ગુજરાતમાં ઓવૈસીના ચણા પણ નહીં આવે : કોંગ્રેસ ધારાસભ્ય

કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે, આવા ઓવૈસી જેવા તો કેટલાં આવ્યાં ને ખોવાઈ ગયાં : ઈમરાન ખેડાવાલા

ગુજરાતમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જેમ-જેમ તારીખ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. ગુજરાતમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં મતદાન યોજાશે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથો-સાથ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. શું ગુજરાતમાં AIMIMની એન્ટ્રીથી કોંગ્રેસના પારંપરિક વોટ બેંકમાં ગાબડુ પડશે? મુસ્લિમ મતદારો કોને મત આપશે? આવા અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છેકે, ગુજરાતમાં ઓવૈસીના ચણા પણ નહીં આવે…

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યુંકે, ઓવૈસી ખાલી વાતો કરે છે. એ સેના વગરનો કમાન્ડર થઈને ફરે છે. તેની પાસે કોઈ સેના નથી. જ્યારે કોંગ્રેસ પક્ષ પાસે કરોડો કાર્યકરોની વિશાળ સેના છે. ઓવૈસી એરમાર્શલ છે. જ્યારે અમે ફિલ્ડ માર્શલ છીએ. હવામાં ગપગોળા કરવાથી ગુજરાતમાં ઓવૈસીનો મેળ નહીં પડે. ઓવૈસીના આવવાથી ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે. આવા ઓવૈસી જેવા તો કેટલાં આવ્યાં ને ખોવાઈ ગયાં

ઈમરાન ખેડાવાલાએ કહ્યુંકે, સાંભળ્યું છેકે, 7 ફેબ્રુઆરીએ ઓવૈસી પોતાની પાર્ટીના પ્રચાર માટે ગુજરાત આવવાનો છે. જોકે, ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતમાં પગ નહીં જમાવી શકે. ઓવૈસીની પાર્ટીની રાજકીય વિચારધારાથી ગુજરાતી મતદારો પ્રભાવિત નહીં થાય. ગુજરાતના મતદારો ધર્મનિરપેક્ષ છે, ઓવૈસીને ધોયેલાં મોંઢે પાછો તગેડી મૂકશે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર