પેગાસસ કેસ : સુપ્રીમ કોર્ટ બનાવશે એક્સપર્ટ કમિટી

આગામી સપ્તાહે મહત્વનો નિર્ણય લેવામાં આવશે : CJI

પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ એક્સપર્ટ્સની કમિટી બનાવશે. ગુરુવારે એક મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એનવી રમનાએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ કમિટી કેવી હશે અને તપાસ કઈ રીતે આગળ વધશે તે અંગે આગામી અઠવાડિયે વિસ્તૃત આદેશ આવી શકે છે.

ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું કે કમિટીનો ભાગ બનવા માટે કેટલાક એક્સપર્ટ્સનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ તેમાંથી અનેક એક્સપર્ટ અંગત કારણસર તેનો ભાગ બનવા અસમર્થ હોવાનું જણાવી રહ્યા છે. ચીફ જસ્ટિસ એનવી રમનાએ કોર્ટમાં વકીલ સીયુ સિંહને કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ અઠવાડિયે પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે કમિટી બનાવવા માંગે છે. જે લોકોને આ કમિટીમાં સામેલ કરવાના છે તેમાંથી કેટલાકે સામેલ થવાની ના પાડી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે તેને લઈને આદેશ આગામી અઠવાડિયા સુધીમાં આવી શકે છે. જલદી ટેક્નિકલ એક્સપર્ટની કમિટીને ફાઈનલ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર દ્વારા પહેલા કહેવાયું હતું કે એક્સપર્ટ કમિટી બનાવીને આ સમગ્ર મામલે તપાસ કરાવવામાં આવી શકે છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ પેગાસસ જાસૂસી મામલો સામે આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સીઓએ દાવો કર્યો હતો કે ભારત સરકારે ઈઝરાયેલી સ્પાયવેરના દમ પર દેશમાં અનેક નેતાઓ, પત્રકારો અને અન્ય હસ્તીઓની જાસૂસી કરાવી હતી. જો કે આ આરોપોને કેન્દ્ર સરકારે પાયા વિહોણા ગણાવ્યા હતા. આ યાદીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સહિત અન્ય નેતાઓ, અનેક પત્રકાર, કેટલાક કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ હતા. કોંગ્રેસના નેતૃત્વમાં આ મુદ્દે રસ્તાથી લઈને સંસદ સુધી પ્રદર્શન કરાયું હતું.

 51 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી