September 18, 2021
September 18, 2021

પરમબીરસિંગ-બુરે ફસે..? નિકલે કૈસે..? કોનો રાસ્તા નાહી..!

સરકાર સામે પૂર્વ કમિશ્નર જીતશે કે પછી શરણમ ગચ્છામિ..?

પરમબીર સામે 7 કરોડની વસૂલીના કેસો તો થઇ ગયા…

દેશમુખ ભલે સરકારમાં નથી પણ સરકાર તેમની સાથે છે..

સરકારને લલકારનાર એક આઇપીએસનો કિસ્સો બનશે ઇતિહાસ..

મંત્રી સામે 100 કરોડની વસૂલીનો આરોપ ન લગાવ્યો હોત તો..?

અંબાણી હાઉસ એન્ટેલિયા મરક મરક હસી રહ્યું છે..!

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

દેશની માયાનગરી અને આર્થિક રાજધાની મુબઇ જેવા શહેરના પોલીસ કમિશ્નરપદે નિમણંક એટલે પોલીસ બેડામાં એક ગૌરવ ગણાય છે. અલબત, સત્તાધારી પક્ષની મરજીથી આ પ્રકારના મહત્વના અને અતિ સંવેદનશીલ પદ મળતા હોય છે, 1988ની બેચના આઇપીએસ પરમબીરસિંગની 29 ફેબ્રુઆરી 2020ના રોજ મુંબઇના કમિશ્નરપદે નિમણૂંક થઇ. તેમણે કયા મહુર્તમા પદ સંભાળ્યુ હશે કે તેમની નિમણૂંકના એક વર્ષ પછી મુંબઇમાં એક એવી ઘટના બની કે જેણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી નાંખ્યો. અને પરમબીરસિંહ પૂર્વ કમિશ્નર બની ગયા અને જેમના હાથ નીચે કામ કરતા હતા તે મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખની સામે પોતાની બદલી બાદ 100 કરોડની વસૂલીનો આરોપ કર્યો. અને હવે બદલામાં તેમની સામે ચોથી પોલીસ ફરિયાદની તૈયારી મહારાષ્ટ્ર પોલીસમાં થઇ રહી છે…!

પરમબીરસિંગે સરકારના ગૃહમંત્રી દેશમુખ સામે એવો આરોપ મૂક્યો કે હોમ મિનિસ્ટરે તેમને દર મહિને મુંબઇના ધંધાવાળાઓ પાસેથી ઉઘરાવીને 100 કરોડ આપવાના એવો આદેશ આપ્યો હતો. દેખીતી રીતે આવા આદેશો મૌખિક અને બન્ને એકલા હોય ત્યારે ચાલતા ચાલતા અપાતા હોય તે સ્વાભાવુક છે. પરમબીરના આરોપોથી મહાઅઘાડી સરકારમાં હલચલ…બલચલ…અને ધીરે ધીરે ચલ…ની નીતિ અપનાવી પરમબીરે તેમના કાર્યકાળમાં શું શું કર્યું તેની આંતરિક તપાસ આદરી અને તેમની સામે 3 ફરિયાદ તો થઇ અને હવે ચોથી ફરિયાદ એવી થવાની છે કે તેમણે એક બુકી પાસેથી કથિત રીતે પાંચ કરોડ રુપિયાની લેતીદેતી કરી છે..!.

સૂત્રો કી માને તો, આ મામલો સીઆઇડીને સોંપાયો હતો અને સીઆઈડીએ તપાસ પૂરી કરીને પોતાનો રિપોર્ટ ડીજીપી સંજય પાંડેને સોંપી દીધો છે. જેમાં બુકી દ્વારા પરમવીર સિંઘ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કરાયેલા આક્ષેપ સત્ય હોવાનું જણાયું છે…! સીઆઈડીના વડા પ્રવીણ સળુખેએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ બુકી સોનુ જાલન દ્વારા કરાયેલા આક્ષેપ સાચા જણાયા છે, અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ. ડીજીપી પાંડે આ રિપોર્ટને ગૃહ વિભાગમાં આપીને પરમવીર સિંઘ અને ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્મા તેમજ રાજ કુમાર કોથમીરે વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપી શકે છે…!

2018માં જઇએ….બુકી સોનુ જાલને પરમવીર સિંઘ, પ્રદીપ શર્મા અને કોથમીરે વિરુદ્ધ 2018માં ફરિયાદ નોંધાવી હતી. તે વખતે આ ત્રણેય અધિકારીઓ થાણેમાં કાર્યરત હતા. પરમવીર સિંઘ થાણેના કમિશનર હતા જ્યારે શર્મા અને કોથમીરે એન્ટિ-એક્સ્ટોર્શન સેલમાં ફરજ બજાવતા હતા. સોનુ જાલને રિતેશ શાહ નામના એક વ્યક્તિ પાસેથી સટ્ટાની બાકી ઉઘરાણી કઢાવવા માટે રવિ પૂજારી ( રવિ પૂજારી હાલ ગુજરાત પોલીસના જાપ્તામાં છે) ની મદદ લીધી હોવાના આરોપ હેઠળ થાણે પોલીસ દ્વારા સોનુ જાલન, કેતન તન્ના અને અન્ય એક બુકીની ધરપકડ કરાઈ હતી. સોનુ જાલને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવ્યો હતો, અને તેની પાસેથી આ ત્રણેય પોલીસ અધિકારીએ 5 કરોડ રુપિયા પડાવ્યા હતા….!. ધારો કે, જો પરમબીરસિંગે હોમ મિનિસ્ટર સામે 100 કરોડનો આરોપ ન મૂક્યો હોત તો બુકીવાળી 5 કરોડવાળી વાત અને આરોપ…?

