પેટાચૂંટણીની પરીક્ષામાં પાટીલ પાસ, હાર્દિક અને કોંગ્રેસનું આખું નેતૃત્વ ફેલ

અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી..

હાર્દિક પટેલની કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેને નિયુક્તિનો જાદુ પણ ન ચાલ્યો

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઇ છે. અને તમામ બેઠકો પર કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપનો મોરબી, અબડાસા, ગઢડા, કરજણ, લીંબડી, ધારી, કપરાડા અને ડાંગ બેઠક પર ભવ્ય વિજય થયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જીતને 2022નું ટ્રેલર ગણાવ્યું છે. એટલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થશે તેવા સ્પષ્ટ સંકેતો તેમણે કોંગ્રેસને આપ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસે મોરબી, ધારી જેવા પોતાના ગઢ પણ ગુમાવ્યા છે, જે બતાવે છે કે કોંગ્રેસનુ સુકાન નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી વધુ નિષ્ફળતા હાર્દિક પટેલને મળી છે. સીઆર પાટીલ અને હાર્દિક પટેલની જવાબદારી આ ચૂંટણીમાં મહત્વની બની રહી હતી, સાથે જ બંનેની આ પ્રથમ ચૂંટણી હતી. આવામાં સીઆર પાટીલને ખોબલે ભરીને સફળતા મળી, તો હાર્દિક પટેલ પર કોંગ્રેસે ખેલેલો જુગાર ફેલ સાબિત થયો. 

લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા 30 હજારથી વધુ મતથી વિજયી થયા છે.ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે અહીં સીધો જંગ હતો. જો કે પ્રથમ રાઉન્ડથી ભાજપના ઉમેદવાર લીડ તરફ આગળ વધી રહ્યા હતા. અને અંત સુધી ભાજપ આ સીટ ઉપર લીડ લઈ…42 રાઉન્ડના અંતે ભાજપે લીંબડી બેઠક પર જીત હાંસલ કરી હતી..મહત્વનું છે કે, કિરીટસિંહ રાણા આ બેઠક પરથી ત્રીજી વખત પેટા-ચૂંટણીમાં વિજેતા થયા છે.

ધારીની બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા અંતિમ 29 રાઉન્ડના અંતે ભાજપને 16596 મતની લીડ મેળવી પોતાની જીત નિશ્ચિત કરી લીધી છે. ધારી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી અને હાર્દિક પટેલે પ્રચારમાં એડીચોટનું જોર લગાવ્યું હતું. ઝંઝાવતી પ્રચાર છતાં ધારી બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે.

કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીનો ઐતિહાસિક વિજય થયો છે. જીતુભાઈ ચૌધરી 46,797 થી વધુ લીડથી કપરાડા બેઠક પર વિજય મેળવ્યો છે. જીતુભાઈ ચૌધરીની કપરાડા વિધાનસભા બેઠક પર સતત પાંચમી જીત થઈ છે. અત્યાર સુધી ચાર વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે કપરાડા બેઠક પર જીતી અને ધારાસભ્ય બન્યા હતા. ત્યારે હવે પાંચમી વખત ભાજપના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જશે. જીતુભાઈ ચૌધરીની સતત પાંચમીથી જીત બાદ કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.

મોરબી બેઠક પર ભાજપના બ્રિજેશ મેરજાનો પણ ભવ્ય વિજય થયો છે. બ્રિજેશ મેરજાએ કૉંગ્રેસના જયંતિલાલ પટેલને 4649 મતથી હરાવ્યા છે. રસાકસી બાદ મોરબી બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાએ 64 હજાર 711, જ્યારે જયંતિ પટેલને 60 હજાર 62 મત મળ્યા હતા.

વડોદરાની કરજણ બેઠકની પેટાચૂંટણીની ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો 16 હજારથી વધુ મતથી વિજય થયો છે. આમ ભાજપે કોંગ્રેસ પાસેથી કરજણ બેઠક પણ આંચકી લીધી છે. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને 76,831 મત અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 60422 મત મળ્યા હતા. 15 થી 18 રાઉન્ડ સુધીમાં ભાજપના ઉમેદવારની લીડમાં 5861 મતનો ઘટાડો થયો હતો. જો કે 19 થી 29માં રાઉન્ડમાં ભાજપની લીડમાં 10,808 મતની લીડ વધી ગઇ હતી. જેથી કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારતા કરજણ બેઠક પર કમળ ખીલ્યું છે.

તો આ તરફ ડાંગ બેઠક પર ભાજપે ઇતિહાસ રચ્યો છે. ભાજપના વિજયભાઈ પટેલ કુલ 94,006 મત મેળવીને વિજેતા બન્યા છે. જયારે તેમના નજીકના હરીફ ઉમેદવાર સૂર્યકાંતભાઈ ગાવીતને 33911 મત મળ્યા હતા. મહત્વનું છે કે, ડાંગ જિલ્લામાં પેટાચૂંટણીમાં કુલ 75 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારે ભારે બહુમત સાથે ડાંગ બેઠક પર ભાજપે વિજય મેળવતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

પેટાચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા

રાજ્યમાં પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. મહત્વનું છે કે 8 બેઠકો પર કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા જેને લઇને પેટાચૂંટણી યોજાઇ હતી. આ પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયો છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 5 ઉમેદવારોને ટિકિટ આપી હતી. પેટાચૂંટણીમાં 8 બેઠકો જીત્યા પછી ભાજપની બેઠકોનો આંકડો 111 પર પહોંચ્યો છે. ત્યારે હવે પેટાચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા આવી છે.

પેટાચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, રાજ્યસભાની એક બેઠક માટે ભાજપે ચૂંટણી થોપી છે. ગુજરાતના લોકો બેકારી, ભૂખમરો અને મોંઘવારીથી ત્રસ્ત છે. 8 વિધાનસભા વિસ્તારના લોકો સાથે દ્રોહ થયો છે. લોકોનો રોષ મતમાં કેમ ન પરિણમ્યો તેનો અભ્યાસ કરીશું.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર