September 23, 2021
September 23, 2021

પાટીદારોનો વટ છે ને કાંઇ…કહ્યુ અને થયું…160 પાકી…!

ચૂંટણી ગમે ત્યારે આવે કોંગ્રેસનો રેકોર્ડ ભૂતકાળ બની જશે..

પરફેક્ટ ગણતરી- પંજો 15થી આગળ નહીં વધે..

ઝાડુવાળો બેઠો હશે વિપક્ષની ખુરશી પર…?

પરફેક્ટ ગણતરી- 2014માં 51 અને 2019માં 44…

નરેશ પટેલે કહ્યું પાટીદાર સીએમ હોય સારૂ અને…

પાટીદાર અને સિન્ધી માડુ દુનિયામાં ગમે ત્યાં મળે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દુનિયાના કોઇપણ દેશમાં જાઓ તો એક સિન્ધી સમાજના લોકો અને બીજા પાટીદાર સમાજના લોકો ક્યાંકને ક્યાંક હશે જ. પાટીદારોમાં બે ફાડા કડવા અને લેઉવા પણ હવે એકતાનું મંથન ચાલે છે અને અમે કડવા પટેલ તમે લેઉવા પટેલ….એમ કહેવાને બદલે આપણે સૌ પાટીદાર…એમ કહેવાનું શરૂ થયું છે. તે એક સારી નિશાની છે કેમ કે એકતામાં જ શક્તિ છે. અને ભાજપ માટે સારી નિશાની એ પણ છે કે પાટીદારોની માંગણી પ્રમાણે પાટીદાર સમાજમાંથી આવતા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નાથ બનાવ્યાં છે. એમ કહી શકાય કે રાજકિય ગણતરીને ધ્યાનમાં રાખીને પાટીદારોએ કહ્યું અને ભાજપે કર્યું. તેની પાછળની ગણતરી…?

ગુજરાતની કુલ સાડા છ કરોડ વસ્તીમાં અંદાજે 4 કરોડ મતદારો છે અને તેમાં 13થી 14 ટકા મતદારો પી ફોર પીની સામાજિક અને આર્થિક નીતિમાં માનનારા પાટીદાર સમાજના છે. એક પાટીદાર નબળો પડે તો તરત તેને સહાય કરીને સબળો બનાવવાની સમાજિક થીયરી પાટીદારોમાં આવકાર્ય અને સ્વીકાર્ય છે,. સિન્ધી સમાજમાં પણ લગભગ આ સામાજિક થીયરી છે. પરિણામે વ્યાપાર ધંધામાં તેઓ પાછળ રહેતા નથી.

પાટીદારોએ રાજકિય રીતે આગળ રહેવાની સાથે જે સરકાર ચલાવે છે એ વહીવટીતંત્રમાં વર્ગ-1થી લઇને આઇએએસ અને આઇપીએસ કેડરમાં અત્ર તત્ર સર્વત્ર પાટીદારને ધ્યાનમાં રાખીને શિક્ષણ પાછળ જબરજસ્ત રોકાણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હમણાં જે સરદારધામનું દિલ્હીથી ઓનલાઇન ઉદઘાટન કર્યુ તે સંસ્થા પણ પાટીદાર સમાજના છાત્ર-છાત્રાઓને ભણાવવા માટે જ છે. અને એ સરદારધામના ઉદઘાટનમાં વડાપ્રધાને પાટીદારોના ભારોભાર વખાણ કર્યા અને એ કાર્યક્રમ પતાવીને અગાઉથી નક્કી થયા મુજબ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા રાજભવન ગયા અને રાજીનામુ આપીને પાટીદાર માટેનો રસ્તો કરી આપ્યો. અને ગુજરાતને પાંચમા પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રૂપમાં મળ્યાં…

અગાઉના પાટીદાર મુખ્યમંત્રીઓમાં બાબુભાઇ જશભાઇ પટેલ, ચીમનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ અને આનંદીબેન પટેલનો સમાવેશ થાય છે. પાંચમા મુખ્યમંત્રીએ જાહેરમાં કહ્યું છે કે તેમને આનંદીબેનના આશિર્વાદ છે. પાટીદાર મુખ્યમંત્રી નિમાઇ ગયા અને હવે નવી સરકારના નવા મંત્રીમંળની રચના પણ દૂર નથી. તેમાં કેટલા પાટીદાર હશે…? નિતિનભાઇ પટેલને ફરી નાયબ સીએમ બનાવશે કે કેમ એવી અટકળો ચાલે તે સ્વાભાવિક છે. પણ ભાજપ હાઇકમાન્ડ કાંઇ અટકળો પર ચાલતું નથી. પાટીદારોની માંગણી પ્રમાણે પાટીદાર મુખ્યમંત્રી આપીને હવે પછી જ્યારે પણ વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીઓ યોજાય ત્યારે કોંગ્રેસનો 149 બેઠકોનો રાજકિય વિક્રમ તો જાણે ભૂતકાળ બની જશે અને અત્યાર સુધી ન મળી હોય એટલી 160 કરતાં વધારે બેઠકો જીતવાની ગણતરી છે ભાજપની.

ગુજરાતના 18 હજાર ગામોમાં એક પણ ગામ એવુ નહીં હોય કે જ્યાં પાટીદાર મતદાર નહી હોય. ધીમે ધીમે પાટીદાર સંગઠનો દ્વારા મા ઉમિયાની જ્યોત…મા ખોડલની જ્યોત અને અન્ય કાર્યક્રમો દ્વારા મેસેજ પહોંચશે- પંજો અને ઝાડુ નહીં… માત્રને માત્ર ક કમળનું ક…! પી ફોર પી…હાલમાં પાટીદાર મુખ્યમંત્રી છે તો ચૂંટણીઓ બાદ પણ પાટીદાર જ હશે…એવા સંદેશાઓ એક યા બીજી રીતે પહોંચતા જશે અને ઇવીએમમાં મતોના ઢગલા થતાં જશે અને પંજાવાળાને 18 કરતાં પણ ઓછી બેઠકો મળે તો કોંગ્રેસને વિપક્ષના નેતાનો હોદ્દો પણ ભૂતકાળ બની જાશે અને તેના સ્થાને ઝાડુવાળો વિધાનસભામાં વિપક્ષની ઓફિસમાં બિરાજમાન હોઇ શકે..! કારણ

ગણતરી..પરફેક્ટ ગણતરી…ભાજપના સમર્પિત મધ્યમવર્ગના મતદારો વત્તા ઓબીસી વત્તા દલિતો વત્તા આદિવાસી અને વત્તા પાટીદારો એમ વત્તા વત્તાનો સરવાળો કરીએ તો અલબત્તા માનો કે પંજો તો ગિયો…! અને ઝાડુવાળો આવીયો…!

કોઇ એમ કહે કે એવુ તો કાંઇ હોતુ હશે કે પંજાને 18 કરતાં ઓછી બેઠકો મળે ગુજરાતમાં..? તો તેમણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓના આંકડા જોઇ લેવા જોઇએ. એવી પરફેક્ટ ગણતરી…કે પંજાને 2014માં 51 બેઠકો અને 2019માં 44 બેઠકો. લોકસભામાં વિપક્ષના નેતાના પદ માટે 543 બેઠકોના 10 ટકા બેઠકો એટલે કે 55 બેઠકો જીતવી પડે કે મેળવવી પડે. અને એટલી બેઠકો કોંગ્રેસને ભાજપે જીતવા જ ના દીધી… 55 મળે તો વિપક્ષના નેતાનું કાયદેસરનું પદ આપવુ પડે અને કોંગ્રેસના વિપક્ષના નેતા સરકારના નિર્ણયોમાં ડખા કરે જ. એટલે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી…! એટલે પહેલાં 51 અને પછી 44…હવે પછી…?

અને બન્યુ પણ એવુ જ કે 2019ની એ પરફેક્ટ ગણતરીમાં કોંગ્રેસની હારેલી બેઠકોમાં અમેઠીમાં રાહુલ ગાંધી પણ હારી ગયા અને તેમને કે કોંગ્રેસને ભાજપની પરફેક્ટ ગણતરીનો ખ્યાલ અગાઉથી જ આવી ગયો હશે એટલે ભાઇ ઉપડ્યા સીધા કેરળ અને અમેઠીની સાથે વાયનાડ બેઠકથી પણ ઉમેદવારી નોંધાવી અને ત્યાંથી જીત્યા અને અમેઠીમાં હાર્યા. આ છે પરફેક્ટ ગણતરી અને જો દેશ આખામાં તેનું આયોજન થતું હોય તો ગુજરાત તો ભાજપનો ગઢ છે. ભલે ગઇ વખતે 99 બેઠકો આવી હોય પણ આ વખતે તો મેરા દોસ્ત હે પાટીદારવાલા…એટલે 182માંથી 160 કરતાં વધારે ન મળે તો જ નવાઇ થશે.

સપના, મૈં તુઝે ભૂલ જાઉ ઐસા હો નહીં શકતા ઔર તુમ મુઝે ભૂલ જાઓ ઐસા મૈં હોને નહી દૂંગા…એવા સુનિલ શેટ્ટીના ડાયલોગની જેમ… 160 સે કમ હોને નહીં દૂંગા ઔર પંજે કો 18 સે જ્યાદા મિલે ઐસા હોને નહીં દૂંગા…?

સૌથી મોટી જવાબદારી નવા પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પર છે. મુખ્યમંત્રીપદના શપથ પહેલા જ પદનામિત સીએમ તરીકે તેમને એકશનમાં આવવુ પડ્યુ અને પૂરગ્રસ્તોને બચાવવા આદેશો આપવા પડ્યા. એક રીતે જોઇએ તો નવા પાટીદાર મુખ્યમંત્રીએ, આગ કા દરિયા હૈ ઔર તૈર કે જાના હૈ…ની જેમ અગ્નિપથ પર ચાલવાનું છે. અલબત તેમની સાથે આખી ટીમ ભાજપ હશે જ. પણ ખરી મહેનત તો પાટીદારોનો વિશ્વાસ મેળવવા અને કેળવવા માટે તેમણે જ કરવાની છે.

કોરોના કાળ ચાલી રહ્યો છે અને ત્રીજી લહેર આવે ના આવે..આવે ન આવે.. એવુ ચાલી રહ્યું છે. તેવા સંજોગોમાં જો ત્રીજી લહેર નોક નોક… કરે તો માન મુખ્યમંત્રીશ્રી, 108માં આવે તો જ એડમિટ કરીશું…એવો કોઇ અમાનવીય નિર્ણય કોઇપણ સ્તરેથી ન લેવાય એની ખાસ કાળજી લેશોજી. થોડુ લખ્યુ ઝાઝુ વાંચશો….નેશનલ ન્યૂઝ પોર્ટલ નેટ ડાકિયા તરફથી ગુજરાતના નાથને વંદન અને અભિનંદન…!

 89 ,  1