અનિલ દેશમુખ હાલ ગૃહમત્રીપદે નથી. પરમબીરસિગના 100 કરોડના આરોપ બાદ મામલો કેન્દ્રીય તપાસ એજન્સીઓએ સભાળ્યો અને દેશમુખ પૂર્વ ગૃહમત્રી બની ગયા અને એજન્સીઓએ તેમની સામે કરેલા કેસોમા તેઓ બચવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર પરમબીરસિંગના કહેવાતા કાળા કારનામાઓની યાદી તૈયાર કરીને તેમની સામે એક પછી એક કેસો તૈયાર કરી રહી હશે…!

કેમ કે, સરકારને મુશ્કેલીમાં મૂકનાર અને તે પણ એવી સરકાર કે જે નાવડીમાં અલગ અલગ ત્રણ દુશ્મનો એક સાથે બેસીને સામા પ્રવાહે તરીને સરકાર બનાવી હોય એવી સરકાર સામે એક પોલીસ કમિશ્નર પોતાની બદલી થયા બાદ 100 કરોડની વસૂલીનો આરોપ કરે તો એ સરકારને પોતાના ઉપર આરોપ મૂકનાર પર વધારે પ્રેમ આવે અને વધારે પ્રેમમાં તેમના વધારે બુકી જેવા કિસ્સાઓ શોધવાનું કામ પૂરબહારમાં ચાલી રહ્યુ હશે. ઉદેશ્ય એક જ-એવો પાઠ ભણાવો કે બીજી વાર કોઇ 100 કરોડ તો શુ પણ 1 કરોડ વસૂલીનો પણ આરોપ મૂકવાની હિંમત ના કરે…?!

હજુ ગયા સપ્તાહે જ પરમવીર સિંઘ સામે બે ફરિયાદ દાખલ થઇ.. જેમાં કોઇ બિલ્ડર શ્યામ સુંદર અગ્રવાલ અને તેના ભત્રીજા પાસેથી રુપિયા પડાવવાના મામલાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે માર્ચ મહિનામાં કલ્યાણ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ભીમરાવ ગાગડેએ પરમવીર સિંઘ અને અન્ય 32 અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી… જેમાં આક્ષેપ કરાયો હતો કે તેઓ કેએમડીસીના અધિકારીઓ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ અંગે તપાસ કરી રહ્યા હતા ત્યારે સિંઘે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કેસમાં મજબૂત પુરાવા હોવા છતાંય કેસ બંધ કરવાનો ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો…

ત્રીજી ફરિયાદ- પરમવીર સિંઘ વિરુદ્ધ એવો પણ આરોપ છે કે તેમણે ઈન્સ્પેક્ટર અનુપ ડાંગેને સસ્પેન્ડ કરી દીધો હતો. આ મામલે ડોંગેએ ગૃહ વિભાગને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સસ્પેન્શન બાદ નોકરી પર પરત લેવા માટે સિંઘના એક સંબંધીએ તેમની પાસેથી 2 કરોડ રુપિયા માગ્યા હતા.

અને ચોથી ફરિયાદ 5 કરોડની કથિત લાંચનો…! પરમબીરે દેશમુખ સામે 100 કરોડ વસૂલીનો આરોપ મૂક્યો તો સરકારે તેમની સામે અત્યારસુધી 2 વત્તા 5 મળીને 7 કરોડની વસૂલીના આરોપો “શોધી” કાઢ્યા છે. અને હજુ તો આ કદાજ સરૂઆત થઇ હશે…?! આ સમગ્ર આરોપ-પ્રતિ આરોપ, બદલી-વસૂલીના મૂળમાં છે 25 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઇમાં મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર એક કારમાં જિલેટીન સ્ટીક-એક પ્રકારના બોંબ-મૂકવાની ઘટના છે. કારમાં રહેલા જીલેટીન બોંબ તો ન ફૂટ્યા પણ એ ઘટનાના પગલે મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ બેડામાં બન્ને તરફે એટલે કે દેશમુખ અને પરમબીર સામે એક પછી એક એફઆઇઆરરૂપી બોંબ ફૂટી રહ્યાં છે અને એન્ટેલિયા મરક મરક હસી રહ્યું છે…!!

 47 ,  1