આગામી થોડા દિવસોમાં ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ

માર્કેટની માંગને પહોંચી વળવા ઉત્પાદન વધારાશે, ક્રુડના વધતા ભાવ પર બ્રેક લાગશે

દેશમાં પેટ્રોલ ડીઝલની આગ ઝરતી મોંઘવારીમાં આમ પ્રજા બળી રહી છે ત્યારે એક સારા સમાચાર મળી રહ્યા છે કે આગામી થોડા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે આ ઘટાડો સરકાર દ્વારા ટેક્સ ઘટાડાને આભારી નથી પરંતુ દુનિયામાં ક્રુડ ઓઇલ ઉત્પાદન કરતાં દેશોના એલિટ જૂથ ઓપેક પ્લસના એક નિર્ણયને આભારી છે.

રવિવારે આ ગ્રુપની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે માર્કેટની માગને પહોંચી વળવા માટે આગામી સમયમાં ઉત્પાદન વધારવામાં આવશે જેના કારણે ક્રુડ ઓઇલના વધતા ભાવ પર બ્રેક લાગશે જેની અસર પેટ્રોલ ડીઝલની રિટેલ પ્રાઈસ પર પણ સ્પષ્ટ પણે જોવા મળશે.

આ ગ્રુપમાં રશિયા સહિતના ક્રુડ ઓઇલ ઉત્પાદક દેશોનો સમાવેશ થાય છે. જેમણે મીટિંગમાં નક્કી કર્યું છે કે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં આ દેશો ઉત્પાદન ક્ષમતાને પ્રતિ દિવસ 4 લાખ બેરલ સુધી લઈ જશે જેથી 2 મિલિયન બેરલ પ્રતિ દિવસ ઉત્પાદન સુધી પહોંચી શકાય. અથવા તો એમ કહો કે ભારતની દૈનિક જરુરિયાતના 44 ટકા જેટલું પ્રોડક્શન વધારવામાં આવશે.

આ નિર્ણય એટલા માટે પણ ફાયદાકારક છે કે આ ગ્રુપની મીટિંગમાં નક્કી થયા મુજબ યુએઈ, ઈરાક અને કુવૈતના પ્રોડક્શન ક્વોટામાં પણ વધારો કરાયો છે. મહત્વનું છે કે આ ત્રણેય એ દેશે છે જેની પાસેથી ભારત પોતાનું મોટાભાગનું ક્રુડ ઓઈલ ખરીદે છે. જેથી આગામી સમયમાં ભારતની ખરીદ કિંમતમાં ઘટાડો આવી શકે છે જેનો ફાયદો સામાન્ય માણસાના ખિસ્સા સુધી પહોંચી શકે છે.

 52 ,  1