તી કરતાં કરતાં પહોંચી ગયા લંડનમાં..! પણ મુકેશભાઇ એવુ શુ કામ કરે…?
કોઇ મિડિાયાએ મમરો મૂક્યો કે 2024માં લોકસભાની ચૂંટણીઓના પરિણામ બાદ મુકેશભાઇ…..નવા ઘરમાં રહેવા જતાં રહેશે…! અર્થનું અનર્થ થઇ ગયું…! 2024માં ભારત મધ્યે લોકસભાની સમયસર અને રાબેતા મુજબ યોજાવાની છે, નવી સંસદમાં નરેન્દ્રભાઇ મોદી જ સત્તાપક્ષની પાટલી પર પ્રથમ હરોળમાં પહેલા નંબરે બિરાજમાન હશે..સામે કોણ કોણ અને કેટલા હશે એ તો પરિણામ કહેશે પરંતુ એના પરિણામની સાથે મુકેશભાઇને શું લેવા અને શુ દેવા…?! એમણે તો બધાને આપ્યું જ છે….

ભારતમાં જેમણે ઘણાંને ચૂટણીમાં જીતાડ્યા એ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કહે છે કે ભારતમાં દાયકાઓ સુધી ભાજપને કોઇ હરાવી શકે તેમ નથી…રાજકારણીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની તાકાતનો અંદાજો નથી..તેમને કોઇ હરાવી શકે તેમ નથી..ના રાહુલ ગાંધી પણ નહીં…! તો પછી 2024માં પણ જેમની જીત નક્કી છે ને જેમની સાથે મુકેશભાઇને સારૂ બને છે એમની ત્રીજીવાર સરકાર બને તો ઉલટાનું રિલાયન્સને તો કોઇ નુકશાન જ નથી…ફાયદો જ ફાયદો છે. અને કાંઇ એવુ બન્યુ તો પણ મુકેશભાઇએ કાંઇ પંજાવાળા સાથે પંજો લગાવ્યો નથી કે તેમને કોઇ હેરાન કરી શકે એટલે સરકાર કોઇની પણ હોય મુકેશભાઇ અને રિલાયન્સનો સિતારો તેમના નિવાસસ્થાન એન્ટેલિયાની જેમ ઉંચે ને ઉંચે જઇ રહ્યો છે…

જેમની પાસે આખા ભારતમાં અડધુ મિડિયા પોતાની માલિકીનું હોય તેમને વળી ભારતમાં ડર શેનો કે મુંબઇ-જામનગર છેોડીને વિદેશ જતાં રહે..? .વિદેશમાં પ્રોપર્ટી લીધી છે તો ફરવા ફરવા માટે ઉપયોગ કરશે પણ ભારત છોડીને જવાની એવું તો તેઓ સપનામાં પણ ના વિચારી શકે…એટલે આવા અહેવાલ તોફાની કહી શકાય…

આપણાં મુકેશભાઇના માથે રિલાયન્સના લાખો-કરોડો શેરધારકોની જવાબદારી છે. તેમની કંપની ઉપર તો કેટલાય પરિવારો નભે છે અને મુકેશભાઇની સાથે કમાણી કરી રહ્યાં છે. ભારતમાં તેઓ એક પછી એક જુની નવી કંપનીઓ ખરીદી રહ્યાં છે. હજુ તો 5જી મોબાઇલ સ્માર્ટ ફોનનો બિઝનેસ સંભાળવાનો છે…એટલે મુકેશભાઇ, ડોન્ટવર બી હેપ્પી…તમે તો જાણો જ છો કે મિડિયા ફિલ્ડ કેવુ છે, તમને પણ અનુભવ થયો જ હશે એટલે તો તમે મિડિયા ફિલ્ડમાં પ્રવેશ કર્યો… લંડનની મિલકત અંગે ખુલાસો કર્યો તે સારૂ થયું. નહીંતર તમે તો જાણો જ છો કે તમારા વિરોધીઓ રાઇનું પર્વત કરવામાં કેવા પાવરધા છે..!

મુકેશભાઇ, તમે નિરવ મોદી-મેહુલ ચોકસી કે વિજય માલ્યા કે જતીન મહેતા જેવુ કાંઇ કર્યુ નથી અને તમે એવુ કરો પણ નહીં એનો સૌનો વિશ્વાસ છે.. સૌનો સાથ છે…રિલાયન્સની પ્રગતિમાં સૌનો પ્રયાસ છે..જેઓ ભારત છોડી જતાં રહ્યાં એમને તો એમના ખાનદાનની કોઇ ચિંતા-વિંતા નહોતી પણ તમે ભારતના ધીરૂભાઇ હિરાચંદ અંબાણીના એક શાનદાર જાનદાર અને ખાનદાન પરિવારના છો..એટલે તમારા વિરોધીઓને તમે ચોક્કસ કહી શકો -બુરી નજરવાલે તેરા મૂંહ કાલા….

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી