દિવસે પાર્કિગ ફી, તો હવે રાત્રે પણ પાર્કિગ ફી ભરવી પડશે..!

ફૂટપાટ પર રાત્રે પાર્ક કરાતી ગાડીઓ પર હવે કોર્પોરેશનની નજર

અમદાવાદ શહેરમાં હવે સોસાયટીની બહાર જાહેર માર્ગ પર મૂકવામાં આવતા વાહનોના માલિકો પાસેથી નાઇટ પાર્કિગ ફી વસુલ કરવામાં આવે તેમ છે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ અંગેની વિચારણા ચાલી રહી છે. પરિણામે દિવસ દરમિયાન જે તે વોલેટ પાર્કિગની સાથે હવે વાહન માલિકોએ ફૂટપાટ પર ગાડી પાર્ક કરવાનો ચાર્જ પણ ભરવો પડે તો નવાઇ નહીં.

સોસાયટીના પાર્કિંગમાં જગ્યા ના હોય ત્યારે ઘણાં લોકો ગેટની બહાર રોડ પર પોતાનું વાહન પાર્ક કરે છે. પરંતુ થોડા જ દિવસોમાં ગલી કે રોડ પર થતું પાર્કિંગ તમારો હક નહીં રહે, તમારે તેના રૂપિયા ચૂકવવા પડશે. રહેણાંક સોસાયટીઓની બહાર પાર્કિંગ કરવા માટે તમારે દર મહિને રૂપિયા 300થી રૂપિયા 1,500ની રકમ ચૂકવવી પડી શકે છે. પાર્કિંગનું પેમેન્ટ જે-તે વિસ્તારના જંત્રીના ભાવને આધારિત રહેશે.

તાજેતરમાં જ પાર્કિંગ પોલીસી જાહેર થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) પાર્કિંગ રેટ નક્કી કર્યા છે. પોલીસીને રાજ્ય સરકારની મંજૂરી મળશે તે પછી પાર્કિંગ રેટ પણ લાગુ કરી દેવાશે. સૂત્રોનું માનીએ તો ફાઈનલ રેટની જાહેરાત થાય ત્યારે રકમ 5-10 ટકા ઉપર-નીચે હોઈ શકે છે.

સ્થાનિકોએ સોસાયટીઓની બહાર પાર્કિંગ કરવા માટે માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક પરમિટ લેવી પડશે. AMCના એક વરિષ્ઠ અધિકારીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, સોસાયટીની બહાર પાર્કિંગ કરવા માટેના માસિક પાસની રકમ જે-તે વિસ્તારના જંત્રીના ભાવ પરથી નક્કી કરવામાં આવશે. “સોસાયટીઓની બહાર પાર્કિંગ કરવા ઓન-સ્ટ્રીટ પાર્કિંગની મંજૂરી આપતી વખતે અમે ચોક્કસપણે દિવસ અને રાતના સમયના ચાર્જ અલગ રાખીશું. નાઈટ પાર્કિંગ ફી રૂપિયા 300થી 1,500ની વચ્ચે જે-તે વિસ્તારના જંત્રી રેટ મુજબ તેમજ રોડનો પટ્ટો કોમર્શિયલ છે કે હાઈ-એન્ડ રેસિડેન્શિયલ એરિયા છે તે ધ્યાને લઈને નક્કી કરાશે”, તેમ AMCના એસ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું.

રોડ પર નાઈટ પાર્કિંગ માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું, “નાઈટ પરમિટ હોય તે લોકોએ બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધીમાં પોતાનું વાહન રોડ પરથી હટાવી લેવું પડશે અને જો તેમ નહીં થાય તો વાહન ટો કરીને લઈ જવાશે.”

આશ્રમ રોડ, નહેરુનગર અને સી.જી. રોડ જેવી વ્યસ્ત કોમર્શિયલ સ્ટ્રીટ પર શો રૂમના માલિકો અથવા ઓફિસ કર્મચારીઓને માસિક પાર્કિંગ ચાર્જ પેટે 1,500થી 3,000 રૂપિયાની વચ્ચે ચાર્જ ચૂકવવો પડશે. કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર પાર્કિંગ માટેનો આ ચાર્જ જે-તે વિસ્તારમાં આવતા લોકોની સંખ્યા મુજબ ભિન્ન હોઈ શકે છે. “પાર્કિંગ પોલીસીના મેન્ડેટ મુજબ, બિલ્ડિંગના પાર્કિંગ એરિયાનો 40 ટકા હિસ્સો મન્થલી પરમિટ હોલ્ડર માટે અનામત રાખવો પડશે”, તેમ AMCના અધિકારીએ ઉમેર્યું.

કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ મુલાકાતીઓને પાર્કિંગ કરવાની મંજૂરી આપીને તેમની પાસેથી પાર્કિંગ ફી લઈ શકે છે. નોન-વર્કિંગ ડે અથવા રજાના દિવસે કોમર્શિયલ બિલ્ડિંગ અને ઓફિસોની બહાર પાર્કિંગ કરવા માટેનો ચાર્જ પ્રતિ કલાક 20 રૂપિયા હોઈ શકે છે અને વધુમાં વધુ 4 કલાક સુધી આ કિંમતે સુવિધા મળી શકે છે. “AMC પાંચ રૂપિયા લેશે અને 15 રૂપિયા રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ બિલ્ડિંગના ખાતામાં જમા કરાવશે જેથી તેમને પણ કમાવાની તક મળે”, તેમ અન્ય એક AMC અધિકારીએ કહ્યું.

સીજી રોડ, એસજી રોડ અને આવા બીજા આર્ટેરિયલ રોડ કે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને બજારો માટે જાણીતા છે ત્યાં પ્રથમ ચાર કલાક માટે પ્રતિ કલાક પાર્કિંગ ચાર્જ 20 રૂપિયા નક્કી કરાયો છે. નવી પોલીસી મુજબ, ચાર કલાકથી વધુ સમય પાર્કિંગ કર્યું હશે તો ચાર્જ વધી જશે. “પહેલા ચાર કલાક બાદ વધારાના દરેક કલાક માટે પાર્કિંગ ફી રૂપિયા 30 રહેશે. જો કોઈ વ્યક્તિ 12 કલાક માટે વાહન પાર્ક કરે છે તો પાર્કિંગ ખર્ચ પેટે રૂપિયા 320 ચૂકવવા પડશે”, તેમ અધિકારીએ કહ્યું.

AMCના અધિકારીઓનું કહેવું છે કે, આ નિર્ણય લેવાનો હેતુ મુખ્ય કોમર્શિયલ રસ્તાઓ પર લાંબા કલાકો સુધી થતાં પાર્કિંગને ઘટાડવાનો છે. ખરીદી કરનારાઓને અગવડ ના પડે અને ચાલીને આવતાં ગ્રાહકોને વધુ જગ્યા મળી રહે તે ઉદ્દેશ પણ આ નિર્ણય સાથે પાર પડશે. “ડેઝિગ્નેટેડ મ્યુનિસિપલ પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક કરવાથી સસ્તું પણ પડશે. દાખલા તરીકે, સીજી રોડનો કોઈ વેપારી 500-700 મીટર દૂર આવેલા નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગમાં આઠ કલાક સુધી માત્ર 40 રૂપિયામાં પાર્કિંગ કરી શકે છે. જો તે પાસ કઢાવી લે તો માસિક ખર્ચ 250-300 રૂપિયા જેટલો જ થશે”, તેમ અધિકારીએ કહ્યું.

 14 ,  1