પાટીલના મનસૂબાને સાકાર કરવા ઓવૈસીની પાર્ટી ગુજરાત આવી : કોંગ્રેસ ધારાસભ્ય

ગ્યાસુદ્દીન શેખનો આક્ષેપ- ‘182 બેઠકો જીતવા માટે ભાજપ ઓવૈસીની પાર્ટીને ગુજરાત લાવી’

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરનારા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. ઓવૈસીએ ગુજરાતના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને AIMIMના પ્રદેશ પ્રમુખ નિમ્યા છે. ઔવેસીએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી અને કાબલીવાલાને અભિનંદન આપ્યા હતા. ઓવૈસીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, AIMIM ગુજરાતની પ્રજા માટે એક વિશ્વાસપાત્ર રાજકીય વિકલ્પ બનશે.

ત્યારે આ મામલે કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપા પર પ્રહાર કર્યા છે. AIMIM ગુજરાતમાં હિન્દુ મતના ધ્રુવીકરણ અને મુસ્લિમ મતના વિભાજન માટે તેમજ વિધાનસભાની182 બેઠક જીતવા માટે ભાજપ જ ઓવૈસીની પાર્ટીને ગુજરાત લાવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો છે.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું વિધાનસભાની 182 બેઠક જીતવા માટેનો મનસૂબો પૂરો કરવા માટે ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં આવી છે. ગુજરાતમાં કયારેય ત્રીજી પાર્ટી સ્વીકાર્ય નથી, આ સંજોગોમાં ચોક્કસ વર્ગને અપીલ કરતી ઔવેસીની પાર્ટીને ગુજરાતની પ્રજા કયારેય સ્વીકારવાની નથી. આ પાર્ટીને ગુજરાત લાવવા પાછળ કોણ છે તે ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે.

તો બીજી તરફ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, એઆઇએમઆઇએમના પ્રમુખ સાબીર કાબલીવાલા 10 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહ્યા પણ કોઇ સમાજને ઉપયોગી થયા નથી. કાબલીવાલાની વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં જે ભૂમિકા હતી તે ભૂમિકાને કારણે કોંગ્રેસ 70 વર્ષમાં પહેલી વખત જમાલપુર બેઠક પર હાર સ્વીકારવી પડી હતી. કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એઆઇએમઆઇએમના ગુજરાતના પ્રમુખ કાબલીવાલા જમાલપુર વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડે તો હું તેમની સામે લડીશ અ્ને પરિણામ શું આવશે તે જોઇ લઇએ તેવો પડકાર ફેંકયો છે.

કાબલીવાલા 2007માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જમાલપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. છીપા સમાજના અગ્રણી કાબલીવાલાને કોંગ્રેસ ટિકિટ ના આપતાં  2012માં અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું પણ હારી ગયા હતા. જો કે કાબલીવાલાએ 30 હજાર કરતાં વધારે મત મેળવીને કોંગ્રેસના ઉમેદવારને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કાબલીવાલા સતત તેમને મળતા રહેતા હોવાથી કાબલીવાલા ભાજપમાં જોડાઈ જશે એવી અટકળો ચાલી હતી પણ છેવટે કાબલીવાલા ભાજપમાં નહોતા જોડાયા. કાબલીવાલા મોદીની નિકટ હોવાની ચર્ચા પણ ચાલી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આવતા અઠવાડિયે તેની જાહેરાત થવાની શક્યતા છે. ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIM પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ હાલમાં જ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા.

 33 ,  1